________________
૪૩૬
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ’ને આધારે
પરાભવ પામ્યો. તેને મુનિઓ પ્રત્યે અત્યંત દ્વેષ ઉત્પન્ન થયો. તેથી બદલો લેવા મધ્યરાત્રિએ તીક્ષ્ણ તલવાર લઇ નમુચિ મંત્રી કાયોત્સર્ગમાં ઉભેલા મુનિનો ઘાત કરવા દોડયો. ત્યારે શાસનદેવીએ તેને સ્થંભિત કરી દીધો. પ્રાતઃ કાળે રાજા તથા નગરજનોએ નમુચિ મંત્રીને પત્થરની મૂર્તિ સમાન સ્થિર ઉભેલો જોયો. શાસનદેવીના વૃત્તાંતથી લોકોએ નમુચિના અધમપણાને જાણી, તેની નિંદા કરી. રાજાએ તેને રાજ્યમાંથી કાઢી મૂકયો. હવે નમુચિ હસ્તિનાપુરમાં મહાપદ્મકુમારના મંત્રી તરીકે ગોઠવાયો. તે સમયે નમુચિ મંત્રીએ સિંહબલ નામના દુષ્ટ સામંતને બળ અને છળથી મહાત કરી મહાપદ્મ રાજાને ખુશ કર્યા. રાજાએ પ્રસન્ન થઈ નમુચિ મંત્રીને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે નમુચિમંત્રીએ કહ્યું કે ‘‘હું અવસરે વરદાન માંગીશ.’'
સુવ્રતાચાર્ય વિચરતાં વિચરતાં હસ્તિનાપુરમાં પધાર્યા. તેમને જોઇ નમુચિ મંત્રીનો પૂર્વનો વૈરભાવ જાગૃત થયો. બદલો લેવાના ઉદ્દેશ્યથી નમુચિ મંત્રીએ મહાપદ્મ રાજા પાસેથી અવસર જોઈ વરદાન પાછું માંગ્યું. ‘‘વેદોક્ત વિધિથી યજ્ઞ ક૨વા માટે સાત દિવસ મને રાજ્ય આપો.'' એવું કહી નમુચિ મંત્રીએ રાજા પાસેથી રાજ્ય મેળવ્યું. રાજા બનેલા નમુચિ મંત્રીએ યજ્ઞ કર્યો. તેમાં જૈન મુનિઓ સિવાય સર્વ આવ્યા. જૈન મુનિઓ સાવધ કાર્યોમાં ભાગ લેતા નથી તેથી તેઓ યજ્ઞમાં ન આવ્યા. યજ્ઞમાં ન આવ્યા તે દોષ ગણી નમુચિ મંત્રીએ સાધુઓને રાજ્યમાંથી સાત દિવસની અંદર જતા રહેવાનો હુકમ કર્યો, અન્યથા સાધુઓને મારી નાખવાની ધમકી આપી.
નમુચિ મંત્રીની શાન ઠેકાણે લાવવામાં સમર્થ મહાપદ્મરાજાના ભાઇ વિષ્ણુકુમાર મુનિ હતા. એક આકાશગામિની વિદ્યાના જાણકાર મુનિ મેરૂપર્વત પર ધ્યાનમાં બેઠેલા વિષ્ણુકુમારમુનિ પાસે ગયા. ચાતુર્માસમાં મુનિ અહીં આવ્યા તેથી કોઇક મહત્ત્વનું કાર્ય હશે, એવું જાણી વિષ્ણુકુમાર મુનિએ આગંતુક મુનિ પાસેથી આવવાનું કારણ જાણ્યું. મુનિઓના ઉપસર્ગનું નિવારણ કરવા વિદ્યાના બળે બંને મુનિઓ હસ્તિનાપુર આવ્યા.
વિષ્ણુકુમાર મુનિએ નમુચિ મંત્રીને ઘણો સમજાવ્યો પણ નમુચિનો મુનિઓ પ્રત્યેનો દ્વેષ વધતો ગયો. તેણે કહ્યું. . ‘‘ત્રણ પગલાં પૃથ્વીથી બહાર કોઇપણ સાધુને જોઇશે તો હું મારી નાંખીશ.'' વિષ્ણુકુમાર મુનિએ વૈક્રિયરૂપ ધારણ કર્યું. એક લાખ જોજનની કાયા બનાવી. એક પગ સમુદ્રના એક કિનારે, બીજો પગ બીજા કિનારે મૂક્યો. ત્રીજો પગ નમુચિના મસ્તકે મૂકી તેને પાતાળમાં ફેંક્યો. આખું બ્રહ્માંડ ડોલી ઉઠયું. સૌધર્મેન્દ્રે ગુસ્સે થયેલા વિષ્ણુકુમાર મુનિને શાંત કરવા ગાંધર્વ જાતિની ગાયિકા દેવીઓને મોકલી. તેમના ગીતોથી વિષ્ણુકુમાર મુનિ ઉપશાંત બન્યા. મુનિઓ પર આવેલું સંકટ દૂર થયું. વિષ્ણુકુમાર મુનિનું ત્યારથી ‘ત્રિવિક્રમ’ એવું નામ પડયું. તેઓ ગુરુ પાસેથી પાપનું પ્રાયશ્ચિત લઇ, સર્વકર્મ ક્ષય કરી મુક્તિપુરીમાં ગયા. તપના પ્રભાવે વિષ્ણુકુમાર મુનિને વૈક્રિય લબ્ધિ પ્રાપ્ત થઇ હતી. આ લબ્ધિનો ઉપયોગ તેમણે જિનશાસનની રક્ષા માટે કર્યો. તેવા જ બીજા લબ્ધિધારી પ્રભાવક સનન્કુમાર ચક્રવર્તી હતા.
૨૯) સનત્કુમાર ચક્રવર્તી
ભરતક્ષેત્રના હસ્તિનાપુર નગરમાં અતિ સ્વરૂપવાન સનત્યુમારનામે ચક્રવર્તી થયા. એક વખત સૌધર્મસભામાં ઇન્દ્ર મહારાજા સૌદામિન નામનું નાટક કરાવતા હતા ત્યારે સંગમ નામનો રૂપવાન અને કાંતિવાન દેવ આવ્યો. તેના રૂપ અને તેજથી મુગ્ધ બનેલા દેવોએ શક્રેન્દ્રને ત્રણ ભુવનમાં ઉત્કૃષ્ટ રૂપ અને તેજ યુક્ત વ્યક્તિ કોણ છે ? એવો પ્રશ્ન પૂછયો. ઇન્દ્ર મહારાજાએ જવાબ આપતાં ભરત ક્ષેત્રના સનત્યુમાર ચક્રવર્તીના રૂપ અને તેજની પ્રશંસા