Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
માટે શ્રી તીર્થંકર પરમાત્માએ વિહિત કરેલાં પૂજાદિ (સાવઘ) અનુષ્ઠાનો દ્રવ્યસ્તવ સ્વરૂપ છે. તેને લઈને ગૃહસ્થોને અંશતઃ પરમાત્મભક્તિ(પરમતારક વચનનું પાલન) હોય છે. દ્રવ્યસ્તવનો સામાન્ય વિધિ આ પ્રમાણે છે અર્થાત્ હવે પછીના શ્લોકોથી તે વિધિ વર્ણવાય છે. //૫-૧||
દ્રવ્યસ્તવ પરમતારક શ્રી જિનાલય વિના સંભવિત ન હોવાથી શ્રી જિનાલય સંબંધી વિધિ બીજાથી નવમા શ્લોક સુધીના આઠ શ્લોકોથી વર્ણવાય છે–
न्यायार्जितधनो धीरः सदाचारः शुभाशयः ।
भवनं कारयेज्जैनं गृही गुर्वादिसम्मतः ॥५-२॥ न्यायेति-धीरो मतिमान् । गुर्वादिसम्मतः पितृपितामहराजामात्यप्रभृतीनां बहुमत ईगुणस्यैव जिनभवनकारणाधिकारित्वमिति भावः ।।५-२।।
“ન્યાયથી પ્રાપ્ત કર્યું છે ધન જેણે એવા બુદ્ધિમાન સદાચારી શુભાશયવાળા ગૃહસ્થ પિતા વગેરેની સંમતિને મેળવીને શ્રી જિનભવન કરાવવું જોઈએ” – આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય સમજી શકાય છે કે પરમતારક શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરાવતી વખતે જે ધનનો ઉપયોગ કરવાનો છે; તે ધન ન્યાય અને નીતિથી પ્રાપ્ત કરેલું હોવું જોઇએ. અન્યાય કે અનીતિથી મેળવેલા ધનથી શ્રી જિનાલય બનાવવાનું ઉચિત નથી. આ અંગે વર્તમાનમાં ખૂબ જ ઉપેક્ષા સેવાય છે, જે આત્માના હિતને કરનારી નથી. ભવ્યાતિભવ્ય શ્રી જિનાલયના નિર્માણકાર્યમાં ન્યાયથી પ્રાપ્ત જ ધનનો ઉપયોગ કરવાનું ધ્યાન મોટા ભાગે રખાતું નથી. આવી પ્રવૃત્તિની યોગ્યતાનું સમર્થન કરવા અનેક જાતની દલીલો કરી શકાય છે. પરંતુ એવી દલીલો કરતાં પૂર્વે એ યાદ રાખવું જોઈએ કે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચન સામેની એ દલીલો હશે. શ્રી વીતરાગપરમાત્માનું વચન આદરણીય છે, પરંતુ નિરાકરણીય નથી. વચન સમજાય નહિ; તો એકવાર નહિ દસવાર પૂછી શકાય. અજ્ઞાનને દૂર કરવું અને આવકાર આપવામાંથી છટકી જવું - એ બેમાં જે ભેદ છે તે સમજી ન શકાય એવું નથી.
શ્રી જિનમંદિર બનાવરાવનાર ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનવાળો હોવો જોઇએ. તેમ જ ધીરબુદ્ધિમાન હોવો જોઇએ. અન્યથા વિધિ વગેરેનું જ્ઞાન ન હોય તો શ્રી જિનમંદિર; વિધિ-શિલ્પ વગેરેના જ્ઞાનપૂર્વક નહિ બને. આવા પરમતારક શાસશુદ્ધ શ્રી જિનાલયનું નિર્માણ કરનાર સદાચારી અને શુભ આશયવાળો હોવો જોઈએ. દુરાચારને સેવનાર અને દુષ્ટ આશયને ધરનાર આત્મા જો શ્રી જિનમંદિર બનાવરાવે તો તે લોકમાં આદરણીય નહિ બને. ભવથી વિસ્તારનારાં આલંબનો આપણા દુરાચારાદિને આચ્છાદિત કરાવનારાં ના બને એનો સતત ખ્યાલ રાખવો જોઈએ. પાપનો વિનાશ કરવા માટે ધર્મ છે, પાપને ઢાંકવા માટે ધર્મ નથી.
ભક્તિ બત્રીશી