________________ વાસ્તવમાં બન્ને કારણો હાજર હોય છે. પણ, ભૂલ ત્યાં થાય છે કે પોતાના ગુસ્સાની પાછળ સંપૂર્ણ વાંક માત્ર ને માત્ર દીકરાનો જ દેખાય છે. બીજા ઘણાં પરિબળો દીકરો નાપાસ થાય તેમાં કામ કરતા હોય છે. પણ, પોતાની અપેક્ષા તૂટતાં જ, ગુસ્સો રોકવાનો કદી પણ પ્રયાસ ન કરેલો હોવાથી, તરત જ બોઈલર ફાટી નીકળે છે. પછી કશું જ વિચારવાની શક્તિ બચતી નથી. 8 વર્ષ પૂર્વે દિલ્લીમાં બનેલી આ ઘટના છે. બાપનું મગજ પરીક્ષાનું પરિણામ જોઈ કાબૂમાં નથી રહેતું. ગુસ્સો બેહદ બન્યો છે અને દીકરાની મારપીટ ચાલુ કરી. મોઢામાંથી જેમ ફાવે તેમ બોલતા જાય અને દીકરાની ધોલાઈ-પીટાઈ કરતા જાય. રસોડામાંથી મા બહાર આવે છે. પોતાના દીકરાને બચાવવા પ્રયત્ન કરે છે. પણ, વ્યર્થ ! બાપ આજે કશું જ સાંભળવા તૈયાર ન હતો. ઊલટું પોતાની પત્ની ઉપર પણ ગુસ્સે થઈને તેને રસોડામાં પાછી ધકેલી દીધી. વચગાળાના આ સમયમાં દીકરાને બચી જવાની તક મળી ગઈ. એટલે દીકરો તરત જ ઘરની બહાર જવા માટે નીકળ્યો. બાપની નજર પડી. આજુબાજુમાં જોયું તો એક છત્રી દેખાઈ. બાપે છત્રી લઈ કચકચાવીને તેનો ઘા દીકરા તરફ કર્યો. છત્રીનો અણીદાર સળીયો સીધો દીકરાના માથાના પાછળના ભાગમાં વાગ્યો. ઘા જીવલેણ નીવડ્યો. દીકરો ધડામ્ દઈને પડ્યો. લોહી હદ બહાર વહેવા લાગ્યું. બ્રેઈન હેમરેજ થઈ ચૂક્યું હતું. આખી દુનિયાને છોડી દીકરો પરલોકમાં રવાના થઈ ગયો. બાપ જેલની સફરે ઉપડી ગયો. કેવો કરુણ અંત ! ક્રોધની કાળઝાળ આગમાં આખો પરિવાર ખેદાન મેદાન થઈ ગયો. ક્રોધ ભલે ક્ષણજીવી હોય પણ ક્રોધના પરિણામ ચિરંજીવી હોય છે. ક્રોધ આંધળો હોય છે. કારણ કે પોતાને આશરો આપનારને તે આંધળો કરી દે છે. એટલે જ ક્રોધ જ્યારે આવે ત્યારે માણસ પરિસ્થિતિને પારખી શકતો નથી. ક્રોધમાં આવેલો માણસ જે પણ નિર્ણય કરે તેમાં તે અવશ્ય થાપ ખાય છે. માટે, ભયંકર પરિણામ