________________
[૫] ના ચલણિયું નાણું, રહીએ ગેસ્ટની પેઠ
૧૦૯
જવાના છે. અને મેં કહ્યું કે ચા મૂકો. એટલે હું અહીં બેઠો બેઠો શું જાણું ? સ્ટવ સળગ્યો ને ચા ઊકળવા માંડી. તે પછી દસ મિનિટ થઈ ગઈ તોયે ચા ના આવી. ત્યારે પેલા મને કહે છે “હવે હું જઉ છું, નહીં તો મોડું થઈ જશે. ત્યારે મેં કહ્યું, “ના, મને જોવા દો અંદર. શું થયું આ ? દસ મિનિટમાં ચા તો આવવી જ જોઈએ.”
તે અંદર ગયો ત્યારે મેં કહ્યું, “કેમ ચા તૈયાર નથી થઈ હજુ ?” ત્યારે કહે, ‘હજુ મૂકી જ નથી.” મેં કહ્યું, “એવું શું થયું? કેમ ચા મૂકી નથી ?” ત્યારે કહે, “આ સગડી ઉપરથી હમણે આ દાળને ઉતારું, તો દાળ એ થઈ જશે અને સ્ટવ આ પાડોશી હમણે જ લઈ ગયા છે. પાડોશી સ્ટવ લઈ ગયા ને તમે આ વાત કરી. હવે હું શી રીતે ચા મૂકું ? હમણે પાછો લાવે છે, એટલે હું મૂકી આપું છું.” ત્યારે મેં કહ્યું,
ના, એ ઉતાવળ કરે છે. ત્યારે કહે, “સગડી ઉપર મૂકી આપું, બીજું શું કરે છે ?” એટલે પહેલા તો એ પેલાને ત્યાં સ્ટવ પાછો લેવા ગયા, તે ઠેકાણું ના પડ્યું. એટલે એમણે દાળ ઉતારી પાડી ને સગડી પર ચા મૂકી.
એ જાણે નહીં બિચારા કે આ જવાના હશે ! એટલે એમની વાતેય સાચી છે ! પછી મને એમ લાગ્યું કે હું મૂરખ બની ગયો આ તો. મને જોતા ના આવડ્યું. એ એમના કાયદેસરમાં છે. મારે તપાસ કરીને કહેવું જોઈતું'તું કે ભઈ, આ ચા મૂકો ને ! આમને દસ મિનિટમાં જવાનું છે, એ જાણતા નથી બિચારા ! આ તો હું જ જાણું છું ને હું જ ચા મૂકાવડાવું છું. એમના કયા સંજોગો છે, એ હું જાણતો નથી. હું સમજી ગયો કે આ સંજોગ બધા બદલાયેલા છે અને મેં જ ડખો કર્યો આ. તે મેં કહ્યું, “આ સંજોગો બધા બદલાયા છે, માટે આમને શું કહેવું? આપણે હવે ચાનું કહ્યું છે ને, માટે બીજો કંઈ રસ્તો કરો.” એટલે મેં હીરાબાને કહ્યું, ‘દોઢ જ કપ મૂકો, અડધો કપ જ લઈશ હું. પણ જલદી થઈ જાય એવું કરો.” પછી મેં પેલા ભાઈને કહ્યું કે “થોડીવાર બેસો.” પછી એમને બેસાડ્યા. અને આમણે સગડી એકદમ પંખા નાખી અને કોલસા સળગાવીને સપાટાબંધ ચા મૂકી દીધી.