________________
મહાભારતનો આ પ્રસંગ છે.
કૌરવો અને પાંડવો વચ્ચેના યુદ્ધના રણશિંગા ફૂંકાઇ ગયાં હતાં. દુર્યોધન શસ્ત્રસજ્જ બનીને પોતાની માતા ગાંધારીના આશીર્વાદ લેવા જાય છે. દુર્યોધન દુષ્ટજન ગણાતો હતો. તેનું યુદ્ધ ખરેખર અધર્મરુપ હતું. છતાં તે પોતાની માતાના આશીર્વાદ લેવાના શિષ્ટાચારને ભૂલતો નથી.
પૂર્વના કાળનો દુષ્ટ પણ માતાને પગે લાગીને આશીર્વાદ લેવાનો શિષ્ટાચાર કરે ! અને
આજે કહેવાતા શિષ્ટજનો સારા કામે જતાંયે માતા-પિતાને પગે લાગતાં શરમાય છે ! કહો ! કોણ દુષ્ટ અને કોણ શિષ્ટ ?
દુર્યોધન જ્યારે ગાંધારીના આશીર્વાદ લેવા જાય છે ત્યારે ગાંધારી શા આશીર્વાદ આપે છે ? તે કહે : ‘વત્સ ! યતો ધર્મસ્તતો જય: ।। જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે.'' અર્થાત્ જે પક્ષમાં ધર્મ હોય છે તે જ પક્ષનો વિજય થાય છે.
ગાંધારી જાણતાં હતાં કે મારો પુત્ર અધર્મના પક્ષે છે અને અધર્મના પક્ષકારને ‘તું વિજયી થજે'' એવા આશીર્વાદ કેમ અપાય ? જો તેમ કરાય તો તેનો અર્થ અધર્મનો પોતે પણ પક્ષ લીધો ગણાય. શિષ્ટજનને આ કેમ પોષાય ?
માતાએ કહ્યું ‘‘યતો ધર્મસ્તતો જયઃ-જ્યાં ધર્મ છે ત્યાં જય છે.’’ માતાનાં વચનોના મર્મને દુર્યોધન સમજી ગયો. એણે મનમાં વિચાર્યું ‘મા જે કહે છે એ તદ્દન સત્ય છે. હુંય સમજું છું કે ધર્મ (સત્ય) તો પાંડવોના પક્ષે જ છે. આથી મારા વિજયની આશા ઘણી ઓછી છે.’’
અઢાર-અઢાર દિવસ સુધી મહાભારતનું તે યુદ્ધ ચાલતું રહ્યું. રોજ દુર્યોધન યુદ્ધમાં જતાં પહેલાં માતા ગાંધારીના આશીર્વાદ લેવા જતા. અને રોજ ગાંધારીએ દુર્યોધનને આ જ આશીર્વાદ આપ્યાઃ યતો ધર્મસ્તતો જય : '’
પોતાના સગા પુત્રને પણ આડકતરી રીતે ‘‘તું અધર્મના પંથે છે.’’ એવું જણાવી દેનારી ગાંધારીના જેવો સત્યનિષ્ઠારુપી શિષ્ટગુણ આ જગતમાં કેટલા માનવો પાસે હશે ?
શિષ્ટાચારનો આ કેવો અનુપમ આદર્શ !!
૩૬