________________
ઘરની ઉચિતતાનો ઉપદેશ શા માટે ?
તો...શ્રાવકે ઘર ક્યાં વસાવવું અને ઘર કેવું હોવું જોઈએ વગેરે બાબતોને જ્ઞાની પુરુષોએ માર્ગાનુસારી-ગુણોમાં ગોઠવી દીધી. ઘરની ઉચિતતાનો ઉપદેશ આપવા પાછળ શાસ્ત્રકારોનો એ જ શુભાશય રહ્યો છે કે ઘરને એવા સ્થાનમાં અને એવા પ્રકારનું બનાવવું જોઇએ, જેનાથી જીવનમાં ઉત્તરોત્તર ધર્મની આરાધના વધતી જાય અને અધર્મથી આત્મા વધુ ને વધુ દૂર થતો જાય.
- હવે...કેવા પ્રકારનું ઘર ઉચિત” કહેવાય તે અંગે આપણે મુદ્દાસર વિચાર કરીએ. (૧) અનેક ધારોવાળું કે એક જ ધારવાળું નહીં :
જવા અને આવવા માટે અનેક દરવાજાઓ હોય તેવા પ્રકારનું ઘર' ન હોવું જોઇએ. જો જવા-આવવા માટે અનેક દરવાજા હોય તો આપણી જાણ બહાર ચોર-લૂંટારા વગેરે દુષ્ટ લોકોને ચોરી કરવાની ફાવટ આવી જાય. ક્યાંકથી ઘૂસે અને ક્યાંકથી સરકી જાય તેની ખબર ના પડે. વળી, ક્યારેક સ્ત્રીના શીલ વગેરે અંગે પણ જોખમ આવી પડે. કેમકે કોઇ દુર-દુરાચારી માણસો સ્ત્રીના શીલાદિનો ભંગ કરીને ક્યાંકથી છાનોમાનો ભાગી જાય.
આ બેય કારણોસર ઘરને ઘણા દરવાજા ન હોવા જોઇએ.
આપણું મન સામાન્ય રીતે નિમિત્તવાસી છે. જો જીવને શુભ નિમિત્તો મળી. જાય તો તે શુભ ક્રિયાઓમાં પણ જોડાઈ જાય અને જો અશુભ નિમિત્તો મળી જાય તો તેને અશુભ ક્રિયામાં ઢસડાઇ જતાં પણ વાર ન લાગે.
ઘરને ઘણાં દ્વારો હોવાં તે સારા ઘરની સ્ત્રીઓને પણ ક્યારેક “પાપ” કરવાની મનોવૃત્તિ તરફ ખેંચી જાય...પહેલાંના કાળમાં રાજાઓના મોટા મોટા મહેલોમાં અનેક દરવાજાઓ રહેતા. વળી, રાજાઓને અનેક રાણીઓ હતી તેથી કામવાસનાથી અતૃપ્ત રાણીઓ બીજા મહાવત-નોકર વગેરે હલકા પુરુષોના સંપર્કમાં આવી જઇને પોતાનું ચારિત્ર્ય ખોઇ બેસતી. એમને આવા પ્રકારની અનુકૂળતા કરી આપવામાં ઘરના (મહેલના) અનેક દરવાજાઓ સહાયક બની જતા.
આ દૃષ્ટિએ જ જ્ઞાની પુરુષો ઘરને ઘણાં દ્વાર ન હોવાની વાત જણાવે છે તે બિલકુલ યોગ્ય છે.