________________
તમે ક્યાંય વચ્ચે બેસતા નથી, તેમ સિદ્ધિગતિ ન મળે ત્યાં સુધી ક્યાંય જંપ વાળીને બેસવાનું નથી.
આ માર્ગે જતાં કષાયો, વિષયો, પરિષહો વગેરે અનેકને જીતતા જવાનું છે.
વિષય-કષાય હોય છે ત્યાં એકાગ્રતા નથી હોતી. મન ચંચળ રહે છે. ચંચળ મનમાં સાધના જામતી નથી.
ચંચળતાનું મૂળ આસક્તિ છે. કોઈક વસ્તુ કે વ્યક્તિ પર આસક્તિ હશે કે ક્યાંક દ્વેષ હશે તો મન સતત ખળભળાટ અનુભવતું હશે. તમે આત્મસંપ્રેષણ કરશો તો આ સ્પષ્ટ દેખાશે. ચંચળતાનું મૂળ ગમા-અણગમામાં પડેલું છે. ગમા અને અણગમા જેટલા ઓછા, મનની ચંચળતા તેટલી ઓછી.
આ ગમે આ ન ગમે. આ ફાવે આ ન ફાવે. આ ચાલે આ ન ચાલે.
આ બધા રાગ-દ્વેષના તોફાન છે, એમ આત્મસંપ્રેષણથી સમજાશે. રાગ-દ્વેષ ઘટે તેમ ગુણો વધે.
ગુણો વધે તેમ પ્રસન્નતા વધે. પ્રસન્નતાનો સંબંધ ગુણો સાથે છે.
અપ્રસન્નતાનો સંબંધ દોષો સાથે છે. કષાયાદિ દોષો આપણામાં પડેલા જ છે. કષાયાદિ દોષોનો અત્યારે જય કરી શકીએ, પણ ક્ષય ન કરી શકીએ, આથી જ આ દોષો ભારેલા અગ્નિ જેવા છે. એના ભરોસે રહેવા જેવું નથી.
દોષોનો ક્ષય નથી થયો. ક્ષય થાય તો ક્ષાયિક ગુણો મળે. પણ આપણા ગુણો તો ક્ષાયોપથમિક ભાવના છે. માટે જ એના ભરોસે રહેવા જેવું નહિ. સાધનામાં અવિરત સાવધાની જરૂરી છે.
* આજે પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી મ.ની સ્વર્ગારોહણ તિથિ છે. પૂરા વિશ વર્ષ થયા. [સ્વર્ગવાસઃ વિ. સં. ૨૦૩૬, વૈ.સુદ-૧૪]
૨૦૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ