SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૮ આત્મહત્યાનો વિચાર સ્વયં આત્મહત્યા કરશે આકાશમાં જામેલાં કાળાં ઘનઘોર વાદળોની જેમ મન પર નિરાશા છવાઈ ગઈ હોય, ત્યારે કરવું શું ? એક એવી ઉદાસીનતા જીવનમાં આવી ગઈ હોય કે અન્ય વ્યક્તિની ઉપસ્થિતિ જ અળખામણી બનતી હોય અને પોતાની જાત તરફ ભારોભાર અણગમો આવતો હોય, ત્યારે કરવું શું ? આવે સમયે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બને છે. વર્તમાન જિંદગીની પરિસ્થિતિથી મોં ફેરવી લે છે. એ આત્મહત્યા કરવાનું વિચારે છે અને કરે પણ છે. એ વિચારે છે કે આવી ઘોર ઉદાસીનતા અને ગાઢ નિરાશાની ઊંડી ખીણમાંથી હું ક્યારે બહાર નીકળી શકીશ ? એ હકીકત છે કે દરેક વ્યક્તિના જીવનમાં એક યા બીજા સમયે એને ચારે બાજુથી ઉદાસીનતા ઘેરી વળતી હોય છે. ક્યારેક પોતાના કોઈ અપરાધને લીધે ભીતરમાં થતી પીડાને પરિણામે એ બધાથી દૂર નાસતી હોય છે. એને એકલવાયા રહેવું પસંદ પડે છે અને આ એકલતા જ એના જીવનને ખાઈ જતી હોય છે. કોઈ વખત જીવનમાં આવેલા આઘાતથી મનથી અવાચક બની ગઈ હોય છે. કોઈ પોતે રચેલા કારાવાસમાં સ્વયં કેદ થઈને જીવે છે. આવી સ્થિતિ અનુભવતી વ્યક્તિએ કોઈ જરૂરિયાત મંદને મદદ કરવાનો વિચાર કરવો જોઈએ. તમે કોઈને મદદ કરવા જાવ એટલે તમે તમારી જાતમાંથી બહાર નીકળી જાવ છો. અત્યાર સુધી માત્ર પોતાનો જ વિચાર કરતા હોવાથી ઘોર નિરાશાથી ઘેરાઈ ગયા હતા, પણ હવે અન્યને મદદરૂપ થવાના વિચારથી સ્વકેન્દ્રિતાનું કોચલું ભેદી શકશો અને અન્યને મદદરૂપ થઈને બીજાના ચહેરા પર આનંદ કે ખુશી જોવાની અભિલાષા રાખશો. તમારા પોતાના સ્વાર્થી વિચારોના કારાવાસમાંથી નીકળીને પરમાર્થી વિચારોના મુક્ત ગગનમાં ઊડવા માંડશો એટલે આપોઆપ સઘળી નિરાશા, દુ:ખ, ચિંતા કે ડર ખરી પડશે અને આત્મહત્યાનો વિચાર સ્વયં પોતાની જ હત્યા કરી બેસશે. - ૧૦૯ - જીવનમાં ખુલ્લી આંખે જાગરણ ! તમે તમારા ભૂતકાળને યાદ કરો છો ! એને માટે તમારી સ્મૃતિને કસોટીની એરણે ચઢાવો છો. વીતેલાં વર્ષોમાં વધુ ને વધુ પાછળ જાવ છો અને ચિત્તમાં પડેલી વર્ષો પુરાણી એ સ્મૃતિને સતેજ કરો છો, આ પાછા જવું અને પામવું એ આત્મબોધ છે. આપણો આત્મા અંદર વસેલો છે. એ તેજપુંજ સમો પ્રકાશિત છે. એનામાં અપાર શક્તિ નિહિત છે, પરંતુ એની આસપાસ વ્યક્તિ એક પછી એક આવરણ વીંટાળતી જાય છે. એના પર માયાની ચાદર ઢાંકી દે છે. અંધકારથી એને લપેટી લે છે અને પછી એવું બને છે કે એ માત્ર ચાદરને જ જુએ છે. એમાં રહેલા આત્માની વિસ્મૃતિ થઈ જાય છે. જેમજેમ એ આવરણો દૂર જાય છે, તેમતેમ આત્મા પુનઃ પ્રકાશિત થાય છે. જ્યોતિ તો ભીતરમાં હતી, પરંતુ આસપાસના અંધકારને કારણે આત્મજ્યોતિ દેખાતી નહોતી. આત્મજાગરણ પામેલા સાધકની દૃષ્ટિ પોતાના આત્મા સુધી જાય છે. જીવનમાં સૌથી મોટું કામ છે જાગરણનું, પણ આ જાગરણ એવું નથી કે જ્યાં મોડી રાત સુધી ખુલ્લી આંખે જાગવાનું હોય. આ જાગરણ તો બંધ આંખે આત્મબોધ માટે પુરુષાર્થ કરવાનું જાગરણ છે. આવા જાગરણને પરિણામે જ્યારે આત્મબોધ થશે ત્યારે સૂર્યની આસપાસ જામેલાં વાદળાંઓ દૂર ખસી જશે અને સાધકનો એનો ઝળહળતો પ્રકાશ જોવા મળે તેવો આત્માનુભવ થશે. આમ આત્માને સર્જવાનો નથી, પણ એને ઓળખવાનો છે, એને માટે ભીતરમાં જઈને જાગ્રત પુરુષાર્થ કરીએ તો જ આત્મબોધ થાય, જો દુનિયાની સફરે નીકળે અને દુન્યવી બાબતોમાં ડૂબી જાય તો એને બાહ્ય જગતની જાણકારી મળશે, પણ એનું આંતરજ ગત સાવ વણસ્પર્યું રહેશે. આંતરજગતને જાણવા માટે તો ભીતરની દીર્થ યાત્રા જ એક માત્ર સહારો છે. 110 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ ll
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy