________________
વિમલ વસહીની ડાબી બાજુએ લગભગ ચૌદ મંદિરો છે અને જમણી બાજુએ લગભગ પચ્ચીસ મંદિરો છે.
જૈનો આ સ્થળનો દાદાના દરબાર તરીકે ઉલ્લેખ કરે છે. તેમાં ચારે બાજુ મળીને ૧૯૭૨ દેરીઓ, ૨૯૧૩ આરસની પ્રતિમાઓ, ૧૩૧ ધાતુની પ્રતિમાઓ અને ૧૫00 પગલાંની જોડ આવેલી છે.
વિમલ વસહીના મંદિરોના સ્તંભો, દીવાલો, ઘૂમટો વગેરેમાં અનુપમ પ્રકારનું કોતરકામ છે. તે શિલ્પકામના ઉત્તમ નમૂનાઓ છે.
દાદાનું દેરાસર મૂળ જમીનથી બાવન હાથ ઊચું છે. આ દેરાસરના આગળના શિખરમાં ૧૨૪૫ કુંભનાં મંગલ ચિહ્નો છે. તેમાં ૨૧ સિંહના વિજ્યચિહ્નો છે. તેની ચારે દિશાએ ચાર યોગિની, દશ દિકપાલો તેનું રક્ષણ કરે છે. તેની ચારે તરફ દેવકુલિકાઓ અને દેરીઓ છે. મંદિરમાં ચોવીસ આરસપહાણના હાથીઓ અને બોતેર આધાર સ્તંભો છે શરૂઆતમાં મંદિરનું નામ “ત્રિભુવન પ્રસાદ” હતું. ખંભાતના તેજપાલ સોનીએ, વિક્રમ સંવત ૧૬૫૦માં તેનો જીર્ણોદ્ધાર કરાવ્યા પછી તેનું નામ નંદીવર્ધન પ્રાસાદ' પાડવામાં આવ્યું હતું. તેજપાલ સોનીની ઉદારતા જોઇને લોકોએ તેને “કુબેર ભંડારી'નું બિરૂદ આપ્યું હતું. )
દાદાના દેરાસરની બાજુમાં જમણે અને ડાબે પડખે બે ભવ્ય જિનાલયો છે. જમણી બાજુનું મંદિર શ્રી સીમંધર સ્વામીનું છે. તે વસ્તુપાલ તેજપાલે બંધાવ્યું હતું. તેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા છે. ડાબી બાજુના મંદિરમાં નવા આદીશ્વરની પ્રતિમા પધરાવેલી છે.
એવી કિંવદંતી છે કે તે પણ વસ્તુપાલ તેજપાલે બંધાવ્યું હતું. અહીં મંત્રીશ્વર વિમલશાહે બંધાવેલ મંદિરમાં નેમકુમારનાં જીવનનાં દ્રશ્યો, નેમનાથનાં કલ્યાણકો, નેમનાથની ચોરી વગેરે દ્રશ્યો છે.
અહીં મહારાજ સંપ્રતિ, કુમારપાળ, મંત્રીશ્વર વિમલશા, વસ્તુપાલ, તેજપાલ, મંત્રીશ્વર ઉદયનના પુત્ર વામ્ભટ્ટ, પેથડશા, તેજપાલ સોની અને સમરશાના મંદિરો આવેલાં છે.