Book Title: Atmsiddhi Mahabhashya Part 02
Author(s): Shrimad Rajchandra, Jayantilalji Maharaj
Publisher: Shantaben Chimanlal Bakhda
View full book text
________________
આત્મા નિત્ય જણાય – છેલ્લા પદમાં “આત્મા નિત્ય જણાય' તેમ કહીને આત્માનું અસ્તિત્વ અનુમાન ઉપર પણ આધારિત છે, તે સ્પષ્ટ કર્યું છે. આત્મા અરૂપી સૂક્ષ્મ તત્ત્વ હોવાથી સામાન્ય મતિજ્ઞાનાદિ જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થઈ શકતું નથી. તે અરૂપી દ્રવ્ય છે, તેનું સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વરૂપ છે, એટલે અહીં “જણાય” એવો શબ્દ મૂકયો છે. જણાય છે, માટે લાગે છે. બુદ્ધિથી સ્પષ્ટ થાય છે અને પૂવોર્કત અનુમાનના આધારે તે પ્રત્યક્ષ ન હોવા છતાં હેતુથી જેમ સાધ્ય સિદ્ધ થાય, તેમ આત્મ તત્ત્વ પણ સિદ્ધ થાય છે. આખું પ્રમાણ આ પદમાં વ્યકત કરવામાં આવ્યું છે. જે ચૈિતન્યનું અસ્તિત્વ છે, તે કોઈ સંયોગથી થઈ શકતું નથી. જેની ઉત્પત્તિ સંયોગથી થતી નથી અને
છતાં છે તેવું જણાય છે, જ્ઞાનમાં આવે છે, વળી જો સંયોગથી ઉત્પન્ન થતો નથી અને સંયોગોમાં વિલીન પણ થતો નથી. સંયોગો સાથે તેનો કોઈ કાર્યકારણ સબંધ દેખાતો નથી. છતાં તે જ્ઞાનાત્મક કાર્ય કરી રહ્યો છે, તેથી લાગે છે કે આ કોઈ નિત્ય તત્ત્વ છે. સંયોગો વચ્ચે આવે છે અને સંયોગો વિલીન થતાં તે છૂટો પડી જાય છે. આમ સંયોગો વચ્ચે રહેવા છતાં તેની સાથે ઉત્પત્તિ અને વિનાશનો સબંધ નથી, ઉત્પત્તિ અને વિનાશની ક્રિયા સંયોગોની પોતાની છે. તેમાં આ આત્મા સાથે કોઈ પ્રકારનો ઉત્પત્તિ–લયનો સંબંધ નથી. આમ સંયોગો અને આત્મદ્રવ્યને આ અભાવ પ્રમાણથી વિભકત કરવામાં આવ્યો છે. જેમ આપણે પૂર્વમાં કહ્યું છે, તેમ કાદવમાં પડેલું સોનુ કાદવની ઉત્પત્તિ અને લય સાથે સંબંધ ધરાવતું નથી. કાદવમાં પડયું ત્યારે પણ તે સોનું જ હતું અને કાદવ ધોવાઈ ગયો, ત્યારે પણ તે સોનું જ છે. કાદવની ક્રિયા સોના સાથે સંબંધ ધરાવતી નથી. બંનેનો એક સંયોગ માત્ર છે. તેમ અહીં શાસ્ત્રકાર કહે છે કે કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય” અર્થાત્ સંયોગો આત્માને જન્મ આપી શકતા નથી. આ બાબતમાં આ ગાથાના આધારે અનુમાન પ્રમાણ આ રીતે લખી શકાય–આત્મા નિત્ય દ્રવ્ય છે કારણ કે તે સંયોગથી ઉત્પન્ન થતું નથી. જે દ્રવ્ય સંયોગોથી ઉત્પન્ન થતું નથી. તે દ્રવ્ય નિત્ય હોય છે, જેમકે આકાશ. આકાશ સંયોગથી ઉત્પન્ન થતું નથી, તેથી તે નિત્ય છે. તે જ રીતે આત્મા પણ સંયોગથી ઉત્પનો થતો નથી, તેથી નિત્ય છે. આ રીતે બીજું અનુમાન પણ અવિનાશી ભાવના આધારે પ્રગટ કરી શકાય છે. આત્મા નિત્ય દ્રવ્ય છે, કારણ કે સંયોગોના વિનાશે તેનો વિનાશ થતો નથી. જે જે દ્રવ્ય સંયોગનો વિનાશ થવાથી વિનાશ પામતું નથી, તે તે નિત્ય હોય છે, જેમ કે આકાશ. આત્મદ્રવ્ય પણ સંયોગના વિનાશથી વિનાશ પામતું નથી, તેથી તે નિત્ય છે. આ રીતે અનુત્પત્તિ અને અવિનાશ આત્મદ્રવ્યની નિત્યતા માટે સચોટ પ્રમાણ છે. જો કે આ પ્રમાણશાસ્ત્રની દ્રષ્ટિએ કે તર્કની વૃષ્ટિએ પરિપૂર્ણ ન પણ ઉતરે, તો પણ આસ્તિક શ્રદ્ધાવાન જીવો માટે પ્રેરક છે અને આત્માની નિત્યતાને સમજવા માટે સામાન્ય સરલ ભાવો પ્રગટ કર્યા છે કારણ કે જેની ઉત્પત્તિ સંયોગથી ન થાય, તે નિત્ય જ હોય તેમ પ્રબળતાપૂર્વક ઘોર નાસ્તિક માટે સમજ આપવી કઠિન છે. અહીં આપણે સામાન્ય પ્રમાણભૂત હકીકતનું શાસ્ત્રકારના શબ્દોનું અવલંબન કરીને આખ્યાન કર્યું છે.
વાસ્તવિક કથન એવું છે કે કોઈ પણ સંયોગો દ્રશ્યમાન છે, તે બધા ક્ષણભંગુર છે. પર્યાય રૂપે પ્રત્યક્ષ થયેલા છે. આવા પર્યાયભૂત ક્ષણિક સંયોગો અક્ષર એવા આત્માને સ્પર્શી શકતા
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS