________________ ભારતીય દર્શનોમાં પરિણામવાદ પરંતુ તે પૂર્વે સાંખનો એક મહત્ત્વનો સિદ્ધાંત જાણવો જરૂરી છે. તે છે સાંખ્યની ત્રિગુણ વ્યવસ્થા. પ્રકૃતિ છેવટે છે શું? તેનું સ્વરૂપ કેવું છે? તેના ઉત્તરમાં સાંખ્યદર્શન કહે છે કે પ્રકૃતિ એ ત્રણ ગુણોની સામ્યવસ્થા છે. આ ત્રણ ગુણો એટલે સત્ત્વગુણરજોગુણ અને તમોગુણ. આ ત્રણ ગુણોનો પરિચય આપણે થોડા સમય પછી કરીશું. આ ત્રણ ગુણોના વૈષમ્યના કારણે પ્રકૃતિમાં સૃષ્ટિસર્જનની પ્રક્રિયા આરંભાય છે. પ્રકૃતિમાં જે ગુણ અર્થાત્ રજોગુણ ચંચળ છે, તેથી તે સ્થિર રહી શકતો નથી. એટલે સામ્યવસ્થામાં પણ તેની ક્રિયા તો ચાલ્યા જ કરે છે. તેથી પ્રકૃતિમાં પરિણામ તો સતત ચાલતું જ હોય છે. પણ સામ્યાવસ્થામાં ગુણોનું વૈષમ્ય હોતું નથી. તેથી તે પરિણામ એક સમાન હોય છે. તેને સદશ પરિણમન કહે છે. પરંતુ પુરુષની સન્નિધિથી જ્યારે પ્રકૃતિમાં ક્ષોભ થાય છે, ત્યારે ગુણોમાં વૈષમ્ય આવે છે અને પછી ભિન્ન ભિન્ન પરિણમન થવા લાગે છે. તેને વિસદશ પરિણમન કહે છે. સામ્યાવસ્થામાં ક્ષોભ થવાથી પ્રકૃતિના સાત્ત્વિક અંશમાંથી સર્વ પ્રથમ “મહતુ કે બુદ્ધિ તત્ત્વનો આવિર્ભાવ થાય છે. બુદ્ધિનું વિશેષ લક્ષણ અધ્યવસાય (નિશ્ચય) છે. તે સાત્વિકી હોઈ પુરુષનું પ્રતિબિંબ ઝીલી શકે છે. સર્વ બૌદ્ધિક પ્રક્રિયાનો આધાર બુદ્ધિ છે. મન અને ઇન્દ્રિયો પણ બુદ્ધિ માટે જ કાર્ય કરે છે. બુદ્ધિમાં સત્ત્વગુણ મુખ્ય છે. રજસ અને તમસ્ ગૌણ છે. પરંતુ એ ગુણોમાં પ્રતિક્ષણ પરિણમન થવાથી પછી તેમાંથી અહંકાર તત્ત્વોનો આવિર્ભાવ થાય છે. ત્રિગુણને લીધે અહંકાર પણ સાત્ત્વિક (વૈકારિક), રાજસ્ (તજ) અને તામસ (ભૂતાદિ) એમ ત્રણ પ્રકારનો થાય છે. અભિમાન એ અહંકારનું લક્ષણ છે. બુદ્ધિમાં જયારે ઇચ્છાશક્તિ પ્રવેશે છે, ત્યારે તેને જ અહંકાર કહેવાય છે. અહંકાર અકર્તા પુરુષમાં કર્તાપણાનો અધ્યાસ આરોપે છે. સાત્ત્વિક અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન આવિર્ભાવ પામે છે તથા તામસ અહંકારમાંથી પાંચ તન્માત્રાઓ આવિર્ભત થાય છે. રાજસ્ અહંકાર બન્નેમાં સહાય કરે છે. આ મત વાચસ્પતિ મિશ્રનો છે. પરંતુ વિજ્ઞાન ભિક્ષુ સહેજ જુદો મત ધરાવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ તન્માત્રાઓમાંથી આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી - એ પાંચ મહાભૂતોનો આવિર્ભાવ થાય છે. આ પાંચ મહાભૂતોમાંની પ્રત્યેક મહાભૂત એક એક તન્મારામાંથી ઉદ્ભવ્યું કે એક કરતાં વિશેષ તન્માત્રાઓમાંથી, તે અંગે જુદા જુદા મતો પ્રવર્તે છે."