Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સાધનો કે ઉપકરણો દ્વારા જાણી શકાતા નથી. તેને કોઈ અવરોધ નડતો નથી. તે પ્રકાશની પ્રચંડ ગતિથી પૃથ્વીની આરપાર નીકળી જાય છે. આખા વિશ્વમાં ન્યુટ્રિનો ધોધની જેમ વહી રહ્યા છે.
વિજ્ઞાન હવે એ પણ સ્વીકારે છે કે ન્યુટ્રિનો કરતાં પણ વધુ સૂક્ષ્મ અણુકણિકાનું અસ્તિત્વ હોઈ શકે છે ! છતાં સદીઓ જૂના પૂર્વગ્રહને કારણે વૈજ્ઞાનિકો હજુ આત્મા અને કર્મનો સ્વીકાર કરતા અચકાય છે. ‘આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ.'
જો ન્યુટ્રિનોનો અવિરત ધોધ પૂરા વિશ્વમાં વર્ષી રહ્યો હોય, તો કર્મના પુદ્ગલના વિશ્વવ્યાપી ગતિશીલ અસ્તિત્વને કેમ નકારી શકાય ?
જોકે હવે નવી પેઢીના વૈજ્ઞાનિકોના વલણમાં ફેરફાર થઈ રહ્યો છે. તેઓ આત્મા અને કર્મનો સ્પષ્ટ સ્વીકાર નથી કરતા, પણ ચેતનતત્ત્વ Consciousnessની સંભાવના વિશે વિચાર અને ચર્ચા કરતા થયા છે. Consciousness and Cosmos as giant computer :
હવે જ્યારે વિજ્ઞાન ચેતન વિશે ચર્ચા કરતું થયું ત્યારે વૈજ્ઞાનિકોનો વિશ્વના સ્વરૂપ વિશેનો અદ્યતન અભિગમ આપણી સામે આવે છે.
હવે વૈજ્ઞાનિકો અભિપ્રાય આપે છે કે વિશ્વ એક વિશાળ કૉમ્પ્યુટર છે. વિશ્વના સર્જન સમયે મહાવિસ્ફોટ થયો ત્યારે વિશ્વ એક સૂક્ષ્માતિસૂક્ષ્મ બિંદુ હતું. ત્યારે જ તેની કાયામાં તેના ભવિષ્યનો કાર્યક્રમ નોંધાઈ ગયો હતો. એ કાર્યક્રમને વિશ્વ આજ સુધી વફાદારીથી અમલમાં મૂકી રહ્યું છે. એ સૂક્ષ્માતિસૂક્ષ્મ બિંદુ વિશ્વના વિસ્તાર સાથે તેના ઘટકો અને નિયમો ક્રમ પ્રમાણે અસ્તિત્વમાં આવતા ગયા અને વિકસતા ગયા. પદાર્થ અને ઊર્જાના વિકાસ પછી વિશાળ તારા અને આકાશગંગા અસ્તિત્વમાં આવ્યા. તેની સાથે સાથે કોમ્પ્યુટરના કાર્યક્રમ પ્રમાણે ચેતનતત્ત્વ પણ અંકુરિત થયું. આ ચેતનતત્વ પ્રાથમિક પદાર્થોમાં સર્વવ્યાપીરૂપે અવિકસિત અવસ્થામાં અબજો વર્ષ રહ્યા પછી ધીરે ધીરે ઉત્ક્રાંતિ પામતું ગયું છે અને છેવટે બુદ્ધિશાળી, પ્રશાશીલ જીવન અસ્તિત્વમાં આવ્યું છે.
આ અનુમાન(Hypothesis)માં થોડા શબ્દોના ફેરફાર કરવામાં આવે, અને પૂરા વિશ્વમાં ફેલાયેલા નિગોદના જીવો, તેમાંથી વિકસેલા પૃથ્વીકાયના જીવો અને પછી અકાય, વાયુકાય, અગ્નિકાય, વનસ્પતિકાય વગેરે શબ્દોને સ્થાપવામાં આવે તો આ વૈજ્ઞાનિક ચિત્ર જૈન જીવ-જગતના આલેખનથી જુદું પડે ખરું ?
જ્ઞાનધારા - ૩
૨૦૦
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩