________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૩૦૯
બાર દિવસ સુધી અમરપડહ વગડાવવાનું (અમારિ પાળવાનું) ફરમાન કર્યું, તથા બાદશાહે કરાવેલું બાર કોશનું મોટું ડામર નામનું સરોવર કે જેનો સામો કિનારો પણ દૃષ્ટિથી જોઈ શકાતો નહોતો તે સરોવરમાં રહેલા મીનાદિક જંતુઓના વધનો સર્વથા નિષેધ કર્યો. પછી બાદશાહે ફરીથી સૂરિને કહ્યું કે “આજથી આપની જેમ હું પણ મૃગયા વડે જીવહિંસા નહિ કરું. હું ઈચ્છું છું કે “સર્વે પ્રાણીઓ મારી જેમ ઈચ્છા પ્રમાણે ફરો હરો અને ક્રીડા કરો.” આ પ્રમાણે મૃગયા, જજિયાવેરો અને શત્રુંજયનો કર વગેરે મૂકાવી દઈ, અનેક પ્રકા૨ની પુણ્ય ક્રિયામાં તેને જોડી દઈ સૂરિએ અન્યત્ર વિહાર કર્યો.
૩૬૦
શ્રી હીરવિજયસૂરિનું ચરિત્ર (ચાલુ) जगद्गुरुरिदं राज्ञा, विरुदं प्रददे तदा । तद्वहन्नन्यदेशेषु, विजहार गुरुः क्रमात् ॥१॥
ભાવાર્થ :- “ત્યારે આ જગદ્ગુરુ છે એવું બાદશાહે બિરુદ આપ્યું. પછી બાદશાહે આપેલા જગદ્ગુરુ બિરુદને વહન કરતા સૂરિએ અન્યત્ર વિહાર કર્યો.” આ શ્લોકમાં કહેલા અર્થનું સમર્થન કરવા માટે તેમનું ચરિત્ર વિશેષે કહેવામાં આવે છે.
અન્ય દેશોમાં વિહાર કરતાં કરતાં શ્રી હીરગુરુ મથુરાપુરીમાં આવ્યા. ત્યાં મોટા ઉત્સવથી સંઘજનોથી પરિવરેલા સૂરિએ ચારણ મુનિની જેમ પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથ પ્રભુની યાત્રા કરી, તથા જંબુસ્વામી, પ્રભવસ્વામી વગેરે પાંચસો ને સત્તાવીશ મુનિઓના સ્તૂપોને વંદના કરી. પછી ગોપાલગિરિ ઉપર ઋષભદેવને વંદના કરી. તે ગિરિ ઉપર શત્રુંજયની જેમ બાવન ગજના પ્રમાણવાળી શ્રી આદીશ્વરની પ્રતિમા છે, તથા બીજી પણ જિનપ્રતિમાઓ છે, તેને સૂરીશ્વરે વંદના કરી. ત્યાંથી વરકાણકનગરમાં આવીને સાક્ષાત્ પાર્શ્વયક્ષની જેમ વરકાણક નામના પાર્શ્વનાથને નમ્યા. ત્યાંથી અનુક્રમે સિદ્ધાચલ આવી ત્યાં દર્શન તથા સ્તુતિ વગેરે કરીને ગુરુ જયપુરમાં આવ્યા.
ત્યાં શ્રીસંઘની સમીપે સૂરિએ શ્રી અજય પાર્શ્વનાથનું કિંચિત્ ચરિત્ર કહ્યું કે - “કોઈ શ્રેષ્ઠિ જળવટ વ્યાપાર માટે સમુદ્રરસ્તે જતો હતો. દૈવયોગે અચાનક વૃષ્ટિનો ઉત્પાત થયો; તેથી કલ્પાંત કાળની જેમ પોતાના વહાણના લોકોનો સંહાર થશે એમ ધારીને તે દુઃખ જોવાને અસમર્થ એવા તે શ્રેષ્ઠિ પ્રથમથી જ મૃત્યુ પામવા માટે સમુદ્રમાં ઝંપાપાત કરવા જાય છે, તેટલામાં પદ્માવતીદેવીએ આકાશવાણીથી કહ્યું કે- ‘આ સમુદ્રની મધ્યે સમગ્ર દુઃખરૂપી સાગરનું મંથન કરવામાં મંદરાચળ પર્વત સમાન પ્રભાવવાળી અને સમુદ્રની મેખલાના નિધિ સમાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે; માટે હે શ્રેષ્ઠિ ! નાવિક લોકો પાસે તેને સમુદ્રમાંથી બહાર કઢાવીને તેની પૂજા કરી વહાણમાં રાખીશ તો હું તારું સર્વ વિઘ્ન દૂર કરીશ. પણ હે શ્રેષ્ઠિ !