SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ આમાં શરૂઆતમાં ખાસ કરીને ભીમ નિમિત્ત બની ગયો હતો. તેમના ગદાયુદ્ધોમાં કાયમ ભીમ જ પ્રથમ આવતો હતો. (આથી જ મૃત્યુ સમયે પણ દુર્યોધને ભીમ સાથે ગદાયુદ્ધ ખેલવાનું પસંદ કરીને પોતાની અજેયતા બતાવવાનો મરણિયો પ્રયત્ન કર્યો હશે ?) આમ ભીમની તાકાત અજોડ હતી એટલે કોઈ પણ પ્રકારની રમતમાં ભીમ બધાને હેઠ કરતો એટલું જ નહિ પણ દુર્યોધનને તો તે ખૂબ મારતો, સતાવતો, ચીડવતો વગેરે... અધૂરામાં પૂરું જે તે વાતોમાં વડીલો, પ્રેક્ષકો કે પ્રજાજનો પાંડવોની જ બે મોંએ પ્રશંસા કરતા હતા. આ વસ્તુ પણ દુર્યોધનના હૈયાને જીવલેણ ફટકા મારતી હતી. વળી દુર્યોધનનો જન્મ ખૂબ જ કરુણ રીતે થયો. તેણે ગાંધારીના પેટમાં ત્રીસ માસ સુધી રહેવું પડ્યું. તે દરમિયાન ગાંધારીને અતિ ભયાનક સ્વપ્નો આવવાથી તેણે જન્મેલા દુર્યોધનની ખૂબ ઉપેક્ષા કરી. કાકા વિદુરે તો ધૃતરાષ્ટ્રને તે જ વખતે કહ્યું હતું કે, “આ છોકરો કુલાંગાર પાકે તેવું ગાંધારીના દુઃસ્વપ્નોથી જણાય છે, માટે તેને અત્યારે જ મારી નાંખવો જોઈએ.” કાકા વિદુરના શબ્દોમાં પડેલી આ આગઝાળ બાળ દુર્યોધનને જ્યારે સ્પર્શવા મળી હશે ત્યારે તેના હૃદયના ન જાણે કેટલા ટૂકડા થઈ ગયા હશે ? તેને પોતાના જીવન તરફ કેવી નફરત પેદા થઈ હશે ? આ બધી પરિસ્થિતિએ તેને પાગલ જેવો કરી નાંખ્યો હોય તો તેમાં શી નવાઈ છે ? વળી તેને નિષ્ફળતાઓ પણ કેટલી મળી ? લાક્ષાગૃહના, મલ્લો સાથેના યુદ્ધના, ઝેર આપવાના અનેક કપટોથી ભીમ વગેરેના જાન લેવાના તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા! સ્વયંવરમાં દ્રૌપદીને વરવાના પ્રયત્નો નિષ્ફળ ગયા ! આમાં એને પિતા ધૃતરાષ્ટ્રનો સાથ મળી ગયો. પિતા જ રાજા હતા એ એના માટે ખૂબ જ સાનુકૂળ બાબત હતી. પિતા મૂર્ખ હતા, પુત્રમોહે અંધ પણ હતા એટલે હવે દુર્યોધને તે પરિસ્થિતિનો લાભ ઉઠાવવા માટે કમર કસી. અને.....એની લઘુતાગ્રંથિની એટલી જોરદાર પ્રતિક્રિયા થઈ કે તેમાંથી અહંતાગ્રંથિ પ્રજ્વળી ઊઠી. ‘જેનું બાળજીવન બગડ્યું તેનું સમગ્ર જીવન બગડ્યું' એ ઉક્તિ દુર્યોધનમાં એકદમ સ્પષ્ટ રીતે જીવંત બનેલી જોવા મળે છે. આથી જ વ્યાસમુનિએ દુર્યોધનના મોંમાં શબ્દો મૂક્યા છે; ‘ખાનામિ શ્ર’હું ધર્મ અને અધર્મ કોને કહેવાય તે બરાબર જાણું છું પરંતુ હવે ધર્મ તરફ જઈ શકું તેમ નથી અને અધર્મથી પાછો હટી શકું તેમ નથી. દુર્યોધન અને કર્ણના પાત્રો તમામ માબાપોને-જો તેમનામાં થોડીક પણ સમજણ કે સાચી વાતને સ્વીકારવાની તૈયારી હોય તો-જાગ્રત કરી દે તેવા છે. માબાપો (વડીલો, ગુરુઓ વગેરે) આશ્રિતોને વાતે વાતે તિરસ્કારતા હોય તેમણે તેના કટુતમ પ્રત્યાઘાતો જાણવા હોય તો આ બે પાત્રોનું રોજ બે મિનિટ ધ્યાન ધરવું જોઈએ. ‘કોઈ કારણે કોઈને છોડી શકાય કિન્તુ કોઈ પણ કારણે કોઈને તરછોડી તો ન જ શકાય.’ આ મહાસત્યને તમામ વર્ગના વડીલોએ જીવનસાત્ કરવું જ પડશે, નહિ તો એમના દ્વારા ઘણા નિર્દોષ કુસુમો અકાળે કચડાઈને ખતમ થઈ જશે. જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy