________________
અત્રે આલેખાયેલ દાદાશ્રીના પૂર્વાશ્રમની બધી જ વાત નિમિત્તાધીન નીકળે છે, પણ અંદરથી એમને પોતાને આત્મદશાની સંપૂર્ણ જાગૃતિ વર્તે છે.
એક વખત સત્સંગમાં રાત્રે એમના ફેમિલીની વાતો નીકળી હતી. તેમાં જાતજાતની વાતો લોકોએ પૂછી અને દાદાશ્રીએ વાતો કરી કે “અમારા ભાઈ, અમારા ભાભી, અમારા મધર આવા, અમારા ફાધર આવા.” તેઓશ્રી છેલ્લે કહે છે, “આજે તમે તો બધા ઓઢીને સૂઈ જશો, મારે તો આખી રાત પ્રતિક્રમણ કરવાના. કારણ કે અમે આત્મા છીએ, આત્માને ભાઈ ના હોય ને ભાભીય ના હોય. તેય બધા આત્મા છે, પણ બધાને રિલેટિવ સ્વરૂપે જોયા. એટલે અમારે આખી રાત આજે આ જેટલા રાગ-દ્વેષવાળા વાક્યો બોલ્યા તે બધા પ્રતિક્રમણ કરીને ભૂસવા પડશે !
અહીં એમની એ સમજણ દૃષ્ટિગોચર થાય છે કે પોતે આજે જે આત્મસ્વરૂપ છે તે સ્વરૂપમાં જ વર્તવા માગે છે. પૂર્વે ઉદયમાં આવેલી દશાઓમાં પોતે આજે નથી, આજે આત્મારૂપ પોતે છે, છતાં પોતાનો પૂર્વાશ્રમ પાણીમાં બોલ્યા, તે નિશ્ચય દૃષ્ટિએ ભૂસી નાખવું પડે. બોલતી વખતેય જાગૃતિ હોય જ કે “આ હું નથી, એ પોતે તે નથી, એય આત્મા છે, હુંયે આત્મા છું.” છતાં બોલવાનું ઉદયમાં આવ્યું માટે ચોખ્ખું કરવું પડે. પ્રગટ જ્ઞાન અવતારની આ જ અદ્ભુતતા છે. પોતાનું આત્માપણું ચૂકવું નથી અને જ્ઞાન પહેલાં અજ્ઞાન દશામાં વ્યવહારની ભૂલોના પ્રસંગો પોતાના જીવનમાં જે બન્યા તે ખુલ્લા કર્યા અને ચોખ્ખા કરી નાખ્યા. જોડે જોડે નિશ્ચયથી તત્વદૃષ્ટિ ચૂકાય નહીં, તે વાતેય ખુલ્લી કરી. આમ નિશ્ચયવ્યવહાર અને શુદ્ધતામાં આવી ગયા. તેથી તો તેઓ “અક્રમ વિજ્ઞાનના પ્રણેતા” બની અનેકોના કલ્યાણનું નિમિત્ત બની શક્યા.
આવા તો ઘણાં બધા પ્રસંગો અહીં આલેખાયેલા છે, જેના અધ્યયને આપણને એમના અનેરા વ્યક્તિત્વનો આસ્વાદ માણવા મળે છે ને અહો અહો થાય છે. ધન્ય છે એ અંબાલાલને ! ધન્ય છે એમના માતા-પિતાને ! ધન્ય છે એમના રાજેશ્રી કુળને !
અંબાલાલ મૂળજીભાઈ પટેલ તરીકે એમનું જીવન શરૂ થયું
16