________________
૩૭૦
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩૪ કરવાથી સંયમમાં વિઘ્નનો પરિહાર કે અન્ય કોઈ લાભ થતો હોય તો દોષની પ્રશંસા પણ ઇષ્ટ બને છે. તેથી પરિણામના ભેદથી દોષની પ્રશંસા પણ ઈષ્ટ કે ગુણની પ્રશંસા અનિષ્ટ બને છે. તેની પુષ્ટિ કરવા અર્થે કલ્પાકલ્પના વિભાગને આશ્રયીને વાચકમુખ્ય ઉમાસ્વાતિ મહારાજાના વચનની સાક્ષી આપેલ છે. તેથી જેમ અકથ્ય પણ પિંડ, શયાદિ સંયમવૃદ્ધિનું કારણ બને તો ઇષ્ટ છે, તેમ પાર્થસ્થાદિમાં વર્તતા અવિદ્યમાન ગુણોની પ્રશંસા પણ સંયમવૃદ્ધિનું કારણ બને તો ઇષ્ટ છે.
અહીં પૂર્વપક્ષીને ગ્રંથકારશ્રી કહે કે અનિષ્ટની પ્રશંસા મોહથી=અજ્ઞાનથી, અને પ્રમાદથી થાય છે અર્થાત્ આ ગુણો નથી, દોષ છે તેવા અજ્ઞાનથી પાર્શ્વસ્થની પ્રશંસા થાય છે. અથવા આ સાધુ શિથિલ છે તેનું જ્ઞાન હોવા છતાં તેના પ્રત્યેના રાગથી પ્રમાદને વશ તેની પ્રશંસા થાય છે. તેમ મોહથી અને પ્રમાદ આદિથી માનસઅનુમોદનાનો પરિણામ પણ થાય છે. માટે જે પ્રશંસાનો વિષય છે, તે જ અનુમોદનાનો વિષય છે. તેથી અનુમોદના અને પ્રશંસાનો વિષયભેદ નથી. આ કથનમાં પૂર્વપક્ષી કહે છે કે કોઈ વ્યક્તિ અસદ્ગણોની પ્રશંસા કરે ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે અને કોઈ વ્યક્તિ અસદ્દગુણોની અનુમોદના કરે ત્યારે ચારિત્રનો ભંગ થાય છે. માટે અનિષ્ટ એવા અવિદ્યમાન ગુણોની પ્રશંસામાં અતિચારની પ્રાપ્તિ અને અનુમોદનામાં ભંગની પ્રાપ્તિ હોવાથી પ્રશંસા-અનુમોદનામાં ભેદ છે.
આશય એ છે કે પાર્થસ્થાદિમાં સંયમના ગુણો નથી છતાં માનાદિ કષાયના વશથી કોઈ સાધુ તેની પ્રશંસા કરે તો તે પ્રશંસામાં તેના સંયમમાં અતિચારની પ્રાપ્તિ થાય છે અને કોઈ સાધુને તે પાર્થસ્થના ગુણો પ્રત્યે અનુમોદનાનો પરિણામ થાય તો સંયમના ભંગની પ્રાપ્તિ થાય છે. તેથી પ્રશંસાનો અને અનુમોદનાનો ભેદ છે. તેમ પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે –
કોઈ સાધુ પાર્થસ્થના ગુણોની પ્રશંસા સંયમની વૃદ્ધિ અર્થે કરે તો અતિચારનો અભાવ છે. જેમ કારણિક અશુદ્ધ ભિક્ષા ગ્રહણ કરનાર સુસાધુના ગુણની પ્રશંસા કરવામાં અતિચારની પ્રાપ્તિ નથી, માટે અનિષ્ટ એવા અવિદ્યમાન ગુણોની પ્રશંસામાં અતિચાર છે, એ પ્રકારનું પૂર્વપક્ષીનું વચન બરાબર નથી.
વળી, મોહાદિને વશ થઈને કોઈ પાર્થસ્થાદિના ગુણની પ્રશંસા કરે ત્યારે તે અનભિમત ઉપચાર હોવાથી ક્યારેક અતિચારની અને ક્યારેક ભંગની પણ પ્રાપ્તિ થાય તેનું કારણ તે અનુમોદના કરનારા પરિણામનો ભેદ જ પ્રયોજક છે. તેથી પ્રશંસામાં અતિચાર લાગે અને અનુમોદનામાં ભંગની પ્રાપ્તિ છે ત્યાં પણ પરિણામનો ભેદ જ પ્રયોજક છે, વિષયભેદ પ્રયોજક નથી.
જેમ કોઈ સાધુ અવિદ્યમાન ગુણવાળા એવા પાર્થસ્થના ગુણની પ્રશંસા કરે, તે પ્રશંસા અપવાદથી શાસ્ત્રસંમત ન હોય અને અનાભોગ-સહસાત્કારથી કરે તો અતિચાર લાગે, પરંતુ જો ભગવાનના વચનથી નિરપેક્ષ થઈને પાર્થસ્થના ગુણની પ્રશંસા કરે તો ચારિત્રના ભંગની પ્રાપ્તિ થાય. તેમ કોઈ સાધુને પાર્થસ્થાદિમાં વર્તતા અસંયમના પરિણામમાં બહુમાનનો ભાવ થાય તો અનુમોદનામાં પણ ભંગની પ્રાપ્તિ થાય. માટે પ્રશંસા-અનુમોદનાનો ભેદ નથી.