________________ આવ્યા વિના રહેતું નથી. આથી સઘન પ્રયાસો કરીને પણ ક્રોધને કાબૂમાં લીધા વિના છૂટકો નથી. એના માટેની જ આ મહત્ત્વપૂર્ણ પોલિસી છે. સામેવાળાને આપણે માત્ર પોસ્ટમેન તરીકે જ જોઈએ. એ અપમાન કરનાર ન દેખાય, દગો કરનાર ન લાગે, વિશ્વાસઘાતી ન લાગે તો પછી એના ઉપર ગુસ્સો કેવી રીતે થાય ? કોઈ ઉઘરાણીમાં પૈસા નથી આપતું. તેના ઉપર ગુસ્સો શા માટે ? તમારા પૈસા દબાવનાર પણ પોસ્ટમેન જ છે. એ તો કર્મસત્તાનો મેસેજ જ તમને આપે છે - “ભાઈ ! તમારું લેણું કર્મસત્તા પાસે બોલે છે. માટે, કર્મસત્તાએ મને મોકલ્યો છે. જો આટલી સ્વસ્થતા કેળવવામાં સફળતા મળી જાય તો સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું પણ સૌભાગ્ય મળ્યા વિના રહેશે નહીં. હા સામેવાળો જો અનુકૂળ પરિસ્થિતિનું સર્જન કરી રહ્યો હોય તો તેના પ્રત્યે કૃતજ્ઞતા અવશ્ય રાખવી. તેના ઉપર લાગણીનો ભાવ રાખવો. તેને મદદ કરવા તત્પર રહેવું. ત્યારે એમ ન વિચારવું કે આ તો માત્ર પોસ્ટમેન જ છે. પરંતુ જ્યારે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરે ત્યારે જ આ પોસ્ટમેન પોલિસી અખત્યાર કરવાની છે.* * * જ્યારે સામેવાળી વ્યક્તિ માત્ર પોસ્ટમેન જ છે, તેની પાછળ દોરી સંચાર કરનાર જો કર્મ જ છે તો તમારે કર્મ સામે જ કર્મના ભૂક્કા કાઢી નાંખવા મિસાઈલ ગોઠવવી ન જોઈએ ? સામેવાળાને દોષિત ગણી તેના ઉપર ગુસ્સો શા માટે કરી બેસો છો ? ટૂંકમાં, પોસ્ટમેન પોલિસીનો આ સંદેશો મગજમાં કોતરી દો કે “સામેવાળી વ્યક્તિ મારું અપમાન કરે, મારા પૈસા દબાવે કે મને રસ્તે રઝળતો ભિખારી બનાવી દે તો પણ તે ગુનેગાર નથી. તે તો માત્ર પોસ્ટમેન છે. મેં જ બાંધેલા કર્મોનો સંદેશો લઈને આવેલ છે. તો પછી તેના ઉપર શીદને ગુસ્સે થવું ? મને જાગૃત કરવા બદલ, કર્મસત્તાનો સંદેશો મારા સુધી પહોંચાડવા બદલ તેને તો ધન્યવાદ જ આપવા ઘટે !" બસ ! જો આ વિચારધારા આત્મસાત્ થઈ ગઈ તો ગુસ્સાએ રવાના થવું જ રહ્યું !