SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી ‘સ્તુતિ’ ગણાય (એટલે કે પાછળ કહ્યા તે ત્રણ અતિરિક્ત ‘ચતુષ્ક’, ‘પચ્ચક’ યા ‘કુલક’, ‘ષટ્ક’ અને ‘સપ્તક’) પરંતુ આ વ્યાખ્યા તો સ્થૂળમાનને લઈને થઈ જણાય છે. સ્તુતિની પડછે રહેલાં ‘ઉદ્દેશ્ય’ અને ‘ઉદ્દેશિત’ના મુદ્દાઓને તે સ્પર્શતી નથી. (૨) ‘સ્તોત્ર’ની કોઈ નિશ્ચિત વ્યાખ્યા નિર્પ્રન્થ-દર્શનમાં નથી; પણ વ્યવહારમાં જોઈએ તો તે ઉપર ઉદ્ધૃત બ્રાહ્મણીય મંતવ્યોથી દૂર નથી. નિર્પ્રન્થ સ્તુત્યાત્મક કૃતિઓમાં જેને ‘સ્તોત્ર’ની સંજ્ઞા મળી છે તેમાં કર્તાનો આરાધકરૂપે ઇષ્ટદેવ સાથે સીધો સંબંધ સ્પષ્ટ રૂપે તરી આવે છે; જેમકે માનતુંગાચાર્યકૃત ભક્તામરસ્તોત્ર તથા ભયહરસ્તોત્ર, કુમુદચંદ્રાચાર્યકૃત કલ્યાણમંદિરસ્તોત્ર, ઇત્યાદિ. પણ શાંતિસૂરિએ સ્તોત્ર તે “પ્રાકૃતભાષાનિબદ્ધ’ એવી જે વ્યાખ્યા આપી છે, તે વાત વાસ્તવમાં ઉભી રહેતી નથી. નિર્પ્રન્થ પરિપાટીમાં ‘સ્તોત્ર’ના માધ્યમરૂપે પ્રાકૃત તેમ જ સંસ્કૃત એમ બન્ને ભાષાઓ પ્રયુક્ત થઈ છે; જેમકે ઉ૫૨ કથિત ભયહરસ્તોત્ર પ્રાકૃતમાં છે જ્યારે ભક્તામરસ્તોત્ર તથા કલ્યાણમંદિરસ્તોત્ર સંસ્કૃતમાં નિબદ્ધ છે; અને ઉપલબ્ધ વૈદિક પૌરાણિકાદિ તમામ બ્રાહ્મણીય દેવસ્તોત્રો સંસ્કૃતમાં જ નિબદ્ધ છે. એટલે પ્રાકૃતવાળો નિયમ ત્યાં તો લાગુ જ પડી શકતો નથી. શાંતિસૂરિએ દોરેલાં ‘સ્તોત્ર’ અને ‘સ્તવ’ વચ્ચેનાં વ્યાવર્તનો આમ વ્યવહારમાં જોવા મળતાં નથી. બીજી બાજુ દેવેન્દ્રસૂરિએ “ગંભીર અને મધુર શબ્દયુક્ત હોય તે સ્તોત્ર” એવું જે વિધાન કર્યું છે તે ‘સ્તોત્ર’ માટે સાચું હોવાની સાથે ઉચ્ચ કોટીનાં ‘સ્તવ’ અને ‘સ્તુતિઓ’ને પણ એટલા જ પ્રમાણમાં સ્પર્શે છે. (૩) ‘સ્તવ’ કોને કહેવાય તે વિષયમાં ઉપલબ્ધ વિચારણાઓ જોતાં બ્રાહ્મણીય પક્ષે કોઈ ફોડ પાડ્યો હોય તેમ દેખાતું નથી : પણ નિર્પ્રન્થ પરિપાટીમાં તો ચૈત્યની અંદર દેવ સંમુખ જે સ્તુતિ બોલવાની હોય (કે ગાવાની હોય) તે ‘સ્તવ’ એવો અર્થ વ્યવહારમાં અનુગુપ્તકાળથી રૂઢ છે : જેમકે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં વિવિધ છંદોમાં નિબદ્ધ અજિતશાંતિસ્તવને ‘સ્તવ’ના દૃષ્ટાંતરૂપે ઘટાવી શકાય; પણ વ્યવહારભાષ્યમાં આગમિક પ્રકીર્ણક ગ્રંથોમાં જેની ગણના થાય છે તે દેવેન્દ્રસ્તવ (પ્રાયઃ ઇસ્વી ૨૦૦૩૦૦)ને ‘સ્તવ’ના દૃષ્ટાંત તરીકે ટાંક્યું છે તે અયુક્ત છે; કેમકે પ્રસ્તુત કૃતિમાં સ્તુત્યાત્મકતાનું તત્ત્વ જ નથી. ત્યાં તો નિર્પ્રન્થ મતાનુસારી ચતુતિના દેવોના અધિપતિ ૩૨ ઇંદ્રોનાં ભવનો, વિમાનો, પરિવારાદિના આંકડાઓ સમેત ઉલ્લેખોની શ્રૃંખલાથી યોજાતાં ગણતરીયુક્ત ટૂંકાં વર્ણનો માત્ર છે. બીજી બાજુ શાંતિસૂરિએ ‘સ્તવ’ તે સંસ્કૃત ભાષા અને વિવિધ છંદોમાં નિબદ્ધ સ્તુત્યાત્મક રચના એવી જે કલ્પના કરી છે તે ઠીક નથી. પ્રાકૃતમાં નિબદ્ધ પ્રાચીન અજિતશાંતિસ્તવ જ તે વાતનો અપવાદ કરે છે. એ જ પ્રમાણે આવતું નમોસ્તુ-સ્તવ નામનું સ્તવન પણ પ્રાકૃત (મૂળે અર્ધમાગધી) ભાષામાં નિબદ્ધ છે. ઉપરાંત પ્રસ્તુત સ્તવની રચના એક જ, દંડક જેવા છંદમાં થઈ છે. એટલે લક્ષણરૂપે ‘છંદવૈવિધ્ય’નો મુદ્દો પણ વ્યાખ્યામાં બંધ બેસી શકે તેમ નથી. ‘સ્તવ’, તે ત્રણ પદ્ય ઉપરાંતની અથવા તો સાત પદ્ય ઉપર હોય તેવી સ્તુતિ, એમ ગણાવવાની વાત સામે બહુ વાંધો કાઢી શકાય તેવું નથી. (૪) ‘સ્તવન’ અભિધાન પણ દેશી ભાષાઓ અતિરિક્ત ઘણી મધ્યકાલીન નિર્પ્રન્થરચિત સંસ્કૃત સ્તુતિઓને વર્તમાને અપાતું જોવામાં આવે છે. આથી આ મુદ્દા પર સાંપ્રત કાળે નિર્પ્રન્થ સમાજમાં એ શબ્દના અર્થ વિષે પ્રવર્તમાન સમજણ બરોબર નથી. ૪૫
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy