SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસાર– ઉતરાર્ધ ઉત્સેધાંગુલથી એક યોજન લાંબો, પહોળો, ઊંડો ગોળાકાર તે પલ્ય હોય છે. જેની સાધિક ત્રણ યોજનની પરિધિ હોય છે. તેમાં સાત દિવસના નવજાત બાળકોના વાળ ઠાંસી–ઠાંસીને ખીચોખીચ સઘન એવી રીતે ભરી દેવામાં આવે કે જરાક પણ ખાલી જગ્યા(સ્થૂળ દૃષ્ટિની અપેક્ષાએ) ન રહે. તેવા ભરેલા તે વાળોને સમયે સમયે અથવા સો–સો વર્ષે એક–એક કાઢવામાં આવે છે. એ રીતે વાળો કાઢતાં આખો પલ્પ ખાલી થઈ જવામાં જેટલો સમય લાગે તેને પલ્યોપમ કહેવામાં આવે છે. આગળ ૯ પ્રકારના પલ્યોપમનું વર્ણન આવશે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના વર્ણનથી એ સ્પષ્ટ થાય છે કે આવા ખીચોખીચ ભરેલા સ્થાનમાં પણ સૂક્ષ્મ દૃષ્ટિથી અનેક આકાશ પ્રદેશ ખાલી રહી જાય છે. એને એક દષ્ટાંત દ્વારા સમજવું જોઇએ, જેમ કે– એક મોટી કોઠીમાં કોળા ફળ ભર્યા, પછી હલાવી હલાવીને બિજોરાના ફળ ભર્યા, પછી હલાવીને બીલીના ફળ, એમ ક્રમશઃ નાના—નાના ફળ, આંબળા, બોર, ચણા, મગ, સરસવ ભર્યાં તે પણ તેમાં સમાઈ ગયા. તો પણ કયાંક થોડી ખાલી જગ્યા રહી જાય છે. પછી હલાવી હલાવીને રેતી નાખશો તો તે પણ સમાઈ જશે. ત્યાર પછી તેમાં પાણી નાંખશો તો તે પણ સમાઈ જશે. જે પ્રમાણે સાગનું લાકડું સઘન નક્કર હોય છે, તેમાં આપણને કયાંય પોલાણ નથી દેખાતી. છતાં જો તેમાં ઝીણી ખીલી લગાડવામાં આવે તો તેને સ્થાન મળી જાય છે. તેમાં સઘન દેખાવા છતાં પણ આકાશ પ્રદેશ અનવગાઢ રહે છે. એવી જ રીતે એક યોજનના એ પલ્યમાં વાળોથી અનવગાઢ આકાશ પ્રદેશ રહી જાય છે. 224 દ્રવ્ય :- · અરૂપી અજીવ દ્રવ્ય(ભેદની અપેક્ષાએ) દસ છે. રૂપી અજીવ દ્રવ્ય અનંત છે. પરમાણુ પણ અનંત છે યાવત્ અનંત પ્રદેશી સ્કંધ પણ અનંત છે. જીવ દ્રવ્ય અનંત છે. નારકી,દેવ, મનુષ્ય અસંખ્ય—અસંખ્ય છે. તિર્યંચ અનંત છે. ત્રેવીસ દંડકના જીવ અસંખ્ય છે. વનસ્પતિના જીવ અનંત છે. સિદ્ધ અનંત છે. સંસારી જીવોમાં પ્રત્યેક જીવને શરીર હોય છે. તે શરીર પાંચ છે. યથા– ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્પણ. એમાં નારકી, દેવતામાં ત્રણ ત્રણ શરીર હોય છે. મનુષ્યમાં પાંચ અને તિર્યંચમાં ચાર શરીર હોય છે. આ બધા શરીરોની સંખ્યા પણ જીવ દ્રવ્યોની સંખ્યા સમાન ૨૩ દંડકમાં અસંખ્ય અને વનસ્પતિમાં અનંત હોય છે. વિશેષ સ્પષ્ટતા માટે જુઓ પ્રજ્ઞાપના પદ–૧૨. ભાવ પ્રમાણ :– એના ત્રણ ભેદ છે– (૧) ગુણ (૨) નય (૩) સંખ્યા. ગુણના બે ભેદ– જીવ અને અજીવ. અજીવના વર્ણાદિ ૨૫ ભેદ છે અને જીવ ગુણ પ્રમાણના ચાર ભેદ છે. યથા− ૧. પ્રત્યક્ષ ૨. અનુમાન ૩. ઉપમાન ૪. આગમ. પ્રત્યક્ષ :– પાંચ ઇન્દ્રિય અને અવધિ, મન:પર્યવજ્ઞાન, કેવળ જ્ઞાન, એ પ્રત્યક્ષ પ્રમાણ છે. અનુમાન :– અનુમાન પ્રમાણને સમજવા એના પાંચ અવયવને ઓળખવા જોઇએ. એનાથી અનુમાન પ્રમાણ સુસ્પષ્ટ થાય છે. કયારેક એમાં બે અવયવથી વિષય સ્પષ્ટ થાય છે અર્થાત્ અનુમાન સિદ્ધ થઈ જાય છે અને કયારેક પાંચે ય અવયવોથી. યથા- રત્ન મોંઘા હોય છે, જેમ કે ભૂંગા, માણેક આદિ. એમાં બે અવયવ પ્રયુક્ત છે– પ્રતિજ્ઞા અને ઉદાહરણ. પાંચ અવયવનું ઉદાહરણ– (૧) અહીંયા અગ્નિ છે. (૨) કારણ કે ધુમાડો દેખાય છે. (૩) જ્યાં—જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. (૪) યથા– રસોઈ ઘર (૫) આથી અહીંયા પણ ધુમાડો હોવાથી અગ્નિ છે. ૧. પ્રથમ પ્રતિજ્ઞા કરાય છે જેમાં સાધ્યનું કથન હોય છે. ત્યારબાદ ૨. એનો તર્ક, હેતુ, કારણ, મુખ્ય આધાર કહેવાય છે. ૩. પછી એ હેતુ માટે વ્યાપ્તિ અપાય છે. ત્યારબાદ ૪. એ હેતુવાળા સરખા ઉદાહરણ અપાય છે. પ. પછી એનો ઉપસંહાર કરી પોતાનું સાધ્ય સ્થિર કરાય છે. પાંચ અવયવ– ૧. સાધ્ય ૨. હેતુ ૩. વ્યાપ્તિ ૪. ઉદાહરણ ૫. નિગમન(ઉપસંહાર). આ અનુમાન ભૂત ભવિષ્ય, વર્તમાન ત્રણે કાળ સંબંધી હોય છે. અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને હોય છે. કેટલાક અનુમાનના ઉદાહરણ આ પ્રમાણે છે– (૧) આ પુત્ર મારો જ છે કારણ કે એના હાથ પર જે ઘાનું ચિન્હ છે તે મારા દ્વારા થયેલું છે. (૨) પરિચિત અવાજ સાંભળીને કહેવું કે અમુક વ્યક્તિ કે અમુક જનાવરનો અવાજ છે. (૩) ગંધ, સ્વાદ સ્પર્શથી ક્રમશઃ જાણવું કે અમુક અત્તર કે ફૂલ છે. અમુક ખાદ્ય પદાર્થ યા મિશ્રિત વસ્તુ છે. યા અમુક જાતિનું આસન છે. (૪) શિંગડાથી ભેંસને, શિખાથી કુકડાને, પૂંછથી વાંદરાને, પીંછાથી મોરને, અનુમાન કરી સત્ય જાણી શકાય છે. (૫) ધુમાડાથી અગ્નિ, બતક પક્ષીથી પાણી, વાદળોથી વર્ષાનું અનુમાન કરી શકાય. (૬) ઈંગિત–આકાર, નેત્ર વિકારથી ભાવોના આશયનું અનુમાન કરી શકાય છે. (૭) એક સિક્કાના અનુભવથી અનેક સિક્કાને ઓળખવું. એક ચોખો રંધાવાથી અનેક ચોખા રંધાવાની ખબર પડવી અથવા અનુમાન કરવું. એક સાધુને જોઈને અન્ય સર્વે એ વેશ વાળા એક પંથના સાધુ છે એમ જાણવું (૮) કોઈ એક પદાર્થનું એટલું વિશેષ પરિચય જ્ઞાન થઈ જાય કે એક સરખા અનેક પદાર્થોમાં તેને રાખી દેવામાં આવે છતાં પણ તેને કોઈ વિશેષતાના આધારે અલગ ઓળખી લે, તે વિશેષ દષ્ટ સાધÁ અનુમાન છે. (૯) વનોમાં પુષ્કળ લીલુ ઘાસ જોઈને સારા વરસાદનું અનુમાન કરવું, તેનાથી વિપરીત જોઈ અનાવૃષ્ટિનું અનુમાન કરવું. (૧૦) ઘરોમાં પ્રચુર ખાધ સામગ્રી જોઈને અનુમાન કરવું કે અહીં હમણાં સુભિક્ષ છે. (૧૧) હવા, વાદળા અથવા અન્ય લક્ષણથી અનુમાન કરવું કે અહીં હમણાં જ વરસાદ થશે અથવા એનાથી વિપરીત લક્ષણો આકાશમાં જોઈને અનુમાન થાય કે અહીં વરસાદ નહીં થાય. ઉપમાન પ્રમાણ :- કોઈપણ પદાર્થના અજ્ઞાત સ્વરૂપને ઓળખવા માટે જ્ઞાત વસ્તુની ઉપમા દઈને સમજાવાય છે. તે ઉપમાવાળી વસ્તુ અપેક્ષિત કોઈ એક ગુણ અથવા અનેક ગુણોમાં સમાન હોઈ શકે છે. અનુકૂળ અને પ્રતિકૂળ બન્ને પ્રકારની ઉપમાઓ હોય છે. જેમ કે– (૧) સૂર્ય જેવો જ દીપક અથવા આગિયો હોય છે.(પ્રકાશની અપેક્ષા) (૨) જેવી ગાય તેવી જ નીલગાય હોય છે. (૩) કાબર ચીતરી ગાયનો વાછરડો જેવો હોય છે તેવો સફેદ ગાયનો વાછરડો નથી હોતો. (૪) જેવો કાગડો કાળો હોય છે, તેવી દૂધની ખીર નથી. આગમ પ્રમાણ :– લૌકિક અને લોકોત્તરના ભેદથી આગમ બે પ્રકારના છે. સુત્તાગમ, અર્થાગમ, તદુભયાગમની અપેક્ષાએ ત્રણ પ્રકારના છે. આત્માગમ, અનંતરાગમ અને પરંપરાગમના ભેદથી પણ આગમ ત્રણ પ્રકારના હોય છે. મહાભારત, રામાયણ યાવત્ ચાર વેદ સાંગોપાંગ એ લૌકિક આગમ છે. ૧૨ અંગ અને અંગબાહ્ય, કાલિક, ઉત્કાલિક શાસ્ત્ર લોકોત્તર આગમ છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy