SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્યોધન માનવે માનવ તરીકેનું વ્યક્તિત્વ જમાવવું હોય અને જમાવીને વિકસાવવું હોય તો તેણે પોતાના વ્યક્તિત્વની ચારેબાજુ એક લક્ષ્મણરેખા આંકવી જોઈએ. જો આ રેખા આંકવામાં ન આવે તો તેનામાં પશુત્વ વિકસી ગયા વિના રહે નહિ અને માનવીય વ્યક્તિત્વ હણાયા વિના રહે નહિ. વાડ વિનાના વેલાનું જીવન કેટલું ? વ્યક્તિત્વના વિકાસ માટે તેની ચોમેર જે રેખાઓ દોરવાની છે તેનું નામ છે : ચિત્તનું સમતોલપણું. દુર્યોધને આ સમતોલપણું સરિયામ ગુમાવી દીધું હતું અને ફલતઃ તેના વ્યક્તિત્વની કસુવાવડ થઈ ગઈ હતી. તેના પશુત્વનો ઝપાટાબંધ વિકાસ થઈ ગયો હતો. એટલે જ એમ કહી શકાય કે દુર્યોધન એટલે વ્યક્તિત્વની રેખાઓ (ચિત્તનું સમતોલપણું) ગુમાવી બેઠેલો એક અભાગી માણસ ! મહાભારતનો દુર્યોધન, મિલ્ટનના “પેરેડાઈઝ લૉસ્ટ’ પુસ્તકનો શેતાન અને જર્મનીનો હેર હિટલર-આ ત્રણેયને સમકક્ષ ગણી શકાય. બીજાના સ્વમાનની કદી ચિંતા ન કરવી, તેનો કદી આદર ન કરવો એ જ શેતાનનું ભીતરી સ્વરૂપ છે. દુર્યોધન અને હિટલર બન્ને આ કક્ષાના માણસો હતા. પણ એક વાત નક્કી છે કે કોઈ પણ દુષ્ટ માણસ જન્મથી જ શેતાન હોતો નથી. કેટલાક સંયોગો એને શેતાન બનાવે છે. ખાસ કરીને જે માણસને કુટુંબ તરફથી કે સમાજ તરફથી પ્રેમ મળતો નથી, જ્યારે ને ત્યારે અપમાન ખમવું પડે છે, તિરસ્કારની ભાષા સાંભળવી પડે છે અથવા વારંવાર ધિક્કાર જોવા મળે છે તેવા માણસમાં “શેતાનનો પ્રવેશ થવામાં બહુ સુગમતા થઈ જાય છે. પ્રથમ તો અપમાનિત થતો માણસ લઘુતાગ્રંથિ(Inferiority Complex)નો ભોગ બનીને ‘હું એટલે કશું જ નહિ, મારી કોઈને કિંમત નહિ વગેરે વિચારતરંગોનો ભોગ બને છે. હવે જો તેને કેટલાક એવા સાનુકૂળ સંયોગો મળી જાય તો તરત જ આ અપમાનિત દશાની પ્રતિક્રિયારૂપે તેનામાં અહંકારની ગ્રંથિ Superiority Complex) જન્મ પામે છે. જો આ કોપ્લેક્સને ઉત્તેજિત કરતા સંયોગો તેને વધુ ને વધુ સાંપડતા જાય તો એ પ્રતિકૂળ પ્રત્યાઘાતોનો ભોગ બનેલો માણસ અહંકારના ઉન્માદથી ઘેરાઈ જાય છે. તે લગભગ ‘પાગલ’ જેવો થઈ જાય છે. આ પાગલપન તેની પાસે ખૂબ જ મોટી મુર્ખામીભર્યા કાર્યો કરાવી બેસે છે. બહારના પરિબળો તરફથી ધિક્કારાતો માણસ એટલે કર્ણ. એણે પોતાનામાં “પશુ પેદા કરી દીધો હતો. પણ દુર્યોધને જે વ્યક્તિત્વનો નાશ કર્યો તેમાં તેના ભીતરનું અહંકાર નામનું પરિબળ કામ કરી ગયું. આથી તેણે પોતાનામાં “પશુ પેદા કર્યો. આથી જ વ્યાસમુનિએ તેને વારંવાર “મૂર્ખ અને ‘પાગલ’ તરીકે જયાં ત્યાં વર્ણવ્યો છે. ખરેખર દુર્યોધનમાં મહામૂર્ખતા હતી અને અહંકારમાંથી રૂપાન્તરિત થયેલું જોરદાર પાગલપન હતું. આમેય તે અહંકારી તો હતો જ, પરંતુ આ સ્થિતિનું નિર્માણ તેની બાળવયમાં જ પેદા થઈ ગયેલી લઘુતાગ્રંથિની કારમી પીડામાંથી થયું હતું. જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy