Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology

View full book text
Previous | Next

Page 8
________________ પ્રેરણાની પાવનમૂર્તિ સંયમ સાધનાના પથ પર સરધારના દરબારગઢમાં આવેલી કન્યાશાળામાં ભાનુમતીએ ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. આ કન્યાશાળામાં કડક શિસ્તપાલન હતું. ભાનુમતી બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી, અનુશાસનપ્રિય, સ્વચ્છતાપ્રિય અને વિનયશીલ હતાં. એ પછી રાજ કોટની પ્રખ્યાત બાવાજીરાજ કન્યાશાળામાં બે વર્ષ અભ્યાસ કર્યો, આ શાળામાં અભ્યાસનું ધોરણ ઘણું ઊંચું હતું. એ સમયે બાળકોને આસપાસના ભાવનાશીલ વાતાવરણમાંથી અને માતાપિતાની છત્રછાયાને કારણે મહેનત, નીતિ અને ધર્મના પાઠ પણ શીખવા મળતા હતા અને ઉમદા સંસ્કારોને કારણે જીવન ધર્માચરણથી ભર્યું ભર્યું બનતું હતું. આ સમયે સરધારમાં રોજ સવારે પ્રભાતફેરી નીકળતી હતી. શિવકુંવરબહેન અને એમની દીકરી ભાનુમતી ગાંધીજીના રંગે રંગાઈ ગયાં હતાં. એમના સ્વતંત્રતાના આંદોલનમાં ભાગ લેતાં હતાં. આખો દેશ જ્યારે જાગી ઊઠ્યો ત્યારે સરધારની નાનકડી બાળા ભાનુમતી સિંહમોઈ (ચારણબાઈ આઈ જીવણી) બનીને જાણે નવા ઇતિહાસનું સર્જન કરવા ઇચ્છતી ન હોય ! ત્યારે ભાનુમતીની ઉંમર નાની હતી પરંતુ એની રગ રગમાં દેશભક્તિનું જોર હતું અને દેશને આઝાદ કરવા માટેની ભાવના હતી. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સરધારના ચોકમાં લોકસ્વરાજની હાકલ કરીને જનસમૂહને ખાદીનાં વસ્ત્રો પહેરવાનું વ્રત આપ્યું હતું, જેમાં ઘણા જૈન પરિવારોએ અનુસરણ કર્યું હતું. આ સમયે સરધાર નજીક આવેલા હલેંડામાં જેલવાસ ભોગવતા સત્યાગ્રહીઓને સરધારના જૈનો ભોજન મોકલાવતા હતા. એકવાર અંગ્રેજ સરકારે સરધારના દરબારગઢની જેલમાં મહાત્મા ગાંધીજીને તથા બાજુના ત્રંબા ગામમાં કસ્તૂરબાને નજરકેદ કર્યા હતા. એ પછીના સમયે સરધારના જૈનો દેશ-દેશાવર ખેડતા. આજે સરધારમાં જૈનોનાં માત્ર દસ કુટુંબો વસે છે. શિવકુંવરબહેનનો ત્રણ સંતાનોનો સુખી પરિવાર હતો. કાંતિ અને ગુલાબ નામના બે સદાચારી અને આજ્ઞાંકિત પુત્રો હતા, તો એક મહેનતુ અને ચારિત્રશીલ પુત્રી ભાનુમતી હતી. એમનાં સંતાનો લાડકોડમાં ઊછરતાં હતાં. ડુંગરશીભાઈ સંઘવી અને શિવકુંવરબહેન સંઘવીના સુખી સંસારની સુવાસનો અનુભવ એમનાં સંતાનો કરી રહ્યાં હતાં. પતિ-પત્ની બંનેમાં ઉત્કૃષ્ટ ધર્મભાવના હતી અને એવામાં એકાએક જાણે સંસારના સુખનો સૂર્ય અસ્તાચળે ડૂબી ગયો. વિ. સં. ૧૯૮૪માં ડુંગરશીભાઈનો સ્વર્ગવાસ થયો. શિવકુંવરબહેનના માથે જાણે આભ તૂટી પડ્યું. છેલ્લા કેટલાક વખતથી ડુંગરશીભાઈ વેપાર અર્થે મુંબઈ પરિવાર સાથે ગયા હતા. મુંબઈની પ્રસિદ્ધ મૂળજી જેઠા માર્કેટમાં એમની કાપડની પેઢી ચાલતી હતી, પરંતુ હવે શિવકુંવરબહેનને માથે ત્રણ સંતાનોના ઉછેરની કપરી જવાબદારી આવી પડી. મુંબઈથી પાછા આવીને તેઓ સરધારમાં વસ્યાં અને સંતાનોના ઉછેરમાં રાતદિવસ એક કરી નાખ્યાં. આ અસહ્ય આઘાતને પોતાના અંતરમાં છુપાવી રાખ્યો અને ચિત્તને સ્વસ્થ રાખી ધીરજપૂર્વક સંસારની મજલ કાપવા લાગ્યાં. કોઠાસૂઝ ધરાવતાં શિવકુંવરબહેને બાળકોને માતાનો પ્રેમ અને પિતાની સંભાળ આપી. આ વજાધાતની અસર પોતાનાં સંતાનોને ન થાય એની ભારે તકેદારી રાખી. પોતાના હૈયાનું દુ:ખ ભૂલીને એમણે સંતાનોના ઉછેરમાં જીવ પરોવી દીધો અને ધીરે ધીરે દિવસો વ્યતીત કરવા લાગ્યાં. મુંબઈથી સરધાર પાછાં આવેલાં શિવકુંવરબહેનના જીવનમાં પરિવર્તન સધાવા લાગ્યું. આજ સુધી સાંસારિક બાબતોની સદેવ ચિંતા કરતાં શિવકુંવરબહેન ધીરે ધીરે વધુ ને વધુ સમય ધર્મધ્યાનમાં ગાળવા લાગ્યાં. કાચા તાંતણે રહેલા સંસારના સંબંધોની ભંગુરતા એમણે જોઈ હતી. નશ્વરને બદલે શાશ્વતની શોધમાં લાગી ગયાં. વળી સમય મળે ગામલોકોની સેવા કરવા લાગ્યાં અને જરૂરિયાતમંદને દવાઓ અને બીજી સહાય આપવા લાગ્યાં. પણ વિધાતાની લીલા પણ અકળ હોય છે ! હજી પતિના અવસાનનો આધાત પૂરેપૂરો જીરવે તે પહેલાં વળી એક નવો આઘાત આવ્યો. કહે છે કે મુશ્કેલીઓ કે આફતો એકલી આવતી નથી, પણ પોતાની આખી સેના સાથે ત્રાટકતી હોય છે. શિવકુંવરબહેનનો પુત્ર કાંતિ સદાને માટે વિદાય થઈ ગયો. હજી ભવિતવ્યતાનો રોષ શાંત થયો ન હોય, તેમ કુટુંબના એકમાત્ર આધાર સમો સોળ વર્ષનો જુવાન દીકરો ગુલાબ ટાઇફોઇડની બીમારીમાં સપડાયો. પોતાનાથી બનતા સઘળા ઉપચારો કર્યા, પરંતુ જાણે એક પછી એક આઘાત

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 161