SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ મહારાજ પણ સુયોગ્ય સાધ્વીજીનું સુયોગ્ય સન્માન કરવા માટે આતુર બની ગયા. આ પાવન, મંગલ અને પ્રેરક પ્રસંગને માટે દેશના ખૂણેખૂણેથી ભક્તો આવવાના હતા. ‘પ્રવર્તિની’ જેવી સાધ્વીસમાજની મહાન પદવી આચાર્ય મહારાજશ્રીના શુભહસ્તે પોતાને પ્રાપ્ત થવાની છે, એ સમાચાર જાણતાં જ સાધ્વીશ્રી મૃગાવતીજી ગહન વિચારમાં ડૂબી ગયાં. એમણે વિચાર્યું કે તેઓ તો તપ, ત્યાગ અને વૈરાગ્યના માર્ગને અનુસરે છે, જ્ઞાન અને ક્રિયાની અપ્રમત્ત સાધના કરે છે અને સતત પોતાની વિશુદ્ધ સંયમ આરાધનાની જાગૃતિ રાખે છે, ત્યારે આ બધું યોગ્ય છે ખરું ? આની જરૂ૨ શી ? જ્યા૨થી એમણે પદવીની વાત સાંભળી, ત્યારથી પરેશાન થઈ ઊઠ્યાં. એમની અંતર્મુખ વૃત્તિને આવી પદવી એ પ્રતિષ્ઠારૂપ નહીં, પરંતુ પરેશાન કરનારી લાગતી હતી. સાધ્વીશ્રી મૃગાવતીજીએ પૂર્ણ વિનમ્રતા સાથે પદવીનો અસ્વીકાર કરવાનો નિર્ણય કર્યો. આવો મહત્ત્વનો નિર્ણય કરતાં એમને કોઈ લાંબા વિચારની કે અન્ય કોઈ સાથે વિચારવિમર્શની જરૂર પડી નહીં. એમનું નિઃસ્પૃહ સાધનામય હૃદય તત્ક્ષણ બોલી ઊઠ્યું, કે આવી પદવી મારે જોઈએ નહીં. પોતાનો આ નિર્ણય કોઈનેય ક્લેશ પહોંચાડે નહીં, તે માટે એમની સાથેનાં સાધ્વીજીઓએ જુદી જુદી વ્યક્તિઓને સાધ્વીશ્રી મૃગાવતીજીના નમ્ર નિર્ણયની જાણ કરી. વળી, પોતે પદવી લેવી નથી, એટલે તેનો આવો ઇન્કાર કર્યા બાદ પુનઃ ક્યારેય આવી પદવી આપવાનો આગ્રહ કરવો નહીં એવું પણ સહુને વિનંતીપૂર્વક જણાવ્યું. વાતાવરણમાં એક પ્રકારનો ખળભળાટ મચી ગયો. જે સમાજમાં પદવીની પ્રાપ્તિ માટે દોડ કે હોડ ચાલતી હોય, ત્યારે આવી સામેથી સ્વયંભૂપણે અપાતી પદવીનો ઇન્કાર થઈ શકે ખરો ? પોતાના હૃદયની મૂંઝવણની એમણે આચાર્ય મહારાજને પણ જાણ કરી. ૧૯૭૯ની ૨૭મી જાન્યુઆરીએ સ્વયં સાધ્વી મૃગાવતીજીએ લુધિયાણા વગેરે સમસ્ત જૈન સંધને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. હિંદીમાં લખાયેલો આ પત્ર પણ એમની આત્મસાધુતાનું અતિ મનોરમ દર્શન કરાવે છે. આ પત્રમાં આત્મલક્ષી સાધુતા ધરાવનાર સાધ્વીજી મહારાજની અડગ આત્મનિષ્ઠા છે, તો બીજી બાજુ ૪૮ નમ્રતા અને નિઃસ્પૃહતા પદે પદે જીવનને જોનારાં, વિચારનારાં અને વળાંક આપનારાં સાધ્વીજી મહારાજનો શ્રીસંઘ પ્રત્યેનો અપાર સ્નેહ પણ છે. આ પત્રમાં એમણે અતિ નમ્રતાથી લખ્યું, તા. ૧૬મી-૧૭મી તારીખના તારોથી અચાનક જ મારા જાણવામાં આવ્યું કે આપ શ્રીસંઘ મને પદવી આપવા ઇચ્છો છો. આ જાણીને મને ઘણું જ દુઃખ થયું. આ વાત ક્યારેય ન થઈ શકે; હું પદવી કોઈ રીતે નહીં લઉં. આ મારો અફર નિશ્ચય છે. મારે મારા સાધનામાર્ગમાં આગળ વધવું છે; આત્મસાધનાના માર્ગ સાથે આવી વાતોનો કોઈ મેળ નથી, બસ, આપ પંજાબ શ્રીસંઘનો સ્નેહ, સદ્ભાવ, સહયોગ મારા માટે સર્વસ્વ છે. હું તો શ્રીસંઘ અને સમાજનાં ચરણોની રજ છું. મને આપ શ્રીસંઘના આશીર્વાદ અને ધર્મસ્નેહ મળતાં રહે, જેથી હું મારા જીવનને સફળ-સાર્થક કરી લઉં. પંજાબ શ્રીસંધને આદર અને વિનંતી સાથે સાધ્વી મૃગાવતીના સાદર ધર્મલાભ.’ આ એક વિરલ પત્ર છે, જેમાં શ્રીસંઘના સ્નેહ, સદ્ભાવ અને સહયોગનો સમાદર કરીને પોતાની ભાવના પ્રગટ કરી છે, એટલું જ નહીં પણ પોતે શ્રીસંઘ અને સમાજમાં એક સામાન્ય વ્યક્તિ છે એમ કહીને એમણે શ્રીસંઘ પાસે આશીર્વાદની યાચના કરી. આપેલી પદવી લેનાર ઘણા મળશે, પરંતુ જાહેર થયેલી પદવી ઠુકરાવનાર સાધ્વીજી મહારાજ જેવા વિરલ જ મળશે. એમાં સાધ્વીજી મહારાજની અલિપ્તતા અને અનાસક્તિની સાથોસાથ સંકલ્પબદ્ધતા અને સાધુજીવનની સંયમશીલતા છે. આચાર્યશ્રી વિજયઇન્દ્રદિસૂરીશ્વરજીને પણ સાધ્વીજી મહારાજની નિષ્કામ ભાવના અને મનની દઢતા સ્પર્શી ગયા અને તેથી એમણે સાધ્વીરત્નશ્રી મૃગાવતીજીને ‘પ્રવર્તિની’નું પદ આપવાનો વિચાર બાજુએ મૂક્યો. આ નહીં બનેલી ઘટનાથી સાધ્વીજીના મનને પરમ આનંદ અને પારાવાર પ્રસન્નતા થયાં. મન પરથી જાણે હજાર મણનો બોજ ઊતરી ગયો હોય અને સાવ હળવાંફૂલ થઈ ગયાં હોય તેવી સ્થિતિનો તેમણે અનુભવ કર્યો, પણ સાથોસાથ ભક્તિમાં ૨મમાણ એવા પંજાબના શ્રીસંધની સ્થિતિ સાવ જુદી થઈ. ૧૪૯
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy