Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 52
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર પુરુષોની ૬૪ અને સ્ત્રીની ૭૨ કળા શીખવાની કેળવણી અપાતી. તે હુન્નર અને કસબ શીખીને વર્ષો પછી જ્યારે બાળકો યુવાન થઈને સ્વગૃહે પરત ફરતા ત્યારે તે કેળવણીથી ખીલેલ સમજણ શક્તિ, સામર્થ્ય, વિદ્યાનું તેજ અને તનની કાંતિ ઈત્યાદિમાં સૂક્ષ્મ અને સ્થૂલ રીતે કેટલી વૃદ્ધિ થઈ તે પણ કસોટી દ્વારા મપાતા. કૌતુક અને નવાઈ વચ્ચે ઉત્તમ એવી ગુરુકુળની તે ઋષિ પરંપરા કાળક્રમે વિલીન થતી ગઈ અને વિદ્વાન પંડિતો સમીપ જઈ કેળવણી પામવાનું શરૂ થયું. આચાર-વિચાર, રીતભાત, ચારિત્ર્ય ઘડતર ઉપરાંત અન્ય અનેક વિષયોની સર્વ વિદ્યા શીખવા માટેનો બોધ ગ્રહણ કરી, શિક્ષિત થઈ, જ્ઞાનદાન સ્વીકારી એ બાળકો સમાજમાં એક આદર્શ નાગરિક બની જીવનનિર્વાહ કરવા પ્રવૃત્ત થતા. તે કાળે તે સમયે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રે, અવસર્પિણીકાળનાં સુષમદુષમા નામના ચોથા આરાનાં ૭૨ વર્ષ ને સાડા આઠ મહિના બાકી રહ્યા ત્યારે આજથી ૨૬૧૪ વર્ષ પૂર્વે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ક્ષત્રિયકુંડ (બિહાર) નાં રાજા સિદ્ધાર્થનાં ત્રિશલારાણીની કુક્ષીએ જૈનોનાં ચોવીસમા તીર્થંકર શ્રી વર્ધમાન મહાવીરનો પ્રાદુર્ભાવ થયો. સાંપ્રતકાળે જેઓનું શાસન ચાલે છે તેવા આ અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાનકુમાર જ્યારે આઠ વર્ષના થયા ત્યારે ઉત્સવ અને ઉલ્લાસસહિત, શુભમુહૂર્તે વસ્ત્રાભૂષણથી સજ્જ કરી, વાજિંત્રોનાં સૂરો સાથે સૈન્યથી પરિવરેલા એવા તેઓને પંડિતોને ત્યાં ભણવા-કેળવવા મોકલાયા. શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ ૪૫ આગમોનાં ચાર છેદસૂત્ર માંહેના બૃહદ્કલ્પના શ્રી કલ્પસૂત્રમાં લખ્યું છે અને હર્મન જેકોબીએ પણ અંગ્રેજીમાં જેનો ખૂબ સુંદર અનુવાદ કર્યો છે તે પ્રમાણે આગળ વાત એમ છે કે : દેવલોકમાંથી શક્રેન્દ્રએ આ દૃશ્ય જોયું ને જન્મથી જ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનઅવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાનના ધારક એવા પ્રભુનો અવિનય ન થઈ જાય એમ ૧૦૦ જૈનદર્શનમાં કેળવણી વિચાર વિચારીને ઈન્દ્ર મહારાજા સ્વયં એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરી એ પાઠશાળામાં પધાર્યા. આંબા ઉપર તોરણ બાંધવા જેવી કે સરસ્વતી દેવીને જ ભણાવવા જેવી આ વાતને સૌ સમક્ષ પ્રકાશિત કરવા ઈન્દ્રએ તો ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણને લગતાં જે કઠિનતમ પ્રશ્નો આ પંડિતોનાં મનને પણ મુંઝવતા હતા તે જ પ્રશ્નો અવધિજ્ઞાનથી જાણી લઈને યોગ્ય આસને આરૂઢ થયેલા વર્ધમાનકુમારને પૂછ્યા. સૌનાં આશ્ચર્ય વચ્ચે સ્પષ્ટ સ્વરે ફક્ત ૮ વર્ષનાં વર્ધમાનકુમારે તે સર્વ પ્રશ્નોનાં સચોટ ઉત્તરો આપ્યા, તે જ આજે જૈનેન્દ્ર વ્યાકરણ’ તરીકે ઉપલબ્ધ છે.’ આમ, કલ્પસૂત્રની આ વાત પ્રમાણે તો તે કાળે, તે સમયે કેળવણી શરૂ કરવાની વય હતી ૮ વર્ષ. એક વાર પરમ સત્યની અનુભૂતિ કરી લેનાર આત્મા માટે પ્રાચીન મહર્ષિઓએ પોતાની પરિભાષામાં ‘સ્રોતાપન્ન' શબ્દ વાપર્યો છે. મુક્તિનાં સ્રોતમાં-પ્રવાહમાં પહોંચી ગયેલ આત્મા. ‘સ્રોતાપન્ન’ હતા શ્રમણ ભગવાન મહાવીર પણ. અનુક્રમે ૪૨ વર્ષની વયે તેઓએ પરમ મંગલ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સમોવસરણની દેશનામાં કહ્યું કે : “જે પુદ્ગલ છે... જે પર છે, તેમાં ‘હું’ અને ‘મારું’ એવી બુદ્ધિ કરી હર્ષ-શોક કરવા એ અવિદ્યા છે ને તેથી ભવનું બીજ છે. માટે મુમુક્ષુઓએ તેના તરફ અનાસક્તિ કેળવવી અને પોતાના આત્માને જાણવો તે જ ખરી વિદ્યા છે.' આ જ કેળવણીનો મંગલ પ્રારંભ છે. આપણે અને તિર્યંચો ખોરાક લઈએ છીએ, પ્રજોત્પત્તિ કરીએ છીએ, હરીએ-ફરીએ છીએ.. ફરક છે તો ફક્ત સભાનતાનો, સજાગતાનો. પરિણામની સાચી ઓળખનો. દુર્લભ મનુષ્યભવ વ્યવહારિક જ્ઞાન મેળવી ફક્ત આજીવિકા કમાવામાં વેડફાઈ ન જાય તે માટે બહુશ્રુત વિદ્વાનો પાસેથી ઔચિત્યપૂર્વક મુક્તિપથનો માર્ગ જાણીને અનુસરવાની કેળવણી આપે છે જૈન ધર્મ. જીવનનાં પ્રથમ વીસ વર્ષ સંસ્થાઓમાં જઈ અંતે તેનું પ્રમાણપત્ર મેળવવું તે જ છે શું સાચી કેળવણી ? • ૧૦૧

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70