Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
વાણીની વસંતનો વૈભવ
પ્રેરણાની પાવનમૂર્તિ ‘મહારાજજી ! આપે ગઈ કાલે ચાર પ્રકારના શ્રાવકો ફરમાવ્યા એમાં ચોથા પ્રકારના શ્રાવકને હું ભૂલી ગઈ. મને ફરી જણાવોને ?”
આચાર્ય મહારાજને બાળસાધ્વીજીની ભાષા અતિ મધુર અને વિનયપૂર્ણ લાગી, એમણે સામે પ્રશ્ન કર્યો, ‘આટલી બધી જિજ્ઞાસાથી પૂછે છે, તે શું તારે વ્યાખ્યાન આપવું છે ?'
સાધ્વીશ્રી મૃગાવતીજીએ જવાબ આપ્યો, ‘જો આપની કૃપા હોય તો આપીએ !'
આચાર્ય ભગવંત આ ઉત્તર સાંભળીને ખૂબ પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા.
એમણે સૌ પ્રથમ ઈ. ૧૯૪૩માં ગુજરાતના વીરમગામમાં ‘શ્રી કલ્પસૂત્ર સુબોધિકા' વિશે વ્યાખ્યાન આપ્યું અને બારસાસ્ત્રનું વાંચન કર્યું. એ જમાનામાં શ્વેતાંબર સંપ્રદાયમાં સાધ્વીજી વ્યાખ્યાન આપે અને તેય કલ્પતરુ સમાન “શ્રી કલ્પસૂત્ર' પર અને બારસાસૂત્ર વાંચે, એ પ્રચંડ ક્રાંતિકારી ઘટના ગણાય.
મહાત્મા ગાંધીજીએ વિદેશી કાપડની હોળી કરી અને દેશવાસીઓને સ્વદેશી કાપડ અપનાવવા હાકલ કરી હતી. ગાંધીજીની એ ભાવનાને જીવનપર્યત ખાદી પહેરીને સાધ્વીશ્રીએ સાકાર કરી. વળી કોઈ એમને ખાદી વહોરાવે, તો ખાસ ચીવટ રાખતાં કે એ વ્યક્તિ પોતે ખાદી પહેરતી હોવી જોઈએ.
- ઈ. સ. ૧૯૪૮માં મહાત્મા ગાંધીજીના નિર્વાણદિને માણસામાં રાખવામાં આવેલી જાહેરસભામાં આ જૈન સાધ્વીએ આપેલું ભાવનાસભર વક્તવ્ય સહુના ચિત્તમાં સદાને માટે જડાઈ ગયું. એક જૈન સાધ્વીશ્રી આવા વિષય પર વ્યાખ્યાન આપે, તે જ અનોખી ઘટના હતી. વળી ઉપાશ્રયને બદલે જાહેરસભામાં વ્યાખ્યાન આપે, તે વિશિષ્ટ ગણાય અને વ્યાખ્યાનમાં કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક વિષયને બદલે મહાત્મા ગાંધીજીના જીવનકાર્ય પ્રત્યે આદર પ્રગટ કરે, તે તો એથીય મોટી વાત. આવા સમયે સાધ્વીશ્રી સામે કેટલો વિરોધ થયો હશે, તે કલ્પી શકાય, પણ વિરોધને વિનોદમાં પલટાવવાની સાધ્વીશ્રી પાસે અભુત કળા હતી. વળી વિરોધ કરનાર એકવાર એમનું વ્યાખ્યાન શ્રવણ કરે
એટલે એની મનોવૃત્તિ બદલાઈ જતી.
સાધ્વીજી મહારાજ “શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં બિરાજમાન હતાં, ત્યારે ઈ. સ. ૧૯૬૭માં નમિનાથના ઉપાશ્રયમાં ચોમાસું કરવાનું નક્કી થઈ ગયું હતું. અમુક ટ્રસ્ટીઓને પ્રશ્ન થયો કે, “કલ્પસૂત્ર કોણ વાંચશે?” તે સમયે શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ કહ્યું, ‘સાધ્વીજી મહારાજ વાંચશે.”
સાધ્વીજી કલ્પસૂત્ર વાંચશે એવી જાહેરાત થતાં જ માધવજીભાઈએ કહ્યું, ‘આજ સુધી આવું બન્યું નથી. સાધ્વીજીને આવો અધિકાર નથી. જો આવું થશે તો ઠંડા ઊછળશે.’
ત્યારબાદ માધવજીભાઈ મહાવીર જૈન વિદ્યાલયમાં સાધ્વીજી પાસે આવ્યા અને જણાવ્યું કે, “આપના ગુરુ પૂ. વિજયવલ્લભસૂરિજીએ તો સાધ્વીજીને કલ્પસૂત્ર વાંચવાની મનાઈ કરી છે.' ત્યારે સાધ્વીજી મહારાજે સ્પષ્ટ કર્યું, ‘પૂ. વલ્લભસૂરિજી નાના હતા ત્યારે એમણે આ વાત લખી હતી, પણ પછી તેમણે કલ્પસૂત્રની બીજી આવૃત્તિમાં લખ્યું કે મારા પહેલાંના વિચારો બદલાઈ ગયો છે. હવે હું એ વિચારના પક્ષમાં છું કે સાધ્વીજી મહારાજ બારસાસૂત્ર, કલ્પસૂત્ર બધું વાંચી શકે. આથી અમે એમની આજ્ઞાથી જ વાચન કરીએ છીએ.”
મુંબઈના મહાનગરમાં અગાઉ ક્યારેય ન બની હોય તેવી ઘટના બની અને સાધ્વીશ્રી દ્વારા પર્યુષણ પર્વ દરમિયાન ‘શ્રી કલ્પસૂત્ર'નું વાચન થયું. એ સમયે વ્યાખ્યાનમાં શ્રાવિકા જેટલી જ ઉપસ્થિતિ શ્રાવકોની હતી. સાધ્વીશ્રી પહેલાં પ્રાકૃત ભાષામાં લખાયેલી કલ્પસૂત્રની મૂળ ગાથાનું ઉચ્ચારણ કરતાં હતાં અને એ પછી એનું હિંદી ભાષામાં વિસ્તૃત વિવરણ આપતાં હતાં.
સાધ્વીશ્રીએ વ્યાખ્યાન આપ્યું. એનું શ્રવણ કરીને સ્વયં માધવજીભાઈ ધન્ય થઈ ગયા. તેઓએ પ્રસન્નતા પ્રગટ કરતાં કહ્યું કે ‘પચાસ-પચાસ વર્ષથી કલ્પસૂત્ર સાંભળતો આવ્યો છું, પરંતુ એ સમજાયું તો અત્યારે.’
આ સમયે વિદ્વાન અને શ્રેષ્ઠિવર્ય શ્રી અમૃતલાલ કાળીદાસે માધવજીભાઈને માર્મિક રીતે પૂછવું, ‘જુઓ તો ભાઈ, ઠંડા ઊછળ્યા?”
૧૯૫૮માં મોરારજીભાઈ દેસાઈ અંબાલા કૉલેજમાં આવ્યા હતા અને આ કૉલેજમાં દીક્ષાંત સમારોહમાં શ્રી મોરારજીભાઈ દેસાઈની હાજરીમાં
- ૩૩ -