Book Title: Shraddh Vidhi Prakaran
Author(s): Somsundarsuri
Publisher: Shantichandrasuri Jain Gyamandir

View full book text
Previous | Next

Page 401
________________ ૩૮૦ શ્રાદ્ધવિધિ પ્રકરણ જિનમંદિર અથવા જિનપ્રતિમા કરાવે ત્યારે ભાવશુદ્ધિને સારુ ગુરુ તથા સંઘ રૂબરૂ એમ કહેવું કે, "આ કામમાં અવિધિથી જે કાંઈ પારકું ધન આવ્યું હોય, તેનું પુણ્ય તે માણસને થાઓ.” ષોડશકમાં કહ્યું છે કે – જે જેની માલિકીનું દ્રવ્ય આ કામમાં અનુચિતપણે આવ્યું હોય તેનું પુણ્ય તે ધણીને થાઓ. આ રીતે શુભ પરિણામથી કહે તો તે ધર્મકૃત્ય ભાવશુદ્ધ થાય. પાયો ખોદવો, પૂરવો, કાષ્ઠનાં દળ પાડવાં, પથ્થર ઘડાવવા, ચણાવવા વગેરે મહારંભ-સમારંભ જિનમંદિર કરાવવામાં કરવો પડે છે, એવી શંકા ન કરવી. કારણ કે, કરાવનારની યતનાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી તેમાં દોષ નથી. જિનમંદિર કરાવવાથી નાનાવિધ પ્રતિમા, સ્થાપન, પૂજન, સંઘનો સમાગમ, ધર્મદેશના કરણ, સમકિત-વ્રત વગેરેનો અંગીકાર, શાસનની પ્રભાવના, અનુમોદના વગેરે અનંત પુણ્યની પ્રાપ્તિ હોવાથી તેનાં સારાં પરિણામ નીપજે છે. કહ્યું છે કે-સૂત્રોક્ત વિધિનો જાણ પુરુષ યતનાપૂર્વક કોઈ કામમાં પ્રવર્તે, અને જો કદાચ તેમાં કાંઈ વિરાધના થાય, તો પણ અધ્યવસાયની શુદ્ધિ હોવાને લીધે તેને નિર્જરા જ થાય છે. દ્રવ્યસ્તવ ઉપર કૂવાનું દષ્ટાંત વગેરે અગાઉ કહી ગયા છીએ. - જીર્ણોદ્ધાર જીર્ણોદ્ધાર કરવાના કામમાં પણ ઘણો જ પ્રયત્ન કરવો. કેમકે – જેટલું પુણ્ય નવું જિનમંદિર કરાવવામાં છે, તે કરતાં આઠગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં છે. જીર્ણ જિનમંદિર સમરાવવામાં જેટલું પુણ્ય છે તેટલું નવું કરાવવામાં નથી કારણ કે નવું મંદિર કરાવવામાં ઘણા જીવોની વિરાધના તથા મારું મંદિર એવી પ્રખ્યાતિ પણ ખરી. માટે તેમાં જીર્ણોદ્ધારના જેટલું પુણ્ય નથી. તેમજ કહ્યું છે કે - જિનકલ્પી સાધુ પણ રાજા, પ્રધાન, શેઠ તથા કૌટુંબિક એમને ઉપદેશ કરી જીર્ણ જિનમંદિર સમરાવે, જે પુરુષો જીર્ણ થયેલાં, પડેલાં જિનમંદિરોનો ભક્તિથી ઉદ્ધાર કરે છે, તેઓ ભયંકર સંસાર સમુદ્રમાં પડેલા પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે. આ વાત ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે : શ્રી શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરવાનું પિતાએ અભિગ્રહ સહિત ધાર્યું હતું, તેથી મંત્રી વામ્ભટે તે કામ શરૂ કરાવ્યું, ત્યારે મોટા શેઠીઆ લોકોએ પોતાની ગાંઠનું નાણું પણ તે કામમાં આપ્યું. છ દ્રમ્મની મૂડી રાખનાર ભીમ નામે એક ઘી વેચનાર હતો, તેની પાસે ફરતી ટીપ આવી, ત્યારે તેણે ઘી વેચી મૂડી સહિત દ્રવ્ય આપી દીધું. તેથી તેનું નામ સર્વની ઉપર લખાયું અને તેને સુવર્ણનિધિનો લાભ થયો વગેરે વાર્તા જાહેર છે. પછી કાષ્ઠમય ચૈત્યને સ્થાનકે શિલામય મંદિર તૈયાર થવાની વધામણી દેનારને મંત્રીએ બત્રીશ સુવર્ણની જીભ આપી. તે ઉપરાંત જિનમંદિર વીજળી પડવાથી તૂટી પડયું, એવી વાત કહેનારને તો મંત્રીએ ચોસઠ સુવર્ણની જીભ આપી. તેનું કારણ કે, મંત્રીએ મનમાં એમ વિચાર્યું કે - "હું જીવતાં છતાં બીજો ઉદ્ધાર કરવા સમર્થ છું. બીજા જીર્ણોદ્ધારમાં બે ક્રોડ સત્તાણું હજાર એટલું દ્રવ્ય લાગ્યું. પૂજાને સારું ચોવીશ ગામ અને ચોવીશ બગીચાઓ આપ્યા, વામ્ભટ્ટ મંત્રીના ભાઈ આંબડ મંત્રીએ ભરૂચમાં દુષ્ટ વંતરીના ઉપદ્રવને ટાળનાર શ્રી હેમચંદ્રસૂરિની મદદથી અઢાર હાથ ઊચા શકુનિકાવિહાર નામે પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો. મલ્લિકાર્જુન રાજાના ભંડાર સંબંધી બત્રીશ ઘડી સુવર્ણનો બનાવેલો કલશ

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422