Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 42
________________ જોરદાર પાપ બંધાયું છે કે જેના પ્રતાપે આ બધું મળવા છતાં આ શાસનને સમજવાનું મન જ થતું નથી. પછી તેની શ્રદ્ધા થવાની તો વાત જ શી કરવી ? અને એ શ્રદ્ધા ન થાય તો અમલ કરવાનું તો દૂર જ રહ્યું ને ? હમણાં જ આપણું ઉત્તમ પર્યુષણા પર્વ પૂર્ણ થયું. તેમાં ઘણા ભાગ્યશાલી-શક્તિસંપન્ન આત્માઓએ સુંદર તપ ધર્મની આરાધના પણ કરી છે. તે બધા તપ કરનારાઓને મારે પૂછવું છે કે-આ બધો તપ તમે શા માટે કર્યો ? તો એનો એ જ જવાબ મળે કે- ‘મારે ઝટ મોક્ષે જવું છે. તે માટે ઝટ સંસારથી છૂટી જવું છે. તે માટે અત્યંત જરૂરી એવો અહિંસા ધર્મ પાળવો છે, સંયમધર્મ સુંદર આરાધવો છે.’ આ બધું કરવાની શક્તિ પેદા થાય માટે મેં આ તપધર્મની આરાધના કરી છે. આવો જેનો ભાવ હોય અને તે માસક્ષમણ-પંદર-દશ-આઠ-ત્રણ ઉપવાસ કરી શકે તેવી તાકાતવાળો હોય, એવો જૈનકુળમાં જન્મેલો જીવ હવે કદિ રાત્રિભોજન કરે ? કદિ અભક્ષ્યભક્ષણ કરે ? તેનાથી ચોવિહાર અને નવકારશી ન થઇ શકે તેવું બને ? તેના માટે તો આ બધું સહેલું જ થઇ જાય. આવો બહુ સહેલામાં સહેલો અને ઘણાં ઘણાં પાપોથી બચાવી લે તેવો આપણા વીતરાગના શાસનનો તપધર્મ છે. છતાં કયા કારણથી મોટાભાગના જૈનકુળમાં જન્મેલાને તે કરવાનું મન જ થતું નથી, તે બુદ્ધિમાં બેસતું નથી. પુણ્ય જરૂર સારું લઇને આવ્યા છો પણ પાપ સાથે એવું ગાઢ બાંધીને આવ્યા છો કે આવી સારી સામગ્રી મળવા છતાં ધર્મ આરાધના કરવાના ભાવ અંતરમાં ઉઠતાં જ નથી, ધર્મ કરવાનું મન પેદા થતું નથી, પાપથી છૂટવાનું મન થતું નથી, અધર્મથી કેમ બન્યું તેવો વિચાર જાગતો નથી-એટલે મારે અહીંથી જવાનું છે અને જવાનું તો ચોક્કસ છે પણ ક્યાં જવાનું છે તે વાત સાવ ભૂલાઇ ગઇ છે. પછી તો એવી જગ્યાએ અહીંથી જવું પડશે કે વખતે સંખ્યાત-અસંખ્યાત-અનંતકાળ સુધી કોઇ ખબર પૂછનાર નહિ મળે, કોઇ બચાવનાર પણ નહિ મળે, ભટકી ભટકીને દમ નીકળી જશે. તમે નક્કી કરો કે આપણે તેમ નથી થવા દેવું તો બાજી હજી હાથમાં છે. આપણે તપ ધર્મની અનુમોદનાર્થે ભેગા થયા છીએ. તમને ય આવો તપ ધર્મ બહુ ગમી ગયો ને ? જેને આવો સુંદર તપધર્મ ગમી જાય તેને સંયમ ધર્મ ગમ્યા વિના રહે ? આવો સંયમધર્મ ગમી જાય પછી તેને અહિંસા ધર્મના પાલન માટે કેવો ઉલ્લાસ જાગે ? આવા ભાવિત બનેલા જીવને કર્મના ઉદયથી સંસારમાં રહેવું પડે તો રહે પણ તેને સંસારની કોઇ ચીજ પર પ્રેમભાવ જાગે જ નહિ. તેનો રાગ તો વીતરાગ દેવ-નિગ્રંથ ગુરૂ-અહિંસા-સંયમ અને તપ સ્વરૂપ ધર્મ, તે ધર્મની સામગ્રી અને એ ધર્મને આરાધતા ઉત્તમ આત્માઓ પર જીવતો અને જાગતો રહે. આ રીતે સમસ્ત જીવન એવું સુંદર જીવાય કે તેનું મરણ મહોત્સવ જેવું થઇ જાય અને પરલોકમાં દુર્ગતિના દ્વાર બંધ થઇ જાય, સદ્ગતિ નિશ્ચિંત થાય. આ રીતે સદ્ગતિને પામેલો આત્મા થોડા જ ભવોમાં અનંત અને શાશ્વત સુખનો ભોક્તા બની જાય છે. સૌ તપધર્મની મહત્તાને સમજી, યથાશક્તિ તેના પાલન દ્વારા વહેલામા વહેલા શીવસુખના સ્વામી બનો એ જ શુભાભિલાષા. Page 42 of 77

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77