SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ કંપની અને કુટુંબ જુદાં છે ! એક જ માનવીએ બે રૂપ ધારણ કરવાનાં હોય છે. કંપનીનો કારોબાર કરતી વખતે એ જેવો હોય છે, તેવો ઘરના કારોબાર સમયે ન હોવો જોઈએ. કંપનીમાં કાર્યસિદ્ધિ એ એનું અંતિમ ધ્યેય હોય છે. ઘરમાં પ્રેમપ્રાપ્તિ એ એનું પરમ લક્ષ્ય હોય છે. કંપનીમાં એ ‘બૉસ’ હોય છે. ઘરમાં એ મોભી હોય છે. કંપની અને ઘર ચલાવવાની પદ્ધતિમાં ભિન્નતા હોય છે. કંપનીના કર્મચારીઓ પ્રત્યેનો અભિગમ ઘરના મૅનેજમેન્ટમાં અપનાવે, તો ઘરમાં મહાઉલ્કાપાત સર્જાય, કારણ એટલું જ કે કંપનીની રીતરસમ અને ઘરની જીવનશૈલી સર્વથા ભિન્ન હોય છે. આથી કંપનીના ચૅરમૅન ઘરના ઉંબરામાં પગ મૂકે, તે પહેલાં એણે ચૅરમૅનપદના બોજ માંથી મુક્તિ મેળવી લેવી જોઈએ. પતિ કે પુત્ર જ્યારે ચૅરમૅન બનીને કંપનીના પ્રવેશદ્વારે પ્રવેશે, ત્યારે એણે પતિના પ્રેમ અને પુત્રના સ્નેહને બહાર મૂકીને પ્રવેશવું જોઈએ, બને છે એવું કે શેરબજારનો વેપારી ઘરમાં પણ શંરબજારની રીતરસમથી જીવે છે અને પરિણામે એના સંસારજીવનમાં સ્નેહથી મંદીનો સપાટો જ અવિરત ચાલ્યા કરે છે. કંપની જેમ સૂત્રધાર બૉસની રાહ જુએ છે, એમ ઘર વાત્સલ્યભર્યા પિતા, પ્રેમાળ પતિ કે આજ્ઞાંકિત પુત્રની રાહ જુએ છે. ઘરમાં તમારા હોદાનું મહત્ત્વ નથી, પણ સ્નેહની ગરિમા છે. વ્યક્તિના જીવનની સૌથી મોટી કસોટી એ છે કે એ કેવી કુશળતાથી પોતાની ભૂમિકા ભજવતી રહે છે. એક ભૂમિકા સાથે બીજી ભૂમિકાની ભેળસેળ થઈ જાય તો મોટો વિખવાદ કે વિસંવાદ ઊભો થાય છે, આથી ઑફિસમાં બૉસ તરીકે એ આદેશ આપતી હોય અને આજ્ઞાંકિત પુત્ર તરીકે પિતાની વાત શિરોધાર્ય કરે છે. - ૧૦૭ કર્તાભાવ સતત કૂદકા લગાવે છે ! દ્રષ્ટાને બદલે કર્તા બનવાના અતિ ઉત્સાહને કારણે માનવીએ એના સાહજિક જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખ્યું છે. માણસને કર્તા બનવાની વારંવાર એવી હોંશ જાગતી હોય છે કે એ કોઈ પણ સારા કાર્યમાં કોઈ પણ રીતે પોતાના કર્તુત્વની છાપ ઘુસાડવા પ્રયત્ન કરે છે. ‘મેં આ કામ કર્યું’, ‘મેં આ સિદ્ધિ મેળવી’, ‘મારે કારણે એમનું જીવન સુધર્યું’, ‘મેં એમને સુખ આપ્યું' - આ રીતે પોતાના કર્તુત્વને આગળ ધરવાની બૂરી આદત ઘણા માણસોમાં હોય છે. સારી વાતમાં કર્તા થવાની આતુરતાને કારણે એ જરૂર પડે તો અન્ય વ્યક્તિની વાતને અધવચ્ચેથી અટકાવીને પણ પોતાના કર્તુત્વની બાંગ પોકારે છે. કર્તાભાવ એ ચાલતો નથી, ગતિ કરતો નથી, પરંતુ હંમેશાં કૂદકો લગાવતો હોય છે. મનમાં કૂદકા મારતો એ કર્તાભાવ સતત ઊછળ્યા કરતો હોય છે. ઊછળતી વખતે એના મનમાં અહમ્ હોય છે અને એના ઉછાળમાં પોતાની આવડત દેખાય એવો એનો હેતુ હોય છે, ચેપી રોગની માફ કે એ લાગુ પડે પછી એવો વ્યાપ્ત થઈ જાય છે કે એને અંદેશો પણ આવતો નથી કે પોતાના આવા કર્તાભાવના કૂદકાને બધા હાંસીપાત્ર ગણે છે. સમય જતાં આનું પરિણામ એ આવે છે કે આવી વ્યક્તિ યેનકેન પ્રકારેણ પોતાની શક્તિ આગળ ધરવાની વૃત્તિને કારણે બીજાની ક્ષમતાને જોઈ શકતી નથી. પરિસ્થિતિને પામવાને બદલે પોતાના અહમૂના પ્રાગટ્ય પર એનો ભાર હોય છે. કર્તાભાવની પ્રબળતાને કારણે એનો દ્રષ્ટાભાવ આથમી જાય છે. એના વ્યક્તિગત જીવનમાં દુ:ખ આવે કે સુખ, વિષાદ જાગે કે ઉલ્લાસ - એ બધાને કર્તાની દૃષ્ટિએ જુએ છે, દ્રષ્ટાની દૃષ્ટિએ નહીં. વ્યક્તિ પોતાના જીવનને દ્રષ્ટા બનીને દૂરથી જુએ તો જ એ પરિસ્થિતિનાં મૂળ કારણો સુધી પહોંચી શકે છે અને આગળ વધીને આત્મચિંતન અને આત્મવિશ્લેષણ કરી શકે છે. 108 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 109
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy