________________
શકે. પણ આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારતાં તેઓ સાવ ‘હીન' હોય છે.
કેમકે...તેઓને મોક્ષ જરાયે ગમતો હોતો નથી. મોક્ષના લક્ષની વાત તો દુર રહી પરંતુ મોક્ષનું નામ સાંભળતાં જ જેને હજારો કીડીઓ ચટકા ભરતી હોય તેવી વ્યથા થાય છે. એટલું જ નહિ, મોક્ષનું વર્ણન કરનારા સાધુ ભગવંતો ઉપર પણ જેમને દાઝ ચડતી હોય છે.
મોક્ષ ન ગમે તેને ભલા...ધર્મ ગમે જ શા માટે ? ઉપલક દૃષ્ટિએ કદાચ તે ધર્મ કરતો હોય તે તો પણ તેનો બાહ્ય આડંબર માત્ર હોય છે. અથવા તે ધર્મ ગતાનુગતિક, એક કરે છે માટે બીજો કરે એવા ગાડરિયા પ્રવાહ જેવો-હોય છે. એવા એના ધર્મમાં કશો ભલીવાર હોતો નથી. આથી જ તેને ખરા અર્થમાં ધર્મ પુરુષાર્થનો સાધક' ન કહી શકાય. કેમકે ‘ધર્મ પુરુષાર્થ' તો તે જ છે કે જે મોક્ષના લક્ષપૂર્વક કરવામાં આવતો હોય. આ આત્માને તો મોક્ષ (મનોમન) તો ગમતો જ નથી. પછી તેના ધર્મને-મોક્ષલક્ષી ન હોવાથી ધર્મપુરુષાર્થ શી રીતે કહેવાય ?
હા...એ ‘અર્થ અને કામને મેળવવા જેવા' એમ જરુર માને છે. અર્થ અને કામ પ્રત્યે તેની હેયતા બુદ્ધિ (તજવા જેવા પણાની બુદ્ધિ) હોતી નથી. અને આથી જ તે અર્થ અને કામને મેળવી લેવા માટે સદા તત્પર હોય છે. જ્યાં જ્યાંથી અને જે જે રીતે અર્થ અને કામ મળતા હોય તે મેળવવા માટે તે હંમેશાં દોડાદોડી કરતો હોય છે. કારણ કે અર્થ અને કામ વધુ ને વધુ મેળવી લેવાથી આ લોકમાં જરુર સુખી થવાય છે એવી એની માન્યતા હોય છે.
અર્થ અને કામ મેળવવા જતાં જો અન્યાય અને અનીતિ કરવાં પડતાં હોય, ચોરી-વિશ્વાસઘાત કે બદમાશી પણ સીફત પૂર્વક થઇ શકતી હોય તો તે કરી લેવામાં તેને કશો વાંધો જણાતો નથી, કારણ કે આ બધાં પાપકૃત્યો કરતાં, પરલોકમાં મારું શું થશે ? એવો કોઇ વિચાર એની પાસે હોતો નથી. કેમકે એનું તો મુખ્ય સૂત્ર હોય છે : ‘આ ભવ મીઠાં, તો પરભવ કોણે દીઠાં ?’’
મોક્ષના કટ્ટર દ્વેષી: અને એથી જ ધર્મના પણ અનારાધક (આરાધક નહિ) વળી, અર્થ અને કામને ગમે તે ભોગે મેળવી લેવામાં સદા તત્પર આવા આત્માઓને શાસ્ત્રકારો ‘મિથ્યાદૃષ્ટિ' અગર તો મહા-મિથ્યાદ્દષ્ટિ' (અથવા ‘મિથ્યાત્વી’ કે ‘મહામિથ્યાત્વી') કહે છે.