SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ સં. ૧૯૧૪માં તેમણે દીક્ષા લીધી. થોડાક જ દિવસમાં તેમને ‘શ્રી પૂજ્ય’ ની પદવી મળી. શ્રી પૂજ્યોનો ઠાઠ-માઠ તે વખતમાં કોઈ રાજવી જેવો રહેતો. શ્રી હેમચંદ્રસૂરિજીની સાથે તેમની પદવીના માન રૂપે છડીદાર અને બંદૂકધારી સિપાઈ રહેતા. આ માટે રાજવીઓ તરફથી અને વાઇસરોય તરફથી રીતસર પરવાના મળતા. અલબત્ત, આ સરંજામ શોભા અને સમ્માનના પ્રતિકરૂપે જ હતો. વીરમગામમાં ગંગાસર અને મુનસર નામનાં બે વિશાળ ઐતિહાસિક તળાવ હતાં, આજે પણ છે. એમાં માછલાં અને જળચર પક્ષીઓ પુષ્કળ પ્રમાણમાં રહેતાં. વીરમગામ રાજ્ય તરફથી આ તળાવ પર માછલાં પકડવાનો અને શિકાર કરવાનો મનાઈ હુકમ હતો. (આ તળાવમાં માછલાં પકડવાની મનાઈ ફરમાવતો અંગ્રેજી અને ગુજરાતીમાં લખેલો વીરમગામ મ્યુનિસિપાલિટીનો શિલાલેખ આજે પણ છે.) ગુલામ દેશના આવા નિયમો અંગ્રેજ બહાદુરો શા માટે પાળે? એવા જ કોઈક ખ્યાલથી હર્બર્ટ લી ઇવિઝાર્ડ નામનો મીઠાખાતાનો એક અંગ્રેજ ઇન્સ્પેક્ટર ગંગાસર તળાવ પર સરેઆમ પક્ષીઓનો શિકાર કરતો અને માછલાં પકડતો. અંગ્રેજોની જોહુકમીથી ભયભીત રહેતા લોકો ન તો એને કંઈ કહી શકતા કે ન ફરિયાદ કરી શકતા. શ્રી હેમચંદ્રસૂરિ વીરમગામ આવ્યા અને અંગ્રેજ અમલદારની આ હરકતની એમને ખબર પડી ત્યારે તેમણે એનો ઇલાજ કરવાનો નિશ્ચય કર્યો. ઇ. સ. ૧૮૮૨ (સં. ૧૯૩૮)ના જૂનની ૨૭મી એ ઇવિઝાર્ડ પક્ષીઓનો શિકાર કરવા અને માછલાં પકડવા માટે પોતાના માણસોને લઈને ગંગાસરને કાંઠે ગયો ત્યારે અગાઉથી ત્યાં હાજર રહેલા શ્રી પૂજ્યજીએ પોતાની સાથેના માણસ દ્વારા બંદૂકનો ખાલી ભડકો કરાવી બધા પક્ષીઓને ઉડાડી દીધાં. પોતાને ફાવે તેમ વર્તવાના અંગ્રેજોના વણલખ્યા હક્ક પર તરાપ મારવાની એક સાધુની આ હિંમત જોઈ પેલો અમલદાર ચિડાયો. તેણે શ્રી પૂજ્યજીને દમદાટી દેવા માંડી : “બંદૂક રાખવાનો પરવાનો બતાવો”. તેને શ્રી હેમચંદ્રસૂરિએ પરખાવ્યું : “પરવાનો જોનાર તમે કોણ છો? તમે તમારે રસ્તે ચાલ્યા જાઓ”. ઇવિઝાર્ડે કહ્યું : “હું સરકારી નોકર છું ને મને બધી સત્તા છે.” શ્રી પૂજ્યજીએ કહ્યું : “મારી પાસે લાટ (લોર્ડ) સાહેબનો પરવાનો છે.” ઇવિઝાર્ડે ધમકી આપી : “તમે પરવાનો નહીં બતાડો તો મારે બંદૂક આંચકી લેવી પડશે'. તે પછી બંદૂક ઝૂંટવવાનો એણે પ્રયાસ કર્યો પણ શ્રી પૂજ્યજીએ એક ઝટકા સાથે બંદૂક પાછી લઈ લીધી. તેના માણસો Jain Education International ચતુર્વિધ સંઘ પાસેથી માછલાં પકડવાની જાળ પણ ઝૂંટવાઈ ગઈ. ઇવિઝાર્ડ ડાકબંગલામાંથી પોતાના મિત્ર એન્ડરસનને અને કસ્ટમના સિપાઈઓને લઈ આવ્યો. બધા મળીને ૮ જણના આ લશ્કરથી પણ શ્રી પૂજ્યજી ડર્યા નહીં. સિપાઈઓને બંદૂક લેવા દીધી નહીં. શ્રી પૂજ્યજીના છડીદાર અને બીજા એક સેવકને પણ આ ઝપાઝપીમાં ઈજા થઈ ત્યાં સુધી લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું. દરમિયાન ઇવિઝાર્ડ પોલીસને તેડી આવ્યો અને પછી આખું સરઘસ મામલતદારની કચેરીએ ગયું. પોલીસ-ઇન્સ્પેક્ટર અને મામલતદાર હિંદુસ્તાની હોવા છતાં અંગ્રેજ વિરુદ્ધ પગલું ભરવાની હિંમત તેમનાથી ન થઈ. શ્રીપૂજ્યજીને મોઢા પર લાગ્યું હોવા છતાં તેમણે આંખ આડા કાન કર્યા. શ્રી પૂજ્યજીએ પોતાને માર માર્યા અંગેની ફરિયાદ કરી પણ તેના પર ધ્યાન ન આપ્યું. બંદૂક કબ્જે કરી લીધી, પણ લોહી વહેતું હોવા છતાં દાક્તરી તપાસ ન કરાવી. શ્રી પૂજ્યજી પોતાની સામે માર મારવા સંબંધે કેસ કરવાના છે તેની ખબર પડતાં ઇવિઝાર્ડ ગભરાયો અને પોતાનું ખૂન કરવાની કોશિશ કરવા માટે અને સરકારી નોકરોને તેમના કામમાં દખલ કરવા માટેના ખોટા આરોપ ઊભા કરી શ્રી પૂજ્યજી સામે તેણે દાવો માંડી દીધો. ફરિયાદી અંગ્રેજ અને જિલ્લા મેજિસ્ટ્રેટ પણ અંગ્રેજ. કાયદાને વિસરી જઈને જિલ્લા મેજિસ્ટ્રેટે કેસ દાખલ કર્યો અને ખૂનના પ્રયાસનો કેસ ઠરાવી સેશન્સ કોર્ટમાં આ કેસ ચલાવવા હુકમ કર્યો. જૈનોના એક માનનીય આચાર્યને ખૂનના પ્રયાસના કહેવાતા આરોપસર બેડી– દસકલાં નાખી, લોકોની હકડેઠઠ મેદની વચ્ચે ટ્રેન દ્વારા અમદાવાદ લઈ જવામાં આવ્યા. અમદાવાદની સેશન્સ કોર્ટમાં ન્યાયાધીશ મિ. ફિલપોટ્સ સમક્ષ આ કેસ આવ્યો. લોકલાગણીને પિછાણીને બેડી–દસકલાં તરત કાઢી નાખવામાં આવ્યાં. જૈન સમાજમાં આ કેસ અંગે ભારે હલચલ મચી ગઈ. માંડલ, વીરમગામ અને અમદાવાદના જૈનોએ આ કેસ લડવા માટે કમર કસી. આ કેસ લડવા માટે મુંબઈના એ વખતના શ્રેષ્ઠ વકીલ મિ. બ્રાન્સનને રોકવામાં આવ્યા. ઇવિઝાર્ડ અને એન્ડરસન-જેમણે આ કમઠાણ રચ્યું હતું તેમની ઊલટી–સુલટી જુબાનીએ પહેલે જ દિવસે કેસને પાંગળો કરી નાખ્યો. મિ. બ્રાન્સનની ઊલટતપાસમાં દેખાઈ આવ્યું કે આ કેસની બધી વિગતો કલ્પિત છે. ખૂનના પ્રયાસનો આરોપ ઊડી ગયો ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ, જેણે આ કેસ સેશન્સ કમિટ કર્યો હતો તેણે ખૂનનો આરોપ સાબિત ન થતો હોય તો માર માર્યાનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy