________________
લૌકિક કથા આદિ ૨૪૯
રચનાઓ આનુપૂર્વીની દૃષ્ટિએ જૂની છે. સાહિત્યના પ્રવાહો તથા એ પ્રવાહોને પ્રવર્તાવનાર બળોની દૃષ્ટિએ આ સંસ્કૃત તેમજ ગુજરાતી રચનાઓને એક જ કોટિની ગણવી જોઈએ, કેમકે ભાષાના આવરણને બાદ કરતાં એ ભાષાભેદ પણ પ્રમાણમાં ગૌણ છે, કેમ કે લૌકિક કથાઓ વર્ણવતી આપણા દેશની સંસ્કૃત રચનાઓ પણ લોકભાષાના શબ્દપ્રયોગો અને રૂઢિપ્રયોગોથી તરબોળ છે) એ રચનાઓનું અંતસ્તત્ત્વ સર્વ રીતે સમાન છે. આમ છતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસ વિશેના આ ગ્રંથમાં, ગૌણમુખ્ય ભાવથી જોતાં તેમજ વિષયનિરૂપણની અનુકૂળતાની દૃષ્ટિએ ગુજરાતી ભાષાની કૃતિઓને કેન્દ્રમાં રાખીને આપણે અવલોકન કરીશું.
બહુજનસમાજમાંથી લોકવાર્તાઓ સંસ્કૃત અને પ્રાકૃત જેવી પ્રશિષ્ટ ભાષાઓના ગ્રંથોમાં ગઈ અને ત્યાંથી પાછી લોકભાષાઓમાં સાહિત્યિક રૂપે આવી, જેને લૌકિક કથા કે પદ્ય-વારતા રૂપે ઓળખીએ છીએ. અવિકલ રૂપે ઉપલબ્ધ કથાઓની વાત કરીએ તો, ગુજરાતીમાં “હંસાઉલિકાર અસાઈત અને “સદયવત્સકથાકાર ભીમથી માંડી નિદાન શામળ ભટ્ટ સુધી આ સાહિત્યપરંપરા સબળ રીતે ચાલુ રહી છે. અસાઈતથી શામળ સુધીનાં આશરે ચારસો-સવા ચારસો વર્ષમાં વિક્રમ, નંદ, માધવાનલ, સદયવત્સ, ચંદનમલયાગિરિ વગેરે લોકપ્રસિદ્ધ પાત્રો ઉપરાંત બીજી અનેક લૌકિક કથાઓ વિશે એકથી વધારે ગુજરાતી લેખકોએ રચના કરી છે. એ રચનાઓની સંખ્યા એટલી મોટી છે કે તે તે વિષયની સંસ્કૃત રચનાઓનાં નિર્દેશ સાથેની એની વ્યવસ્થિત યાદીનું પણ એક નાનું પુસ્તક થાય. એક જ કથાવસ્તુ પરત્વે જુદાજુદા કવિઓની રચનામાં સમયાનુસાર, પ્રસંગાનુસાર, ધર્માનુસાર વિવિધ ફેરફારો માલુમ પડે છે. કોઈ વાર પુરોગામીઓની સબળ અસર પછીના લેખકો ઉપર પડેલી જણાય છે. કર્તા જૈન હોય કે વૈદિક એ પોતાના મત પ્રમાણે, વૃદ્ધમાન્ય વાર્તાઓના કોઈ પ્રસંગ વધારી-ઘટાડી ઈષ્ટ સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે અથવા વસ્તુસંકલનામાં તદનુસાર પરિવર્તન કરે છે. ક્વચિત્ એકની એક વાર્તા કશા ખાસ ફેરફાર વિના અનેક લેખકોની કૃતિઓમાં નિરૂપાય છે. લોકમુખે તો આ બધી વાર્તાઓનાં વિવિધ સ્વરૂપો આજ સુધી પ્રચલિત છે. લૌકિક કથાના બે પ્રવાહો આમ શિષ્ટ સાહિત્યમાં સાથોસાથ વહેતા રહ્યા છે અને પરસ્પરને પ્રભાવિત કરતા રહ્યા છે.
ઈ.૧૧૫૦ થી ૧૪૫૦ સુધીનો કાલખંડ એ, સામાન્યતઃ જોઈએ તો, આચાર્ય હેમચંદ્રના સમયથી માંડી નરસિંહ મહેતાની કાવ્ય-રચનાપ્રવૃત્તિ શરૂ થઈ એના કિંચિત પૂર્વકાળ સુધીનો યુગ છે. ખાસ કરીને જૈન જ્ઞાનભંડારો વડે થયેલાં સાહિત્યસંગોપનને કારણે બીજી કોઈ પણ નવ્ય ભારતીય આર્યભાષાની તુલનાએ ગુજરાતીનું પ્રારંભિક સાહિત્ય વિશેષ પ્રમાણમાં સચવાયું છે અને પદ્યમાં તેમજ ગદ્યમાં સાહિત્યના વિવિધ પ્રકારોના નમૂના આટલા જૂના સમયમાં પણ આપણને મળ્યા છે, જોકે એમાં લૌકિક