SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ તનેય પેલા કનૈયાનો ચેપ લાગ્યો લાગે છે. કેવો પ્યારો ! કેવો મીઠો !' ગોપી કોઈ પ્રેમની સૃષ્ટિમાં સરી પડતી લાગી. ‘રે ગાંડી ! એણે જ કહ્યું છે કે યુદ્ધ આવી રહ્યું છે, ભયંકર યુદ્ધ આવી રહ્યું છે. હવે તમામ લોકોને યુદ્ધકાળમાં જીવવાનું છે !' ‘તો શું કનૈયો હવે બંસી નહિ છેડે ને તલવાર લઈ લડવા નીકળશે ?' ગોપીએ આશ્ચર્યથી પ્રશ્ન કર્યો. કનૈયાની વાત કાં કરે, રે સખી ! બલરામ પણ ખેતીના પ્રયોગો ગોપ- લોકોને શીખવવાના છોડી, હળનું હથિયાર કરી મેદાને સંચર્યા છે !’ તો શું હવે જરાસંધના જોદ્ધાઓનાં માથાં કાપીને વાડીઓમાં વાવશે ?' ગોપી ચિડાઈને બોલી. એને યુદ્ધની વાત ગમતી નહોતી. *કરતી હોય એ કર ! એવાં પાપીઓનાં માથાં વાવીએ તો આ ધરતી ધાન ન દે, આ નવાણ નીર ન દે, આ કામદૂધા દૂધ ન દે ! માથાં તો કર્તવ્યની વેદી પર વધેરીને આપણે આપણાં પોતાનાં વાવવાનાં !' ‘ગાયો ભેગા રહીને ગાય જેવા થઈ ગયેલા તમે ગોપલોકો લડી શકશો ખરા?' ગોપીએ પ્રશ્ન કર્યો. ‘નહિ તો તમે લડશો ? ‘જરૂર, કૃષ્ણ કનૈયો આગળ રહે એટલે અમે એની પાછળ જ ઊભાં છીએ.' ગોપીની જીભ પરથી કૃષ્ણનું નામ સુકાતું નહોતું. ‘રાસ લેવા ઊભા રહેશો, કાં ? તાળીઓના તાલે દુશ્મનને ભગાવશો, કાં રે સખી ! અચકો મચકો કારેલી' જોદ્ધાએ મશ્કરી કરીને ગોપીના ચાળા પાડ્યા. ‘રાજા સમુદ્રવિજય આવ્યા છે ?' ગોપીએ ગંભીરતાથી પ્રશ્ન કર્યો. ‘હા, આ બધામાં વૃદ્ધ અને વડીલ તો એ છે, એમની સલાહને કોઈ અવગણતું નથી.' ‘અને પેલો નાનો નેમ પ્રેમયુદ્ધની વાતો કરનારો ?' ‘એ પણ છે. કર્તવ્યની વેળાએ ખસવાનું યાદવો જાણતા નથી !' ‘રે ! લડાઈ થશે, માણસ મરશે, ઢોર કપાશે, ધરતી રગદોળાશે, ન જાણે શું શું થશે ?' આમ બોલી ગોપી આંગણાના થાંભલાને અઢેલીને ઊભી રહી ગઈ. એનું ચિંતાભર્યું મુખ ખૂબ રૂપાળું લાગ્યું. યોદ્ધાથી એને અડપલું થઈ ગયું. ગોપી ચિડાઈ ઊઠી, ‘હજી પણ સ્ત્રીના અંગસ્પર્શ વગર તો ચાલતું નથી, ને સમરાંગણમાં જવાની શેખી મારો છો ! ત્યાં જઈને શું લડશો, કપાળ ? એના કરતાં 66 E પ્રેમાવતાર તો ઘેર બેસો ઘેર !' ‘અરે ગાંડી ! લડાઈ તે શું શોખની વસ્તુ છે ? આ તો આપદ્ધર્મ છે આપદ્ધર્મ ! બાકી આપણું ખરું કામ તો ગાયો ચારવી ને ગીત ગાવાં એ જ છે.' યોદ્ધાએ પોતાનું અંતઃકરણ સ્પષ્ટ કર્યું. ‘પણ જો, મારામાં મન ન રાખીશ. અને જો મનને મનાવી ન શકે, તો તમે રહો ઘેર, અમે જઈશું લડવા !' ગોપી પ્રીતમને તાવી રહી. ‘અરે મારી ગાંડીઘેલી ગોપી ! તારામાં મન રાખીશ ને છતાં લડાઈ એવી લડીશ, કે વાત ને પૂછ !' યોદ્ધો ફરી અડપલું કરવા જતો હતો; ત્યાં મોટા અવાજે બૂંગિયો વાગતો સંભળાયો. આજ સુધી આ બૂંગિયો રાસ રમવા કાજે લોકોને ચોકમાં એકત્ર કરવા માટે વપરાતો. બૂંગિયો શેરીએ શેરીએ વાગતો નીકળ્યો. એની પાછળ કેટલાય ગોપ યોદ્ધાઓ હાથમાં જે સાધન મળ્યું તે લઈને ચાલતા હતા, ને અનેક પ્રકારનાં વાક્યો ઉચ્ચારતા હતા. યોદ્ધો સ્ત્રી તરફ આગળ વધતો અટકી ગયો, ને ગોપાંગનાની દેહ પર મીઠી નજર ફેરવતો બોલ્યો, ‘જો રૂડી ! આ ભવે મને યુદ્ધમાં કંઈ થાય તો આવતે ભવે પણ હું ! બીજો કોઈ નહિ !' ‘હવે ગાંડા જા ને ! આખી દુનિયા ફરી વળે તોય તારા જેવો ગાંડો મુજ જેવી ગાંડીને ક્યાં મળવાનો હતો ? એક ભવે નહિ, સાત સાત ભવેય તું !' ગોપાંગનાએ દર્દભરી રીતે યોદ્ધાને વિદાય આપી. યોદ્ધો ચોક તરફ ધસ્યો. આ ચોકમાં ગાય અને બળદની દર વર્ષે પ્રતિસ્પર્ધા થતી; ને જૂના વખતમાં ઇંદ્રમહોત્સવ ઊજવાતો. આજ ગોપયોદ્ધાઓ પોતાની પ્રતિસ્પર્ધા રચી રહ્યા. સહુ એકએકથી ઉત્કટ દેખાવાનો પ્રયત્ન કરતા હતા. આ ગોપસેનાની આજની આગેવાની બલરામ લેવાના હતા. આમ તો એકાંતપ્રિય બલરામ બહુ બાહ્ય પ્રવૃત્તિઓમાં ભાગ ન લેતા, એ બધું પોતાના નાના ભાઈ કૃષ્ણ માટે રાખતા, પણ આજ શાંત બેસી રહેવાય એમ નહોતું ! મથુરા, ગોકુળ ને વૃંદાવન માથે, તમામ યાદવ ને ગોપલોકો માથે મોટો ભય ખડો થયો હતો, જીવન-મરણનો જંગ આવ્યો હતો. જરાસંધનો ક્રોધ જબરો હતો, અને એની ભેરમાં કોઈ ભયથી ને કોઈ પ્રીતથી, એમ ભારતવર્ષના અનેક રાજાઓ હતા. એ યાદવમાત્રનો દુશ્મન થઈને આવતો હતો. છતાં એના સામના માટે મથુરાના યાદવો પર હાલ તરત પૂરતો ભરોસો રાખવો શક્ય નહોતો. ગોપસેનાના બળ પર જ અત્યારે વિશ્વાસ રાખી શકાય તેમ હતું ! મને વચન આપો ! E 67
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy