Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
(૩) આત્માને પોતાના સ્વરૂપમાં ઠરવામાં અટકાયત કરનાર, અંતર્મુખતામાં પ્રતિબંધક બનનાર એવું આત્મસ્વભાવવિરોધી બળ ‘સહજમળ’ તરીકે ઓળખાય છે. તે સહજમળ ત્યારે પ્રચુર પ્રમાણમાં શિથિલ થાય છે. સહજમળનો રેચ થવાની પૂર્વભૂમિકા રચાય છે.
(૪) પૂર્વે જણાવેલ ત્રિવિધ સંસારને અભિનંદવાની પાત્રતા આ જીવમાંથી હવે ઘટતી જાય છે. ક્ષુદ્રતા, લાભરતિ, દીનતા વગેરે દોષોથી વણાયેલી ભવાભિનંદિતાનો હ્રાસ થાય છે.
(૫) અશુદ્ધ ભાવોથી વણાયેલી એવી પાપનો અનુબંધ પડવાની પાત્રતા ક્રમશઃ રવાના થાય છે. દીર્ઘકાલીન સાનુબંધ એવા પાપ કર્મના સંપર્કમાં આવવાની જીવની યોગ્યતા ખતમ થતી જાય છે. પાપના તીવ્ર અનુબંધ પાડનારી આત્મદશા ખલાસ થતી જાય છે.
(૬) વિંશિકાપ્રકરણ વગેરેમાં વર્ણવેલ ભવબાલદશા જાય છે, ધર્મયૌવનદશા પ્રવર્તે છે. (૭) વર્ધમાન ગુણોથી યુક્ત બનતી એવી અપુનર્બંધકદશાને જીવ પ્રાપ્ત કરે છે. પાપને વિશે તીવ્ર બહુમાન ભાવ, સંસારની આસક્તિ વગેરે દોષો અપુનર્બંધકદશામાં હોતા નથી. * મિત્રા-તારાદૃષ્ટિના ગુણવૈભવને નિહાળીએ
(૮) ષોડશક, યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ, દ્વાત્રિંશિકા પ્રકરણ વગેરેમાં દર્શાવેલ (A) ઔદાર્ય, એ (B) દાક્ષિણ્ય, (C) પાપજુગુપ્સા, (D) નિર્મળ બોધ, (E) દુ:ખી જીવોની દયા, (F) ગુણવાનને વિશે અદ્વેષ (ઈર્ષ્યાનો ત્યાગ), (G) સાર્વત્રિક ઔચિત્યસેવન, (H) યોગની કથામાં અખંડ પ્રીતિ, (I) યોગી પ્રત્યે બહુમાન-આદરભાવ, (J) કૃતજ્ઞતા, (K) પ્રકૃતિની ભદ્રકતા, (L) શાંતતા, (M) ઉદાત્તતા, (N) વિનીતતા, (0) મૃદુતા, (P) નમ્રતા, (Q) સરળતા, (R) ક્ષમા, (S) સંતોષ, (T) નિર્ભયતા, (U) પ્રમોદભાવ, (V) ગુણાનુરાગ, (W) વિચક્ષણતા, (X) અશુભ પ્રવૃત્તિના ત્યાગના લીધે સંસારના તીવ્ર ભયનો એ અભાવ, (૪) શિષ્ટ પુરુષો પ્રત્યેનો દૃઢ વિશ્વાસ, (Z) `સફલારંભિતા વગેરે ગુણોનો વૈભવ પ્રગટે છે.
* પોતાના જ નિર્મળસ્વરૂપની હિંસાથી અટકીએ
૫૦૪
(૯) અનાદિ કાળથી પ્રવૃત્ત થયેલ આત્મતત્ત્વનો દ્વેષ, આત્માની ઘોર ઉપેક્ષા, આત્માનો તિરસ્કાર -ધિક્કાર, આત્માની અત્યન્ત વિસ્મૃતિ વગેરે રવાના થવાના લીધે, તે દ્વેષ વગેરેથી પોતાના જ નિર્મળ ॥ સ્વરૂપની ઘોર હિંસા કરનારી જે ઘાતક ચિત્તવૃત્તિ પ્રવર્તતી હતી, તે ચિત્તવૃત્તિ હવે રવાના થાય છે.
* આપણા આત્માને સંભાળીએ ♦
(૧૦) પોતાના નિર્મળ આત્મસ્વરૂપની ઘોર હિંસાને અટકાવવા વગેરેની પરિણતિના બળથી સાધકમાં આત્મતત્ત્વની તાત્ત્વિક રુચિ પ્રગટે છે. પોતાના આત્મા પ્રત્યે બીજાને દેખાડવા માટે આડંબરાત્મક નહિ પણ આંતરિક ભાવાત્મક બહુમાન, લાગણી, લગની તેના અંતરમાં સતત ઉછળે છે. આત્માને પ્રગટ કરવાનો તલસાટ વધે છે. ‘આત્મા જ પ્રગટ કરવા યોગ્ય છે' - તેવી શ્રદ્ધા દૃઢ બનતી જાય છે. સાંસારિક પ્રવૃત્તિઓમાં પણ આત્મા ભૂલાતો નથી. આત્મા જ સતત નજરાયા કરે છે. આત્માને જ તે સતત સંભારે છે, સંભાળે છે, સાંભળે છે, સંભળાવે છે, સાચવે છે, સ્વચ્છ કરે છે. આત્માનું આત્મગુણોનું જ તે સંવર્ધન કરે છે. આત્મસાક્ષાત્કાર અંગેની તેની પ્યાસ વધતી જાય છે.
=
૧. સફલારંભિતા એટલે જે કાર્ય કરવાથી કાળક્રમે અવશ્ય આધ્યાત્મિક ફળ મળે જ તેવી પ્રવૃત્તિ કરવી. સમય પસાર કરવા માટે કે ‘લાગ્યું તો તીર, બાકી તુક્કો'- આવી ગણતરીથી પ્રવૃત્તિ ન કરવી.