________________
૭૮
જૈનદર્શન
સાચું કે નિયત કારણથી નિયત કાર્યની ઉત્પત્તિ થાય છે અને આ પ્રકારના નિયતત્વમાં કોઈ પરિવર્તન થઈ શકતું નથી પરંતુ આ કાર્યકારણભાવની પ્રધાનતાનો સ્વીકાર કરવામાં આવતાં તો નિયતિવાદ પોતાના નિયત રૂપમાં રહી શકતો નથી.
કારણ હેતુ
જૈનદર્શનમાં કારણને પણ હેતુ માનીને તેના દ્વારા અવિનાભાવી કાર્યનું જ્ઞાન કરાવવામાં આવે છે અર્થાત્ કારણને જોઈને કાર્યકારણભાવની નિયતતાના બળે તેનાથી ઉત્પન્ન થનાર કાર્યનું પણ જ્ઞાન કરવું અનુમાનપ્રણાલીમાં સ્વીકૃત છે. પરંતુ તેની સાથે બે શરતો લાગેલી છે - ‘જો કારણસામગ્રીની પૂર્ણતા હોય અને કોઈ પ્રતિબંધક કારણ ન આવી પડે તો અવશ્ય જ કારણ કાર્યને ઉત્પન્ન કરશે.' જો સમસ્ત પદાર્થોનું બધું જ નિયત હોત તો કોઈ નિયત કારણથી નિયત કાર્યની ઉત્પત્તિનું ઉદાહરણ પણ આપી શકાયું હોત, પરંતુ સામાન્યપણે કારણસામગ્રીની પૂર્ણતાની અને અપ્રતિબન્ધની ખાતરી એટલા માટે આપી શકાતી નથી કેમકે ભવિષ્ય સુનિશ્ચિત નથી. તેથી એ વાતની સાવધાની રાખવામાં આવે છે કે કારણસામગ્રીમાં કોઈ બાધા ઉત્પન્ન ન થાય. આજના યન્ત્રયુગમાં જો કે મોટાં મોટાં યન્ત્રો પોતાના નિશ્ચિત ઉત્પાદનના આંકડાઓનાં ખાનાં પૂરા કરી દે છે પરંતુ તેમના કાર્યકાલમાં ખૂબ સાવધાની અને સતર્કતા રાખવી પડે છે. તેમ છતાં પણ ક્યારેક ક્યારેક ગડબડ થઈ જાય છે. બાધા આવવાની અને સામગ્રીની ન્યૂનતાની (વિકલતાની) સંભાવના જ્યારે છે ત્યારે નિશ્ચિત કારણથી નિશ્ચિત કાર્યની ઉત્પત્તિ સંદિગ્ધકોટિમાં જઈ પડે છે. તાત્પર્ય એ કે પુરુષનો પ્રયત્ન એક હદ સુધી ભવિષ્યની રેખાને બાધે પણ છે, તો પણ ભવિષ્ય અનુમાનિત અને સંભવિત જ રહે છે. નિયતિ એક ભાવના છે.
આ નિયતિવાદનો ઉપયોગ કોઈ ઘટના બની ગયા પછી શ્વાસ ખાવા માટે અને મનને મનાવવા માટે તથા આગળ ઉપર ફરી કમર કસીને તૈયાર થઈ જવા માટે કરી શકાય છે, અને લોકો કરે પણ છે, પરંતુ એટલા માત્રથી તેના આધારે વસ્તુવ્યવસ્થા કરી શકાય નહિ. વસ્તુવ્યવસ્થા તો વસ્તુના વાસ્તવિક સ્વરૂપ અને પરિણમન પર જ નિર્ભર કરે છે. ભાવનાઓ ચિત્તના સમાધાન માટે ભાવવામાં આવે છે અને ભાવનાઓથી તે ઉદ્દેશ્ય સિદ્ધ થઈ પણ જાય છે, પરંતુ તત્ત્વવ્યવસ્થાના ક્ષેત્રમાં ભાવનાનો ઉપયોગ નથી. ત્યાં તો વૈજ્ઞાનિક વિશ્લેષણ અને