Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અહો ! મૃત્યુથી રક્ષણ કરવાને સમર્થ એવા વિધાતાએ નિશ્ચયે મારે જ માટે આ માર્ગને વિષે માર્જર-ઉંદર-ગીધ-વાયસ-ક્રોડ આદિ માંસાહારી પ્રાણીઓથી એનું રક્ષણ કર્યું છે.” એમ નિશ્ચય કરીને એણે એક નિધાનની પેઠે એને ઊંચકી લીધી અને હર્ષપૂર્વક ઘેર લઈ ગઈ. ત્યાં તેને પોતાના જ ફરઝંદની જેમ એનું પાલનપોષણ કરવા લાગી; અથવા તો માણસને અહીં ક્યાંયથી પણ લાભ મળી જ રહે છે એમ ઉછરતી એ કન્યા અનુક્રમે બાલ્યાવસ્થા અને પછી કૌમારાવસ્થા અનુભવીને યૌવનવયને પામી; કારણ કે પ્રથમ સાહિત્ય તથા વ્યાકરણને વિષે બોધ થયા પછી ઉજ્વળ એવા પ્રમાણશાસ્ત્રનું અવગાહન થઈ શકે છે. નિરંતર ધૃત-ક્ષીર-દહીં-શેરડી આદિના ભોજનથી તેનું શરીર અતિ પુષ્ટ થયું; અથવા તો ઉત્તમ ગોચરને વિષે સુખે કરીને ચર્યા કરતી ગાયો પણ પુષ્ટ થાય છે.
પછી એકદા એ પોતાની માતાની સાથે શૃંગાર લીલાના રસના રંગમંદિર સમાન એવા કૌમુદી મહોત્સવને જોવાને અર્થે નગરમાં આવી. આચ્છાદન વસ્ત્રથી ઢાંકી દીધું છે સર્વ અંગ જેમણે એવા શ્રેણિકરાજા અને અભયકુમાર પણ ગુપ્ત રીતે એ રાત્રિના લોક મેળાને વિષે આવ્યા; કારણ કે એમ કરવાથી સર્વ કૌતુક યથેચ્છ પ્રકારે જોઈ શકાય છે. ત્યાં જનો સર્વે પોતે પોતાનાં, પારકે પારકાનાં, મોટે મોટાના, બાળકે બાળકોનાં, યુવાને યુવાનોનાં અને સ્ત્રીએ સ્ત્રીઓનાં, એમ સર્વત્ર પોતપોતાનાં વિભાગમાં વહેંચાઈ જઈ અહમિદ્રોની જેમ રહ્યા હતા. આ મહોત્સવને વિષે રાસડો લેતી સ્ત્રીઓને જોવાની ઉત્કંઠાવાળા માણસોની, તીર્થને વિષે યાત્રાના ઉત્સવને દિવસે થાય તેવી મહાઠઠ જામી હતી.
એ વખતે પેલી ભરવાડપુત્રી રાજાના ખભા પર પોતાનો હાથ નાંખીને કૌતુક જોવામાં પડી. રાજા પણ પોતાની ચર્ચા કોઈ ન જાણે એમ એ કુમારિકાના ભારને સહન કરતો ઊભો રહ્યો. પણ એના અંગના સ્પર્શથી, નિરંતર નિરંકુશ એવો કામદેવ જાગૃત થયો; કારણ કે સૂર્યની મૂર્તિના કિરણના યોગથી સૂર્યમણિ થકી અગ્નિ નથી ઉત્પન્ન થતો શું ? એ પરથી કામદેવને લીધે વિહવળ થયું છે ચિત્ત જેનું એવા
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
999