Book Title: Shu Vaat Karo Cho
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 48
________________ નમ્ર બનો નહિતર ગુલાંટ ખાઈ જશો ખલીલ જિબ્રાનની આ પંક્તિઓ : શાણપણ રડતું નથી. તત્ત્વજ્ઞાન હસતું નથી મહાનતા બાળકો સામે નમતી નથી તેનાથી મને વેગળો રાખજો. વાવાઝોડું ભલેને પ્રલયકાળનું ફૂંકાય છે, વરસોથી ટટ્ટાર ઊભેલાં વૃક્ષો તૂટી જાય છે અને નેતર ટકી જાય છે. કારણ? વૃક્ષો ઝૂકતા નથી, નેતર ઝૂકી જાય છે. ધોધમાર વરસાદ ભલે ને પર્વતના શિખર પર પડે છે. શિખર કોરું રહી જાય છે અને પર્વતની તળેટીની નજીક રહેલ ખાડાઓ ભરાઈ જાય છે. કારણ? શિખર ભરેલું હોય છે, ખાડાઓ ખાલી હોય છે. વૃક્ષની સૂકી ડાળી ભલે ને ગમે તેટલાં વરસોની જૂની છે. વાળવા જતાં એ તૂટી જાય છે અને બાવળનું લીલું દાતણ ભલે ને નાનું છે. એને વાળી દેવામાં કોઈ જ તકલીફ પડતી નથી. કારણ ? ડાળી સૂકી છે, દાતણ લીલું છે. ક્ષેત્ર ચાહે સંસારનું છે કે અધ્યાત્મનું છે, ટકી જવાનો, ભરાઈ જવાનો અને સમ્યફ દિશામાં વળી જવાનો એક જ માર્ગ છે. ઝૂકી જાઓ. ખાલી થઈ જાઓ. કોમળ બન્યા રહો. ભૂલેચૂકે જો અક્કડ રહ્યા, ભરાયેલા રહ્યા, કઠોર બન્યા રહ્યા તો તૂટી જતાં, વિલીન થઈ જતાં, ગુલાંટ ખાઈ જતાં વાર નહીં લાગે. અલબત્ત, સજ્જન અને દુર્જનને, બંનેને સાથે રાખીને આપણે જીવન પસાર કરવું પડતું નથી. પાણીને અને આગને સાથે લઈને આપણે મુસાફરી કરવી પડતી નથી. અત્તરને અને વિષ્ટાને સાથે રાખીને આપણે કોઈને મળવા જતા નથી પરંતુ બુદ્ધિને અને હૃદયને સાથે રાખીને જ આપણે જીવન જીવવું પડે છે, તકને અને લાગણીને સાથે રાખીને જ આપણે જીવન પસાર કરવું પડે છે અને આમાં ખરી મુશ્કેલી એ છે કે બુદ્ધિને અક્કડ રહેવામાં રસ છે, જ્યારે હૃદયને ઝૂકતા રહેવામાં આનંદ આવે છે. તકન દલીલબાજીમાં રસ છે જ્યારે લાગણીને સમર્પિત થઈ જવામાં રસ છે. બુદ્ધિ જીવન સફળ કેમ બને, એની ચિંતામાં વ્યસ્ત રહે છે જ્યારે હૃદય જીવન સરસ કેમ બને, એનાં આયોજનો કરતું રહે છે. આ સ્થિતિમાં નમ્ર બન્યા રહેવું, એ સહેલું તો નથી જ પરંતુ નમ્ર બન્યા રહેવામાં જ મજા છે એ સત્યને શ્રદ્ધાનો વિષય બનાવવાનું ય સહેલું નથી. જોઈ લો વર્તમાન સંસારને ક્યાંય ઝૂકવાની વાત નથી, ઝૂકી જવાનું વાતાવરણ નથી. નમ્ર બન્યા રહેવાની સલાહ નથી, નમ્રતાનું સન્માન નથી. એક જ વાત છે. ઝૂકો નહીં, ઝઝૂમતા રહો. સહો નહીં, સામનો કરતા રહો. સ્વીકારો નહીં, પ્રતિકાર કરતા રહો. સાંભળો નહીં, સંભળાવતા રહો. દિલને નહીં, દલીલબાજીને જ મહત્ત્વ આપતા રહો. હાથમાં ફૂલ નહીં, પથ્થર જ રાખતા રહો. શાસ્ત્રો પર નહીં, શસ્ત્રો પર જ વિશ્વાસ રાખતા રહો. પરિણામ આંખ સામે છે. રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે વાતાવરણમાં અવિશ્વાસ છે. રાજ્ય-રાજ્ય વચ્ચે કડવાશનું વાતાવરણ છે. શહેર-શહેર વચ્ચે ઉશ્કેરાટ છે. ગામ-ગામ વચ્ચે તંગદિલી છે. કોમકોમ વચ્ચે વૈમનસ્ય છે. સમાજ-સમાજ વચ્ચે વિખવાદ છે. જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વિસંવાદ છે. પરિવાર-પરિવાર વચ્ચે તનાવ છે. અરે, વ્યક્તિ ખુદ હતાશ છે, એશાંત છે, અસ્વસ્થ છે. વિકલ્પ ? એક જ છે. નમ્ર બન્યા રહો. ઝૂકતા રહો. સ્વીકાર કરતા રહો. કોઈ તાકાત તમને તોડી નહીં શકે.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51