SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પરમનો સ્પર્શ લોભ અને મહત્ત્વાકાંક્ષા વચ્ચે પાયાનો ભેદ એ છે કે લોભ ધરાવતી વ્યક્તિ એ સિવાય બીજું કશું વિચારી શકતી નથી અને સમય જતાં એને માટે અનિષ્ટપરિણામી પગલાં લેતાં પણ અચકાતી નથી. સામે પક્ષે મહત્ત્વાકાંક્ષા એવી બાબત છે કે જ્યાં વ્યક્તિ પોતાના વ્યવસાયમાં કે પોતાના કાર્યમાં નિષ્ઠાથી આગળ વધીને સતત પ્રયત્ન કરતો હોય છે. લોભ સર્વ પાપોનો જનક છે. લોભવિજય માટે સૌપ્રથમ તો બીજાને મદદ કરવી જોઈએ. કોઈ ગરીબને દાન આપવું એ જ લોભવિજય નથી, કિંતુ કોઈની સાચા દિલથી સેવા કરવી એ પણ લોભવિજય છે, કારણ કે ત્યારે વ્યક્તિ સ્વના સંકુચિત દાયરામાંથી બહાર આવીને બીજાનો વિચાર; અન્યની પીડાનો - પરિસ્થિતિનો વિચાર કરતો હોય છે, આથી જેમ જેમ અન્યને સહાયક બનીએ, તેમ તેમ લોભ ઘટતો જાય છે અને વ્યક્તિ જીવનમાં પરમાર્થ ભણી ગતિ કરે છે. બીજાને દાન આપવાથી પણ વ્યક્તિની લોભવૃત્તિ પર અંકુશ આવે છે. તે અન્યને આનંદ પામેલો જોઈને પોતે આનંદિત થાય છે. આ રીતે એ પોતાની સંપત્તિનું સુયોગ્ય દાન કરીને પોતાની લોભવૃત્તિને ઘટાડતો જાય છે. એ હકીકત છે કે મરણપથારીએ કોઈ બેંક-બૅલેન્સ પૂછતું નથી. જીવનની અંતિમ અવસ્થામાં કોઈ વ્યક્તિ પોતાની બેંકની પાસબુક પાસે રાખતી નથી. એ જાણે છે કે આ તમામ સંપત્તિ એણે અહીં જ છોડીને જવાની છે. લોભને કારણે પાઈ-પાઈ કરીને મેળવેલો અને જીવ કરતાંય વધુ જતનથી જાળવેલો પૈસો હવે અહીં મૂકીને જ જવાનું છે. તમને એવાય કેટલાય ધનિકો જોવા મળશે કે જેઓ અત્યંત ધનાઢ્ય હોવા છતાં ધનલોભને કારણે દાન આપી શકતા નથી. લોભ એમને દાન આપતાં અટકાવે છે. કોઈ દાન માગવા આવે તો એવી રીતે પોતાની ગરીબીની વાત કરશે કે જેથી દાન લેવા આવનારને એમ થાય કે આમને તો આપણે દાન આપવાની જરૂર છે ! ધારો કે કોઈ ધનિકની પાસે કોઈ પાંચ લાખ રૂપિયાના દાનની માગણી કરવા જાય અને એ ધનિક કહે કે હમણાં તો ‘બજાર ઠંડું છે', “ધંધામાં સાવ મંદી છે’, ‘આવા કપરા દિવસો તો ક્યારેય જોયા નથી' અને એમ કહીને એ દાન લેવા આવનારને એક લાખ રૂપિયાનું દાન આપે છે. આ જોઈને એનો લોભ ખુશ થાય છે કે ‘વાહ ! ચાર લાખ તો બચાવ્યા ને !”
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy