SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેરણાની પાવનમૂર્તિ નમ્રતા અને નિઃસ્પૃહતા સાધ્વીશ્રી મૃગાવતીજીના નિર્ણયને પરિણામે શ્રીસંઘને પારાવાર દુઃખ અને ઊંડો આઘાત થયો. એમનું હૃદય તો ક્યારનુંય આ મંગલ પ્રસંગ માટે આનંદથી ઊછળતું હતું. એ હૃદયને મૌન કરવું પડ્યું. આ ધન્ય પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે પંજાબના જુદા જુદા વિસ્તારોમાંથી ખાસ બસ દ્વારા ભાવિકો આવવાના હતા. પરંતુ પૂ. સાધ્વીશ્રીના નિર્ણયની જાણ થતાં બસો કેન્સલ કરાવી અને સહુના ચિત્ત પર એક વિષાદ છવાઈ ગયો. એમના પ્રત્યેના ભક્તિભાવને કારણે ઠેર ઠેર વસતા શ્રાવકો ગમગીન બની ગયા. પરિસ્થિતિ એવી હતી કે આમાંથી બહાર નીકળવા માટે કોઈ માર્ગ શોધવો પડે, કોઈક સમાધાન શોધવું પડે. સાધ્વીજીનો સંકલ્પ અને શ્રીસંઘની ભક્તિ વચ્ચે કોઈ સેતુ રચવો પડે. અગ્રણી શ્રાવક શ્રી ઋષભચંદજી ડાગાએ અતિ આગ્રહ અને પ્રગાઢ ભક્તિ સાથે સાધ્વીજીને વિનંતી કરી કે તમે અમારી વાત સ્વીકારો અને જો નહીં સ્વીકારો તો હું અહીંયાં માણિભદ્ર થઈ જઈશ. એમનો કહેવાનો અર્થ એ હતો કે હું અહીં તમારી સમક્ષ ધરણા પર બેસીશ અને જ્યાં સુધી તમે નહીં સ્વીકારો ત્યાં સુધી અહીંથી હટીશ નહીં. સાધ્વીશ્રી મનથી મક્કમ હતાં. પદવીની કોઈ સ્પૃહા એમને ક્યારેય સ્પર્શી શકી નહોતી. આથી શ્રી ઋષભચંદજી ડાગાની ધમકી કહો તો ધમકી અને આગ્રહ કહો તો આગ્રહ એની આગળ સાધ્વીશ્રી મૃગાવતીજી સહેજે ય ઝૂક્યા નહીં. પદવી પ્રત્યે પહેલેથી જ એમનામાં નિર્લેપતા હતી. શ્રીસંઘે જણાવ્યું કે સાધ્વીજી મહારાજ કોઈ સંજોગોમાં પ્રવર્તિનીનું પદ સ્વીકારવા તૈયાર નથી. આથી હારીથાકીને ડાગાજી ગુરુ પ. પૂ. વિજયઇન્દ્રન્નિસૂરિ પાસે ગયા અને ત્યારે આચાર્યશ્રી વિજયઇન્દ્રદિસૂરિ અને અગ્રણી શ્રાવક શ્રી ઋષભચંદજી ડાગા તથા સહુએ મળીને મધ્યમ માર્ગ શોધી કાઢયો. કાંગડા તીર્થમાં બનનારા નૂતન જિનાલયના શિલારોપણના ભવ્ય અને પાવન પ્રસંગે એમણે સાધ્વીશ્રી મૃગાવતીજીને ‘મહત્તરા'ની પદવી આપવાનો નિર્ણય કર્યો. વળી સાથોસાથ સમગ્ર સંઘને લાગેલા જખમને રૂઝવવા માટે આ સાધ્વીશ્રીને “કાંગડા તીર્થોદ્ધારિકાનું માનભર્યું બિરુદ આપવાનું પણ નક્કી કર્યું. કાંગડા તીર્થમાં શિલારોપણ પછીની ધર્મસભામાં આચાર્ય શ્રી વિજયઇન્દ્રદિવસુરીશ્વરજી પાટ પરથી ઊભા થયા. પરિણામે સાધ્વીશ્રી મૃગાવતીજી વિનયપૂર્વક પાટ પરથી નીચે ઊતરી ગયાં. આ સમયે આચાર્ય મહારાજે સહજ લાગે તે રીતે પૂજ્ય સાધ્વીજી મૃગાવતીજી પર કામળી નાખીને બંને પદવીની જાહેરાત કરી. પોતાના ગુરુદેવ સમક્ષ હવે સાધ્વીજી મહારાજ કરે પણ શું ? એમને આચાર્યશ્રીના આદેશરૂપે આ પદવીઓ નાછૂટકે સ્વીકારવી પડી અને એને પરિણામે પંજાબના શ્રીસંઘમાં અને ઉપસ્થિત અન્ય સહુ ભક્તજનોના હૃદયમાં આનંદ વ્યાપી ગયો. ૧૯૬૧માં સાધ્વીશ્રી મૃગાવતીજી અમદાવાદમાં અભ્યાસ માટે આવ્યાં અને જેમની પાસે એમણે જુદા જુદા દર્શનોનો અભ્યાસ કર્યો એવા પં. દલસુખભાઈ માલવણિયા નોંધે છે, “આચાર્ય હરિભદ્રસૂરિએ એક મહત્તરા યાકિનીને અમર બનાવી દીધાં છે, પરંતુ એમના કાર્ય વિશે એટલું જ જાણીએ છીએ કે એક બ્રાહ્મણ પંડિતને જૈન ધર્મમાં દીક્ષિત થવા તેઓ નિમિત્ત બન્યા હતા. પરંતુ બીજી મહત્તરા શ્રી મૃગાવતીજીનાં અનેક કાર્યો આપણી સમક્ષ છે. એમનું જીવન આપણી વચ્ચે વીત્યું છે અને એમના પ્રભાવને આપણે પ્રત્યક્ષ જાણીએ છીએ.” સાધ્વીશ્રી મૃગાવતીજી વિશેના લેખને પંડિત દલસુખભાઈ માલવણિયાએ શીર્ષક આપ્યું, ‘મૃગાવતીશ્રી - બીજી મહત્તરા”. ઇતિહાસ સર્જાયેલા બનાવોની વાત કરે છે, પણ આવા નહીં સર્જાયેલા બનાવો ક્યારેક સદાકાળ ટકનારો ઇતિહાસ રચી જતા હોય છે. ઉપs પત્ર
SR No.034293
Book TitlePrernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai, Malti Shah
PublisherB L Institute of Indology
Publication Year2014
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy