SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ દૂત ઘણી નિખાલસતાથી વાત કરતો હતો. આવા દૂત સામાનું મન તરત પોતાના વશમાં કરી લેતા, અને સંદેશવાહક તરીકે સફળ નીવડતા. ‘સારું, સુન્ન દૂતરાજ ! રાજ-અતિથિગૃહમાં જઈને આરામ કરો. આપને કાલે યોગ્ય પ્રત્યુત્તર પાઠવશું.' રાજકુમાર કાલકે કહ્યું. ‘યુવરાજ ! મારે જે શબ્દો કહેવાના છે, તે આપની અનુજ્ઞા હોય તો કહી દઉં, પછી રજા લઉં. કાલે તો કેવળ આપનો પ્રત્યુત્તર લઈને જ પાછો ફરી જઈશ.' દૂતે ખૂબ વિનયપૂર્વક કહ્યું. ‘કહે દૂત, કહે !’ સરસ્વતીએ કહ્યું. ‘મહારાજ દર્પણસેને કહેવરાવ્યું છે કે : હે કાલકકુમાર ! આ મારી ભિંગનીનું તમે પાણિગ્રહણ કરશો તો આપણે એક ઘનિષ્ઠ સંબંધથી જોડાઈશું. મારી શક્તિ અને તમારો વિવેક બેના બળથી આખું ભારતવર્ષ આપણે કબજે કરીશું. અંબુજા માટે કંઈ વખાણ કરવાં એ સૂર્યને બતાવવા માટે દીપક ધરવા જેવું કામ છે. અંબુજા અંબુજા છે. એનું આંતર અને બાહ્ય – બંને સૌંદર્ય અપૂર્વ છે. મને આશા છે કે મારી આ માગણી સ્વીકારીને તમે મને ઉપકૃત કરશો. આ મારા તરફની ભેટ છે. જવાબમાં તમારા તરફની ભેટની હું આકાંક્ષા રાખું કે ?’ દૂત છેલ્લી પંક્તિઓ બે વાર બોલ્યો, અને પોતાની વાત પૂરી કરતાં કહ્યું : ‘હવે આવતી કાલે મારે માત્ર આપનો પ્રત્યુત્તર મેળવી વિદાય લેવાની રહી. દર્પણસેન જેવા સમર્થ રાજવીએ સહકાર માટે લંબાવેલા હાથનો કોઈ તિરસ્કાર કરતું નથી. એ મિત્ર તરીકે અપૂર્વ છે, શત્રુ તરીકે પણ અપૂર્વ છે. આવાનો રોષ ન ખપે, પ્રસાદ જ ખપે !' “વારુ, વારુ, દૂત ! કાલે જવાબ આપીશું.' કાલકકુમારે ખૂબ શાંતિથી જવાબ વાળ્યો. એ તદ્દન સ્વસ્થ હતો. ‘આપ વિવેકશિરોમણિ છો. યોગ્ય જવાબની જ મને આશા છે. મને જશ મળે ને મારો વળતો પ્રવાસ સુખદ થાય, એમ કરવા વિનંતી છે.' દૂતે સરસ્વતી તરફ જોઈને વિદાય લેતાં કહ્યું. દૂત વિદાય થયો. ભાઈ અને બહેન એક વિરામાસન પર બેસીને વિચારમગ્ન બની ગયાં. બેમાંથી કોઈ કંઈ ન બોલ્યું. શું બોલવું તે કંઈ ન સમજાયું. દૂતના શબ્દોમાંથી કંઈક અકળ પડઘા ઊઠતા હતા. રાજકુમાર કાલકને કોઈ મિત્ર નહોતો. મિત્રમાં એની બહેન સરસ્વતી હતી. એની પાસે એ સ્પષ્ટતાથી વાત કરી શકતો. સરસ્વતી પોતાના શુદ્ધ હૃદય અને 108 – લોખંડી ખાખનાં ફૂલ વિશુદ્ધ વાક્ચાતુરીથી કાલકના દિલને ખૂબ સાંત્વના પહોંચાડતી. કાલકનું દિલ ઊર્મિઓનો હિલોળો હતું, સરસ્વતી એ ઊર્મિઓને સંઘરનાર સરોવર હતું. કાલક લાગણીભર્યો પૂર્ણ ચંદ્ર હતો. સરસ્વતી એની જ્યોત્સના ઝીલનાર સાગરની પોયણી હતી. બંને જણાં વિચારમાં પડ્યાં હતાં, ત્યાં ફરી દ્વાર પર ટકોરા પડ્યા. ફરી દ્વારપાલ ઉપસ્થિત થયો. એણે નમન કરીને કહ્યું : ‘અવન્તિથી એક કાસદ આવ્યો છે.' ‘અરે !અવન્તિના કાસદને અમે હમણાં જ મુલાકાત આપી ને !’ કાલકે કંઈક કંટાળો વ્યક્ત કરતાં કહ્યું. ‘ના, યુવરાજશ્રી ! આ તો બીજો કાસદ આવ્યો છે, અને તે પણ અગત્યનો સંદેશ લાવ્યો છે.’ બોલાવ એને. કાં સરસ્વતી, તારી નીતિ પ્રમાણે દૂતને મળવામાં વિલંબ ન કરવો જોઈએ, કેમ ?’ કાલકે વ્યંગમાં કહ્યું. “હા, હા, બોલાવો દૂતને, હમણાં તો ઉજ્જૈનીનો એક દૂત આવી ગયો : અને વળી આ બીજો શા માટે આવ્યો હશે ?' સરસ્વતીએ કહ્યું. એના મનમાં પહેલા દૂતના પડઘા રમતા હતા, ને નવા દૂત વિશે શંકા જાગી હતી. એટલી વારમાં દૂત અંદર પ્રવેશ કરી આવ્યો. યુવરાજે આગંતુક દૂત પર દૃષ્ટિ કરી. પહેલો દૂત જેમ સામર્થ્યનો અવતાર હતો, એમ આ દૂત સૌંદર્યનો નિધિ હતો : અને ઉજ્જૈની પણ એ બે માટે જ વિખ્યાત હતું ને ! ‘કહો દૂતરાજ ! શો સંદેશો છે મહારાજ દર્પણસેનનો ?' કાલકકુમારે કહ્યું. ‘મહારાજ દર્પણસેનનો હું દૂત નથી.' દૂતે કહ્યું. દૂતના વેશમાંય એનું સૌંદર્ય ઝરી જતું હતું. ‘તો કોનો દૂત છે ?’ ‘હું રાજ કુમારી અંબુજાની સંદેશવાહિકા છું.' આગંતુકે મસ્તક પરનો શિરસ્ત્રાણ કાઢી નાખ્યો, નાગપાશ સમો એનો કેશપાશ પીઠ પર ઝૂમી રહ્યો. ‘અવન્તિની સુંદરીઓ પોતાની રૂપકલા માટે ભારતપ્રસિદ્ધ છે, પણ દૂતકલા માટે...' કાલકે વ્યંગમાં કહ્યું. સંદેશવાહિકા પોતાના રૂપથી આખા ખંડને અજવાળતી હતી. એ બોલી : અવન્તિના બે દૂત D 109
SR No.034416
Book TitleLokhandi Khakhna Ful
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages249
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy