________________
ગુણ ૩૫ : ઇન્દ્રિયની ગુલામીનો ત્યાગ
મહાન પુણ્યોદયે મળેલા માનવ જન્મને આશીર્વાદ રૂપ ન બનાવતા શ્રાપરુપ બનાવવાનું કામ વિષયોની કારમી ગુલામી કરે છે. પાંચેય ઇન્દ્રિયરૂપી ચપણિયામાં ભીખ માંગી છે. પાંચેય વિષયોની ભવ ભલે બદલાયા પણ ભાવ બદલાતા નથી. કીડીના ભાવમાં સાકર પાછળ, મંકોડા બની ગોળના પાછળ, કૂતરાના અવતારે રોટલાના ટૂકડા ખાતર જાત ભાઈ સાથે ઝઘડયો તો ભૂંડના ભવે વિષ્ટા ચૂંસવામાં જિંદગી ખલાસ કરી. ચારેય ગતિમાં ભૂતકાલીન ચેષ્ટાઓનું પુનરાવર્તન ચાલે છે. સામગ્રીની પસંદગી કરે, પણ મૂળ ભૂલ તો કાયમ ત્યાં ને ત્યાંજ. ઇન્દ્રિય અને મનને ગલગલિયા કરાવનારા આ વિષયો પાછળ અણમોલ આ ભવ પુરુ કરી કેમ દેવાય ? સારા સ્થાનોમાં પણ ખણજો ચાલુ ને ચાલુ રહી. વીતરાગતાના સ્થાને વૈરાગ્યને મજબૂત કરવાની જગ્યાએ રાગના કુસંસ્કારને દ્રઢ કર્યા. ઇન્દ્રિયની ખણાજની ધૂન સત્વને ખલાસ કરે છે. ખાનદાની નેવે મૂકાવે છે. આ ઇન્દ્રિયોની ગુલામી તોડવાનો એક શ્રેષ્ઠ ઉપાય આ છે. ઇન્દ્રિયોને વિષયોથી અને વિષયોના નિમિત્તથી દૂર રાખો. નબળાં નિમિત્તોના સેવન આત્માને પતનમાં ખેંચી જાય છે. પરમાત્મ ભક્તિ, તપ-ત્યાગ, ધ્યાન, કાર્યોત્સર્ગ, પરગુણ દર્શન, સ્વદોષ દર્શનશ્રવણ આદિ શુભ યોગોમાં ઇન્દ્રિયોને જોડી દેવાની જરુર છે. સુનિમિત્તોનું સેવન આ મારક પર વિજય મેળવી આપશે. આપણે પરમાત્મા બનવા સર્જાયા છીએ. આ ઇન્દ્રિયના ગુલામ કેમ બની ગયા ? હજી અવસર હાથમાં છે.
તક અને તાકાત પણ જોરમાં છે. તકદિર જગાવી દઇએ, પોતાની અસલીયત અંકે કરી લઇએ... પોતાના જ કલ્યાણને પામતા અનાદિની ચાલ તજીએ... પુણ્ય પુરુષોના વચનોને અનુસરીએ...
::
:
૩૮૬