Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અત્યંત ભયંકર એવા મોહ સ્વરૂપ વિષના તે તે વિકારો દૂર થાય છે. પ્રસિદ્ધ અમૃત જેમ વિષના વિકારોને દૂર કરે છે, તેમ મોહસ્વરૂપ વિષના વિકારો અધ્યાત્મસ્વરૂપ અમૃતથી નાશ પામે છે. અમૃતનો સ્વભાવ જ છે કે તે વિષની બાધાને દૂર કરે જ. તેમ અધ્યાત્મનો પણ સ્વભાવ જ છે કે તે મોહના વિકારોને દૂર કરે. મોહજન્ય પરિણતિની તરતમતાથી અધ્યાત્મની પરિણતિનો સ્પષ્ટ ખ્યાલ આવતો હોય છે. મોહજન્ય વિકારો જણાતા હોય તો સમજી લેવું જોઇએ કે અધ્યાત્મભાવનો આવિર્ભાવ થયો નથી. જેટલા અંશમાં મોહજન્ય વિકારોનો અભાવ હોય છે, એટલા જ અંશોમાં અધ્યાત્મનો આવિર્ભાવ હોય છે. /૧૮-૮ અધ્યાત્મનું વર્ણન કર્યું. હવે ‘ભાવનાનું વર્ણન કરાય છે.
अभ्यासो वृद्धिमानस्य, भावना बुद्धिसङ्गतः ।
निवृत्तिरशुभाभ्यासाद्, भाववृद्धिश्च तत्फलम् ॥१८-९॥ अभ्यास इति-(प्रत्यहं प्रतिदिवस) वृद्धिमानुत्कर्षमनुभवन् । बुद्धिसङ्गतो ज्ञानानुगतः । अस्याध्यात्मस्य अभ्यासोऽनुवर्तनं भावनोच्यते । अशुभाभ्यासात् कामक्रोधादिपरिचयात् । निवृत्तिरुपरतिः । भाववृद्धिश्च शुद्धसत्त्वसमुत्कर्षरूपा । तत्फलं भावनाफलम् ।।१८-९।।
આ અધ્યાત્મનો જ્ઞાનસંગત, દરરોજ વધતો એવો જે અભ્યાસ છે તેને ભાવના કહેવાય છે. અશુભ એવા અભ્યાસથી નિવૃત્તિ અને ભાવની વૃદ્ધિ - એ ભાવનાનું ફળ છે.” - આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. એનો આશય ખૂબ જ સ્પષ્ટ છે કે પૂર્વે જણાવ્યા મુજબ અધ્યાત્મથી અપ્રતિપાતી શુદ્ધરત્નના તેજની જેમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ જ્ઞાનથી સંગત એવા અધ્યાત્મનો દિવસે દિવસે વધતો જતો જે અભ્યાસ-અનુવર્તન(વારંવાર કરવું) છે, તેને ભાવના કહેવાય છે. અધ્યાત્મનો તાદશ અભ્યાસ જ ભાવના હોવાથી અધ્યાત્મ અને ભાવનાનો વિષય એક જ છે. માત્ર અધ્યાત્મમાં પ્રવૃત્તિ વારંવાર હોતી નથી અને ભાવનામાં એ પ્રવૃત્તિ વારંવાર હોય છે.
ભાવના વડે અશુભાભ્યાસથી નિવૃત્તિ થાય છે. અભ્યાસ, પરિચયસ્વરૂપ છે. વારંવારના સંપર્કથી સામાન્ય રીતે પરિચય થતો હોય છે. જન્મ-જન્મથી કામ, ક્રોધ અને મદ વગેરે આપણા પરિચિત છે. તેનો પરિચય જ અશુભ અભ્યાસ સ્વરૂપ છે. ભાવનામાં વારંવાર અધ્યાત્મની પ્રવૃત્તિ થવાથી પરિચિત અધ્યાત્મના કારણે ભાવનાના કારણે) અશુભાભ્યાસથી નિવૃત્તિ થાય છે. શુભ પ્રવૃત્તિ અશુભના અભ્યાસને દૂર કરે છે. આ રીતે અશુભ અભ્યાસથી નિવૃત્ત થવાથી ભાવની વૃદ્ધિ થાય છે. અધ્યાત્મના અનુવર્તન સ્વરૂપ ભાવનાના પ્રભાવે ચિત્ત શુદ્ધ સાત્ત્વિક ભાવમાં પરિણમે છે. વિષય-કષાયની પરિણતિની મલિનતાનો નાશ થવાથી ચિત્ત પરિશુદ્ધ બને છે. ચિત્તની પરિશુદ્ધિ શુદ્ધસત્ત્વના સમુત્કર્ષ સ્વરૂપ છે. વિષયકષાયની કાલિમાથી યુક્ત ચિત્ત ભાવોલ્લાસને પ્રાપ્ત કરી શકતું નથી, તેમાં શુદ્ધસાત્ત્વિકભાવની અપેક્ષા છે. રજોગુણ કે તમોગુણથી એક પરિશીલન