________________
વાત સમજાવતી બીજી પણ એક સત્ય ઘટના મને યાદ આવે છે. અનીતિના પાપે ચુનીલાલના પુત્રનો જાન લીધો : - વર્ષો પહેલાં મુંબઇના ઝવેરી બજારમાં ચુનીલાલ અને ભાઇચંદભાઇ નામના બે ઝવેરી હતા. બંનેનો ધંધો ધીકતો ચાલતો હતો.
એક દિવસે ચુનીભાઇએ ભાઇચંદ પાસેથી ચાર હીરાનાં નંગો ખરીદ્યાં. એ નંગ ભાઇચંદે એક ડબ્બીમાં મૂકીને આપ્યાં. એ જ ડબ્બીમાં પાતળા કાગળની નીચે બીજાં ચાર નંગો મૂકેલાં હતાં એ વાતનો ભાઇચંદને ખ્યાલ રહ્યો નહીં.
ચુનીલાલ ઘરે ગયો અને તેણે પેલી ડબ્બી ખોલી. જોયું તો અંદર પોતે ખરીદેલાં ચાર નંગોની નીચે બીજા પણ ચાર નંગો હતાં. એ નંગો અતિ મૂલ્યવાન હતાં. આ જોઈને ચુનીલાલની દાનત બગડી. તેણે એ ચાર નંગો પચાવી પાડવાનો નિશ્ચય કર્યો.
હકીકતમાં એ ચાર નંગો એક મુસ્લિમ ઝવેરીનાં હતાં. એ ભાઇચંદને ત્યાં મૂકી ગયો હતો. એક મહિના બાદ જ્યારે ભાઇચંદને ખ્યાલ આવ્યો ત્યારે તેઓ તરત ચુનીલાલને ઘેર ગયા. ભાઇચંદને એમ કે ચુનીલાલ પ્રામાણિક વેપારી છે તેથી તે ચાર નંગો તુરત આપી દેશે. પરંતુ જ્યારે ભાઇચંદે ચુનીલાલ પાસે તે ચાર નંગો માગ્યા ત્યારે તે નંગો પોતાની પાસે હોવાનો ચુનીલાલે ધરાર ઇન્કાર કરી દીધો.
ભાઇચંદ તો ચુનીલાલનો ઇન્કાર સાંભળીને સ્તબ્ધ બની ગયા. તેઓ સમજી ગયા કે ચુનીલાલ ખોટું બોલે છે. એની દાનત બગડી છે. પણ હવે શું થાય ?
એ ચાર નંગના મૂળ માલિક મુસ્લિમભાઇઓ જ્યારે ભાઇચંદ પાસે આવ્યા ત્યારે ભાઇચંદે આખી પરિસ્થિતિ સમજાવી. અને એ નંગો પાછા આવવાની કોઇ શક્યતા ન હોવાથી તેની જે રકમ થતી હોય તે આપવાની તૈયારી બતાવી.
ભાઇચંદની નીતિમત્તા ઉપર પેલા મુસ્લિમભાઇઓને પૂરો વિશ્વાસ હતો. છતાં તેમણે કહ્યું “ભાઈચંદભાઇ ! આજની તારીખમાં તો એ નંગોના ભાવ ઘણા ઊંચા આવે. પરંતુ સાચી વાત એ છે કે અમારાં તે નંગો શુકનનાં મળેલાં છે અને શુકનની ચીજ અમારાથી કેમ વેચાય ? અમારે તો એ જ નંગો પાછાં જોઇએ.”
૧૭.