Book Title: Samadhanam
Author(s): Abhayshekharsuri, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 65
________________ જ તે કરશે; છતાં, બીજા નયોના અભિપ્રાયોનો સ્યાદ્વાદ સમભાવે સ્વીકાર કરે છે તે યાદ રાખવાનું છે. આ ‘અનેકાંત’ની વિશિષ્ટતા છે. આ પ્રથમ ત્રણ નયની એકબીજા ઉપરની ઉત્તરોત્તર ભિન્નતા આપણે જોઇ. પ્રથમ વસ્તુના સામાન્ય અને વિશેષ એવા બે સ્વરૂપોને અલગ અલગ બતાવે છે. બીજા એમાંના સામાન્ય સ્વરૂપનું વિવરણ કરે છે અને ત્રીજો એના વિશેષ સ્વરૂપનો પરિચય આપે છે. અગાઉ આપણે કહ્યું છે કે આ ત્રણ નયો ‘દ્રવ્યાર્થિક' એટલે વસ્તુના સામાન્ય અર્થને અનુસરનારા છે. આમ છતાં અહીં આપણે જોયું, કે વ્યવહાર નય વસ્તુના વિશેષ સ્વરૂપને બતાવે છે. કોઇ એવો પ્રશ્ન સ્વાભાવિક જ કરશે, કે ‘આમ કેમ ?' અહીં એટલું આપણે યાદ રાખવાનું છે કે આમાં જે ‘વિશેષ’ બતાવવામાં આવે છે, તે ‘સામાન્યગામી વિશેષ' છે, એટલે વ્યવહાર નયનો સમાવેશ દ્રવ્યાર્થિકમાં ક૨વામાં આવ્યો છે. છેલ્લા ચાર નય ‘પર્યાયાર્થિક’ નયો છે. આ નયની દૃષ્ટિ પ્રથમના ત્રણ કરતાં સૂક્ષ્મ છે અને તે નયોમાં આપણને ‘વિશેષગામી વિશેષ' જોવા મળે છે. હવે આપણે ચોથો નય જોઇએ. ૪. ૠજુસૂત્ર નય : આ નય, સ્થૂલ અને સૂક્ષ્મ પ્રકારે વસ્તુની વર્તમાન અવસ્થાને બતાવે છે-ગ્રહણ કરે છે. એ વર્તમાન કાળવર્તી અને પોતાની જ વસ્તુને માને છે. અંગ્રેજીમાં એને The thing in its present condition-‘વસ્તુ પોતાની વર્તમાન અવસ્થામાં' એમ કહી શકાય. આ નય, વસ્તુની ભૂત તથા ભાવિ અવસ્થાને માનતો નથી, એ વસ્તુના પોતાના વર્તમાન પર્યાયોને (સ્વરૂપોને) જ માને છે. પારકી વસ્તુના પર્યાયોને તે સ્વીકારતો નથી. તે એમ સૂચવે છે કે પારકી વસ્તુના પર્યાયોથી કદી પોતાનું કામ થતું નથી. ભૂત, ભાવિ અને પરાયું, એ ત્રણે કાર્ય કરવા માટે અસમર્થ હોવાથી, આ નય તેને અસત્ અને આકાશકુસુમવત્ માને છે. વર્તમાન કાળના જે સૂક્ષ્મ અને સ્થૂલ ભેદ આ ૠજુસૂત્ર નય સ્વીકારે છે, તે, સામાન્ય વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળ છે. ‘આજે’ અને ‘અત્યારે’ એ બંને શબ્દો વર્તમાનકાળનું જ સૂચન કરતા હોવા છતાં, એમાં સ્કૂલ અને સૂક્ષ્મ એવા બે ભાવો રહેલા છે. આ બે ભેદથી, વર્તમાનકાળને આ ૠજુસૂત્ર નય સ્વીકારે છે. આ નયની દૃષ્ટિથી, જે વર્તમાનકાળમાં નથી અને જે પોતાનું નથી તે નકામું ગણાય છે, દાખલા તરીકે વર્તમાનકાળમાં જે સાધના આપણી પાસે સમાધાનમ્ ૪૭

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78