SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મભાવ, મને સુખ ગમે, તો અન્યને પણ સુખ ગમે; મને દુ:ખ ન રુચે તો અન્યને પણ એ ન રુચે. માણસ માણસનો સખા છે. માણસ માણસનો શત્રુ નથી. ‘જ્યાં માણસ બીજાનું લેવા માગે છે, ત્યાં યુદ્ધ છે. જ્યાં માણસ પોતાનું આપવા માગે છે, ત્યાં પ્રેમ છે.' તેમની કામણગારી કીકીઓ આખા વનપ્રદેશ પર ઘૂમે છે. એ કીકીમાં સંજીવની વસે છે. સુકાતાં ઝાડ ખીલી જાય છે, ને કરમાતી કળી ફળ આપવા લાગે છે. સંસારના માનવી જે સમજ્યાં નથી. એ આ ઝાડપાન સમજ્યાં છે. વૃક્ષ ઝૂમી ઝૂમીને આવકાર આપે છે : ‘અર્પણ અમારું જીવન છે. આવો, અમારાં ફળ તોડો, ખાઓ !' ફૂલ પણ પાછું હતું નથી. ભ્રમરસેનાનો ધસારો વધુ છે. પણ એ તો ઝૂમી રહ્યું છે, ને કહે છે, “આવો ! જીવનનાં ઝેર ઉતારવા આ અમારો મીઠતાં મધુ લો.’ “વાહ ! જેને લોકો જડ જેવું કહે છે, એ વૃક્ષ આપવાનો મહિમા પિછાણે છે; જેને માનવી નગણ્ય લેખે છે એ ફૂલ પણ સ્વધર્મ સમજે છે; અને કુદરતની મોટી કરામત જેવો માનવી સંસારની સઘળી ન્યામતો ભૂલી ગયો છે ! આપવું એ જીવનનો મોટામાં મોટો આનંદ. આ આનંદ જંગલનાં ઝાડ જાણે છે, પહાડનાં ઝરણાં પિછાણે છે. બગીચાનાં ફૂલ જાણે છે, એક માનવી એને ભૂલતો જાય છે ! માનવી સંસારની મોટી દોલત; એ દોલત પોતાનું દિલ બગાડી બેઠી છે; અને તે કારણે માણસ સાપ કરતાં ઝેરી, શિયાળ કરતાં વધુ લુચ્ચો અને બિલાડી કરતાં વધુ ચોર બન્યો છે ! કુમાર નેમ ઊંડા વિચારમાં પડી ગયા. એમને રાજવી કંસ યાદ આવ્યો, ભંડામાં ભૂંડી એની પ્રકૃતિ યાદ આવી. જો એ ભીરુ ન હોત તો ? માણસ શું ખોટો હતો? રાજા જરાસંધ ! એની અપ્રતિમ શક્તિ ! અજબ બૃહવિજ્ઞાની એની વિશાળ સેના ! ભૂખી નાગણ જેવી એની મહત્ત્વાકાંક્ષાઓ ન હોત તો સો ટચના સોના જેવો હતો એ રાજવી ! યુદ્ધપ્રિય ન હોત તો એના પરાક્રમથી સંસાર ભયંકર સ્મશાન નહિ પણ મનોહર ફૂલવાડી બની રહેત ! શિશુપાળ શક્તિનો સાગર છે. પૃથ્વીની તમામ આશક્તિઓનો એ ઉદ્ધાર કરી નાખત; પણ વાડને જ ચીભડાં ખાવાનો શોખ જાગે ત્યાં કોને ફરિયાદ કરવી?” જે આધાર કહેવાય એનાથી અનાથતા સરજાય છે, જે અશરણ-શરણ કહેવાય એ જ શરણાગત સરજે છે ! જે પ્રતિપાળ કહેવાય, એ જ પ્રતિપક્ષ કરે ! આના જેવી સંસારની બીજી કરુણતા કઈ ? આ દવજલતા સંસારમાં મારું કર્તવ્ય શું ? -કુમાર નેમે સ્વયં પ્રશ્ન કર્યો. સામે પહાડે પડકાર કર્યો. તું અજેય થા ! અજેયતા જગતને શિખવાડે ! ગરીબીને નમે નહિ, ગરીબને દમે નહિ, વિષયને છબે નહિ, વિરાગને છોડે નહિ - તું એવો અજેય થા. ઝરણાંએ કહ્યું, ‘તું રાજા થા. પૃથ્વીને પખાળ.’ પંખી બોલ્યાં, ‘તું મહાયોદ્ધો થા. દુષ્ટોને માર !” સાબર વઘાં, ‘તું દ્રવ્યવાન થા, ગરીબોને આપ !' સિંહ ગર્યો, ‘તું સિંહ થા. વરુઓને હણી નાખ !' નાનો નેમ પોતાના આ મિત્રોની મૂકે વાણી સાંભળી રહ્યો. રે આ જંગલ, પહાડ, પંખી, પ્રાણી મને કેવો પ્યાર કરે છે ! માનવ સંબંધીઓ કરતાં આ મૂક સંબંધીઓ શું ઓછાં વહાલસોયાં છે ! નેમ તેઓને જવાબ આપી રહ્યો, ‘મારા ઝરણ ! હું રાજા નહીં થાઉં. ઐહિક સત્તા ને ભૌતિક સંપત્તિ મને પ્રિય નથી. રાજ કાજ ના કીચડમાં પડું તો સ્ફટિક જેવા જીવનથી હું વંચિત બનું ! હું રાજ તજીશ, પાટ તજીશ, વૈભવ ને વારસો છાંડીશ અને તારા જેવો નિર્મળ થઈને જીવીશ.' પંખી આગ્રહ કરતાં બોલ્યા, ‘અમારી વાત માની જા, પ્યારા નેમ !' | શી રીતે માનું ? તમે ક્યાં કદી કાલ માટે ભંડાર ભરો છો ? અને તમે પાંખ આવ્યા પછી તમારા માળા કેદી જાળવ્યા છે ? વાસી સંપત્તિ મને કેમ પસંદ પડે ? સોનાનું તોય પિંજર. હીરા-મોતીનું તોય સિંહાસન. તમને પિંજર કદી ગમ્યાં છે ? તો પછી મને સિંહાસન કેમ ગમે ? ઉદારતા તમારી કેવી છે ! પારધી રોજ તમને પકડે છે, પણ કોઈ દહાડો તમે એની જાળ ખાલી રાખી ? જાળ મૂકીને એ પારધી પોતે મૃત્યુજાળમાં સપડાય છે, છતાં તમે તો તેટલાં ને તેટલાં રહો છો.’ સાબર કૂદતાં આવ્યાં, બોલ્યાં : ‘રાજન ! અમારી વાત માન !' કઈ રીતે માનું ? પહેલાં કાદવમાં પગ ઘાલું ને પછી પાણીથી ધોઈને સ્વચ્છ કરું, એના કરતાં કાદવથી દૂર રહું એ કેવું ઉત્તમ ! જે ભિક્ષુક છે એનો ભર્યો ભંડાર છે; જે ત્યાગી છે, એનું ધન આખું જગત છે ! દ્રવ્યવંત જેવો ભિખારી મેં જગતમાં જોયો નથી. એ દ્રવ્યની લાલસામાં પોતાના મનને ભિખારી કરે છે અને જેને દ્રવ્ય ધીરે છે એને પણ ભિખારી બનાવે છે. ત્યાગ એ મોટું દ્રવ્ય છે; ને ત્યાગી સંસારનો સાચો શ્રીમંત છે, જેના ચરણ મોટા મોટા શ્રીમંતો પણ ચૂમે છે !' એ કલસંગી નેમ B 187 186 પ્રેમાવતાર
SR No.034418
Book TitlePremavatar
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy