________________
પુણિયાને નીતિથી જ જીવવાની પ્રતિજ્ઞા હતી.
અનીતિની રાતી પાઈ પણ પોતાના ઘરમાં ન ઘૂસી જાય એની એ સતત કાળજી રાખતો. અને કદાચ...આથી જ એ ઘણો ગરીબ હતો. આવી ગરીબીમાંયે એ રોજ એક સાધર્મિકની ભક્તિ અવશ્ય કરતો.હા...એ માટે એ અને એની ધર્મપત્ની એકાંતરે ઉપવાસ કરતાં. એની ધર્મપત્ની પણ ધર્મની જીવંત-મૂર્તિ સમાન
હતી.
એક દિવસની વાત છે.
પુણિયો સામાયિક કરવા બેઠો છે. પણ એનું ચિત્ત આજે સામાયિકમાં લાગતું નથી. ઘણી મહેનત કરવા છતાં આજે ચિત્તમાં એકાગ્રતા પેદા થતી ન હતી.
પુણિયાએ સામાયિક પૂરું કર્યા પછી પોતાની પત્નીને પૂછયું “આજે આપણા ઘરમાં અનીતિનું કંઈ પણ આવી ગયું હતું ખરું કે ?”
ત્યારે પત્નીએ સાફ ના પાડી. પુણિયાએ ફરીથી કહ્યું “તું બરાબર વિચાર કરીને જવાબ આપજે. કારણ કે કદી નહિ અને આજે મારું ચિત્ત કેમેય કરીને સામાયિકમાં લાગતું ન હતું. આથી નક્કી કાંઇક ગરબડ થઈ હોય એમ જણાય છે. આપણા ઘરમાં અનીતિનું “કાંઇક' પણ આવી ગયું હોવું જોઇએ. નહિ તો...મારા મનની પ્રસન્નતા કદી નંદવાય નહિ.”
કેટલોક સમય પસાર થઈ ગયા બાદ ખૂબ વિચાર કરતાં ધર્મપત્નીને એકાએક કંઇક યાદ આવ્યું અને તેણે કહ્યું “સ્વામિનાથ ! બાજુવાળા પાડોશીનાં છાણાં ભેગાં આપણાં છાણાં પણ પડ્યાં હતાં. તેમાંથી આપણાં છાણાં લાવતાં એકાદ છાણું ભૂલથી તેમનું આપણા ઘરે આવી ગયું હોય તેમ લાગે છે. ઉતાવળના કારણે મારાથી આવી ભૂલ થયાનું સંભવિત છે.”
તરત જ પુણિયાએ કહ્યું “હું...હવે બરોબર. સામાયિકમાં એકાગ્રતા કેમ નહોતી આવતી તેનું કારણ મને જડી ગયું.”
જા....જલદી જા...અને બાજુવાળાનું તે છાણું એમને પાછું આપી આવ...”
અને જ્યારે પત્ની બાજુવાળા પાડોશીને છાણું આપી આવી ત્યારે જ પુણિયાને શાંતિ થઈ.