________________
એટલે તેઓ અત્યંત સુખશીલ હતા. આખો દિવસ જાણે કે આરામમાં જ રહેતા હતા.
એમને એક ખૂબ જ વિદ્વાન શિષ્ય હતા. શિષ્યમાં વિદ્વત્તાની સાથે વિરલ જ બેસી શકે તેવી નમ્રતા પણ હતી. આથી અનેક સાધુઓ આ શિષ્યની પાસે સ્વાધ્યાય કરતા, પાઠ લેતા.
- ગુરુદેવની સુખશીલ જીવનપદ્ધતિના કારણે વ્યાખ્યાન પણ આ શિષ્ય જ કરતા, એથી લોકો પણ આ શિષ્ય પાસે વધુ બેસતા. તેમને તત્ત્વ સંબંધિત પ્રશ્નો પૂછતા.
ગુરુદેવ નયશીલસૂરિજી આથી ખૂબ આનંદ પામવા જોઇતા હતા, પણ કમનસીબે તે ઈર્ષા કરવા લાગ્યા. પોતાના શિષ્યનો આ ઉત્કર્ષ તેમનાથી કેમે ખમાતો ન હતો.
પણ તેમ છતાં તેઓ કદી પોતાના શિષ્ય ઉપર ઉશ્કેરાટ કરી શકતા નહિ કે સાધુઓનો સ્વાધ્યાય વગેરે બંધ કરાવી શકતા નહિ કેમકે જો તેમ કરવા જાય તો સહુ સમજી જાય કે ગુરુદેવને પોતાના શિષ્યના ઉત્કર્ષની ઈર્ષ્યા આવે છે.
મનમાં સતત બળતો-જલતો ગુરુનો આત્મા એક દી દેહ છોડીને ચાલ્યો ગયો.
તે આત્મા કાળો નાગ થયો. હવે સાધુવૃન્દનું નેતૃત્વ તે વિદ્વાન શિષ્ય પાસે આવ્યું. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં એક વખત તે આખુંય મુનિવૃન્દ તેજ ઉદ્યાનમાં આવીને રોકાયું જ્યાં પેલો કાળો નાગ વસતો હતો.
સ્વાધ્યાયાદિથી નિવૃત્ત થયા બાદ તે વિદ્વાન શિષ્ય ધ્યાનાદિ માટે ઉદ્યાનના વૃક્ષ નીચે બેસવા જવાને નીકળ્યા કે તરત કંઇક અમંગળ થયું. પુનઃ ઉપાશ્રયમાં પાછા ફરીને પુનઃ જવા નીકળ્યા. પણ ફરી અમંગળ થયું. આમ જ્યારે ત્રીજી વખત પણ બન્યું ત્યારે અન્ય સાધુઓએ તેમને એકાકી જતા રોક્યા અને કેટલાક મુનિઓના જૂથમાં તેઓ ગયા.
થોડેક છેટે જતાં જ પેલો કાળો નાગ એકદમ ધસમસતો આવ્યો. અત્યંત સાવધ મુનિઓએ તેને એકદમ પકડી લીધો અને દૂર મૂકી આવ્યા. પણ તે વખતેય પોતાના વડીલ મુનિ તરફ તે ડોળા કાઢતો હતો. ઉગ્ર ક્રોધથી તેમની તરફ ધસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
૧૦૩