Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૬
શ્રુતજ્ઞાનદાતા પંડિતવર્ય શ્રી છબીલદાસ કે. સંઘવી
Jain Education International
ૢ પૂ. મુનિશ્રી જિનકીર્ત્તિવિજયજી મ.સા. જ
માનસરોવરમાંથી હંસ ઊડી જાય તો હંસને કાંઈ જ નુકશાન નથી. નુકશાન માનસરોવરને જ થાય તે શબ્દો પંડિતવર્યશ્રીના મુખે અનેક ગુણાનુવાદના પ્રસંગે સાંભળ્યા હતા. તે જ શબ્દો આજે તે જ વડીલશ્રીને લાગુ પડે છે. પંડિતજીની વિદાયથી અગણિત નુકશાન જ્ઞાનપિપાસુઓને જ થવાનું છે. લગભગ ૬૫ વર્ષ જ્ઞાનગંગા વહેવડાવનાર શ્રીમાન્ પંડિતવર્યશ્રીની સદ્ગતિ તો નિશ્ચિત જ હોય—જે જ્ઞાનગંગાનો શૂન્યાવકાશ પડશે તેને શાસનદેવ જ કાંઈક અંશે પરિપૂર્ણ કરશે.
શ્રી સ્થંભનતીર્થ તપગચ્છ જૈન સંઘની-શ્રી ભટ્ટીબાઈ સંસ્કૃત પાઠશાળા (લ. કે. બુ. સ્વાધ્યાયમંદિર)ના પંડિતવર્યશ્રીની પોતાની આગવી સૂઝ મુજબની સેવા સદા અવિસ્મરણીય રહેશે. જીવનના અંત સુધી શ્રુતજ્ઞાનની હાલતી ચાલતી/જંગમ પાઠશાળા જેવું તેઓનું જીવન હતું. અભ્યાસ કરનાર મુમુક્ષુઓ, સાધુ ભગવંતો, સાધ્વીજીઓ અને અન્ય સર્વને ગચ્છ કે સંપ્રદાયના ભેદ વગર અભ્યાસ કરાવ્યો. તેઓશ્રીએ કરાવેલ અભ્યાસથી આજે પણ અનેક આચાર્યભગવંતો, પદસ્થ મુનિભગવંતો, સાધુ-સાધ્વી ભગવંતો શોભા વધારી રહ્યા છે, આત્મકલ્યાણ કરી રહ્યા છે. જીવનમાં સંઘર્ષ ઘણો અનુભવ્યો. કર્મસત્તાએ ચેલેન્જ કરે તેવાં દુ:ખો આપ્યાં પણ માધ્યસ્થ ભાવે સહન કર્યા. યુવાન વયના પુત્રનું કીડનીની બિમારીથી પરભવપ્રયાણ, તેમના પત્નીનું ભવપ્રયાણ, નાની ઉમંરના દીકરી-જમાઈનું અકસ્માતમાં ભવપ્રયાણ, નાના જમાઈનું ભવપ્રયાણ, આ બધા જ સંકલેશ કરાવે તેવા પ્રસંગોમાં પંડિતવર્યશ્રીની સમાધિ ભાવનાનાં જે દર્શન થયાં છે તે તેઓશ્રીના જ્ઞાન-ધ્યાનની ઊંડી સમજને કારણે જ બની શક્યું છે. ભલભલા આવા આઘાતજનક પ્રસંગે સમાધિ ગુમાવી બેસે પરંતુ જ્ઞાનની પરિપક્વતાના કારણે જ પંડિતવર્યશ્રી તેનું સંસ્મરણ સાક્ષી ભાવે કરતા. આથી જ તેમના આત્માને વંદન કરવાનું મન થઈ જાય છે.
મારા સાંસારિક જીવનમાં મારી ત્રણે પુત્રીઓના સંયમ પ્રયાણના શુભપ્રસંગે હાજર રહી વડીલ તરીકે માર્ગદર્શન આપેલ. તેઓના ભવપ્રયાણના દિવસે પૌત્રીવત્ સાધ્વીજી શ્રી આનંદપૂર્ણાશ્રીજી આદિ તેઓશ્રીને ત્યાં અભ્યાસ માટે ગયા ત્યારે પંડિતજીના મંગલ ભવપ્રયાણથી વિષાદગ્રસ્ત બની ઉપાશ્રયે પાછાં આવ્યાં. પંડિતવર્યશ્રીના ગુણોનો કોઈ પાર નથી. શાસન સેવા અને શ્રુતસેવાથી ઓતપ્રોત બનેલ તેઓશ્રીના અનેક ગુણૌ પૈકી કોઈક ગુણ અમારા જીવનમાં પ્રગટે તેવી મંગલ પ્રાર્થના.
જ્ઞાન પુષ્પાંજલિ
For Private & Personal Use Only
www.jainelibrary.org