________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૪૧
પછી તે હોલિકાને તેના મા-બાપે પોતાને ઘેર લાવીને રાખી. હોલિકા નિરંતર ઘરની મેડી ઉપર ગોખમાં બેસી રહેતી હતી અને મદોન્મત્તની જેમ કામવ્યથાથી પીડા પામ્યા કરતી હતી. કહ્યું છે કે -
बालंरडा तपस्वी च, कीलबद्धश्च घोटकः ।
અન્ત:પુરાતા નારી, નિત્યં ધ્યાયન્તિ મૈથુનમ્ ॥॥
બાળવિધવા, તાપસી, ખીલે બાંધી રાખેલો અશ્વ અને રાજાના અન્તઃપુરમાં રહેલી સ્ત્રી નિરંતર મૈથુનનું જ ધ્યાન કરે છે.' વળી
नर सासरे स्त्री पीहरे, यति कुसंगतवास ।
नदीतीरे तरु माल कहे, यदि तदि होय विणास ॥२॥
પુરુષ સાસરે રહેવાથી, સ્ત્રી પિયરમાં રહેવાથી, યતિ કુસંગતમાં વસવાથી અને વૃક્ષો નદીને કાંઠે રહેવાથી જ્યારે ત્યારે પણ વિનાશ પામે છે એમ માલ કવિ કહે છે.'
શાસ્ત્રમાં કહ્યું છે કે –
सीसा य जे संजमजोगजुत्ता, पुत्ता य जे गेहभरे नियुक्त्ता । वियारबुद्धी कुलबालियव्वा, होउण तेसिं उवसंतिमे ॥१॥
ભાવાર્થ :- ‘જેઓ સંયમયોગથી યુક્ત હોય તે જ શિષ્યો કહેવાય છે, જેઓ ગૃહભારમાં જોડાયેલા હોય તે જ પુત્રો કહેવાય છે અને જે સદ્વિચારયુક્ત બુદ્ધિવાળી હોય તે જ કુળબાલિકા કહેવાય છે. તેમને કદિ વિકારબુદ્ધિ થાય છે તો પણ તે ઉપશાંતિને પામે છે.' માટે શિષ્યને, પુત્રને તથા કુળવધૂને પોતપોતાના કાર્યમાં અવલંબન સહિત એટલે જોડાયેલા રાખવા. આ હોલિકા તો તદ્દન આલંબન રહિત બીલકુલ નવરી હતી, તેથી તેના કામવિકાર કેમ વૃદ્ધિ ન પામે ? કહ્યું છે કે -
यौवनं धनसंपत्तिः, प्रभुत्वमविवेकिता ।
एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ॥१॥
"
ભાવાર્થ :- ‘યુવાવસ્થા, ધનસંપત્તિ, પ્રભુત્વ (અધિકારીપણું) અને અવિવેકીપણું, આમાંનું એક એક પણ અનર્થકારી છે, તો જ્યાં ચારે ભેગા હોય ત્યાં તો શું કહેવું ?’
એકદા તે હોલિકા પોતાના મહેલના ગોખમાં બેઠી હતી તે વખતે બંગદેશના રાજાનો પુત્ર કામપાલ ક્રીડા માટે જતાં અશ્વ પર બેસીને ત્યાંથી નીકળ્યો. તેને જોઈને તે હોલિકાએ તેના પર કામદેવના બાણરૂપ કટાક્ષ નાંખ્યા, એટલે કામપાળ પણ તેના રૂપથી મોહ પામીને વારંવાર તેની સામું જોવા લાગ્યો. કહ્યું છે કે -