SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ‘આ પત્ર સિવાય મારે બીજું કંઈ કહેવાનું નથી. મને ધારાનગરીમાં દેવી સરસ્વતી સાથે વસવાની આજ્ઞા છે.” ‘તમારું નામ ?” ‘સુનયના.” ‘સુનયના, તમે મારાં મહેમાન છો. અહોહો, શું તમારો અજબ રૂપરાશિ છે!” સરસ્વતીએ એના સૌંદર્યની પ્રશંસા કરતાં કહ્યું. સંદેશવાહિકા સુનયનાએ પોતાની છાતી પરનું બખ્તર ધીરે રહીને અળગું કર્યું. એણે પહેરેલા પારદર્શક વસ્ત્રમાંથી નાનાં દાડમ ફળ જેવું વક્ષસ્થળ ઝૂમી રહ્યું. એના હેમની દીવી જેવા હસ્ત સાવ ખુલ્લા થઈ કમળદંડની શોભા ધારી રહ્યા. કાલકકુમારની એક નજર સુનયનાને વીંધી રહી. એણે કહ્યું: ‘કુશળ સંદેશવાહિકા! તારા રૂપપ્રદર્શનની અહીં આવશ્યકતા નથી. અવન્તિની મદરાગભરી માનુનીઓને હું વંદન કરું છું.' | ‘રે કુમાર ! આ શું બોલ્યા ? માનુનીઓને લઈને ઉસંગે બેસાડવાની હોય કે એને વંદન કરવાનું હોય ? માનુનીના રૂપનો જેમ સત્કાર થાય, એમ એની રૂપજ્યોતને શગ ચડે. મને રાજ કુમારીની આજ્ઞા છે કે, શિરસ્ત્રાણ અને બખ્તર તો કાલકની હાજરીમાં જ દેહથી અલગ કરજે, એને કોઈ સંદેહ ન રહે.” સુનયનાએ કહ્યું. એનાં લીંબુની ફાડ જેવાં નયનોમાં કોઈ પણ પુરુષને નમાવી ચરણસેવક બનાવવાની શક્તિ હતી. એની વારંવાર Íચાતી લાંબી પલક એક નશીલી ચીજ હતી. એના ઓષ્ઠ પર તો જીવનનું અજબ અમૃત બિરાજતું હતું. માણસ દોડીને એના પાયે ચૂમી લે, એટલું એમાં વશીકરણ હતું. કોઈ મહાસંગ્રામમાં હજારો શત્રુઓથી ઘેરાઈ જઈને સ્વસ્થ રહેવું શક્ય હતું, પણ આ એક સુંદરી પાસે પુરુષ થઈને અણનમ રહેવું અશક્ય હતું. સરસ્વતી એક નજરથી આ રૂપની મનોરમ પ્રતિમાને નીરખતી હતી, બીજી નજરથી પોતાના ભાઈને નિહાળી રહી હતી. સ્ત્રીશક્તિ અને પુરુષશક્તિના જમાનાજૂના હૃદયુદ્ધને એ નિહાળી રહી હતી. પણ વાહ રે અચળ, અડોલ કાલક ! અચલ હિમવંત પર્વતના શિખરને ઝંઝાવાત કેવો ? પંકજમાં પંક કેવો ? ધીરજમાં કંપ કેવો ? કાલક સુનયનાના ગજબના રૂપરાશિ પાસે સાવ એકંપ ઊભો હતો. ઉર્જનની માનુનીનાં એ વખાણ કરતો હતો, પણ એમાં મનના મોહનો અંશ પણ નહોતો, ફક્ત પરિસ્થિતિનો સ્વીકાર હતો. ‘આપના પત્રનો કાલે જવાબ મળશે,' કોલકે શાંતિથી કહ્યું, ‘સરસ્વતી ! સુનયનાને જોઈ ?' 110 | લોખંડી ખાખનાં ફૂલ ‘જોઈ.” સરસ્વતીએ ટૂંકો જવાબ વાળ્યો. ‘એમ નહિ, એક વાર ઉજ્જૈની તો જો ! હજારો સુનયના તને ત્યાં જોવા મળશે. ચાતુરીની એવી એવી વાતો એમની પાસેથી જાણવા મળશે કે તને લાગશે કે નરનાર તો ઉજ્જૈનીનાં, જન્મવું તો એક વાર ક્ષિપ્રાને તીરે, ભણવું તો એક વાર એ ક્ષિપ્રાતીના આશ્રમ-આવાસોમાં.’ | ‘ભાઈ ! ઉર્જની આપણે જરૂર જઈશું. જો ઉજ્જૈનીની કન્યા મારી ભાભી બનીને આવશે, તો પછી કંઈ ઉર્જની આપણા માટે દૂર નહિ રહે, કાં સખી સુનયના?’ ‘હા સરસ્વતી બહેન ! કાલના તમારા જવાબ પર બધો આધાર છે.' “કાં ?” અંબુજાના બદલે કદાચ મારે જ અહીં રહી જવું પડે.' * શા માટે ?” કાલકને આશ્ચર્ય થયું. ‘એ તો અંબુજાનો પત્ર વાંચશો, એટલે ખ્યાલ આવી જશે. રાજકુમારી ! મારું આગમન ગુપ્ત રાખવાનું છે, અને મારો જવાબ પણ મને ગુપ્ત રીતે મળે તેવી ગોઠવણ કરવાની છે.” ‘અવશ્ય,’ સરસ્વતીએ કહ્યું : ‘પણ પછી મારે એક વાર ધારાનગરની કુંવારિકાઓ સાથે તમારી મુલાકાત યોજવી પડશે. અમે બધાં તો ચંદનની સુકી ડાળ જેવાં છીએ. ઘસાઈએ કે બળીએ ત્યારે સુગંધ આપીએ, પણ રજનીગંધાનાં ફૂલ જેવી મદભરી, રંગભરી, રાગભરી અવત્તિની નારી તો એક વાર સહુને બતાવવા જેવી ખરી ?” ‘સરસ્વતી બહેન ! હું તો અહીં રહેવા જ આવી છું. કાલકકુમારને વરવા આવી છું.’ સરસ્વતી આશ્ચર્યમાં સુનયના તરફ જોઈ રહી, એને પણ આવી રૂપભરી અવન્તિકા નારી, ભાભી તરીકે મેળવવાનો મોહ થઈ આવ્યો. અવન્તિના બે દૂત D 111
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy