Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હરિભદ્રસૂરિજી આવા જ હતા. આથી જ એમની કૃતિઓમાં આપણને અપૂર્વતા જોવા મળે છે, નવા-નવા પદાર્થો જાણવા મળે છે.
- હરિભદ્રસૂરિજી આ ચૈત્યવંદન સૂત્ર માટે કહે છે : આ અનુષ્ઠાન સમાધિનું નહિ, મહાસમાધિનું બીજ છે. આ વાત માત્ર તેઓ લખવા ખાતર નથી લખતા, સ્વયં તેવું જીવીને લખે છે. એમના જીવનમાં ગુરુ-પરંપરા, બુદ્ધિ અને અનુભવ - ત્રણેનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે. જ્યાં આ ત્રણ હોય ત્યાં અપૂર્વ વચનો જોવા મળે જ.
- સદ્ગુણો પારકી વસ્તુ નથી, આપણી જ છે. સ્વચ્છતા બહારની વસ્તુ નથી. અંદરની જ છે. કચરો કાઢો એટલે સ્વચ્છતા હાજર ! દુર્ગુણો કાઢો એટલે સગુણો હાજર ! આ સદ્ગુણો તો આપણા પોતાના છે. બહારથી ક્યાંયથી મેળવવાના નથી, અંદર રહેલા છે, તેનો માત્ર ઉઘાડ કરવાનો છે. દુર્ગણો તમે હટાવો એટલે સદ્ગુણો પ્રગટ થવાના જ.
- આઠ યોગ અંગોમાં છેલ્લા ત્રણ ધારણા, ધ્યાન અને સમાધિ છે. આઠેય અંગોનું ફળ છેલ્લે સમાધિમાં પ્રગટે છે. શ્રદ્ધા આદિમાં આઠેય અંગ જોવા મળશે. ધારણા તો છે જ. અનુપ્રેક્ષામાં ધ્યાન આવી ગયું અને કાઉસ્સગ્નમાં સમાધિ આવી.
એના પહેલાના પાંચેય અંગો (યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર) પણ અહીં સમાવિષ્ટ છે જ.
અહીં યમ, નિયમ વગરનો માણસ આવી શકે જ નહિ. જિનમુદ્રામાં “આસન' આવી ગયું.
બહિર્ભાવનું રેચક, આત્મભાવનું પૂરક અને કુંભક એ દ્વારા ભાવ પ્રાણાયામ આવી ગયું.
ઈન્દ્રિયોને બહિર્ગામી બનતી રોકીને અન્તર્ગામી બનાવી તેમાં પ્રત્યાહાર આવી ગયું.
શું બાકી રહ્યું અહીં ? એક ચૈત્યવંદનને તમે વિધિપૂર્વક અને હૃદયપૂર્વક કરો તો ઠેઠ મહાસમાધિ સુધી પહોંચી શકો છો.
૩૪૨
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪