________________
અબજોનો માલિક સાતમી નરકનો મહેમાન.
બિહારની એ ભૂમિ. તેમાં આવેલી તે નગરી.
રાજગૃહી તેનું નામ. તેના સમ્રાટ હતા. મહારાજા શ્રેણિક - જે નગરીમાં ભગવાન મહાવીરે ચૌદ ચૌદ ચાતુર્માસ વીતાવીને પોતાની ધર્મસુધાની અમરવાણી વહાવી હતી. કેટલાય જીવોને પતિતમાંથી પાવન બનાવ્યા હતા...હા...ખુદ રાજા શ્રેણિકનેય નાસ્તિકમાંથી આસ્તિક બનાવેલા...એટલું જ નહિ, ઇતિહાસ જેના ગુણ-ગૌરવનું ગાન કરે એવો જૈન શ્રાવક બનાવ્યો હતો, એ જ નગરીમાં એક અભાગી જીવ વસે...જેણે વીરની વાણીનું અમૃત પાણી તો કદી પીધું ન હતું, પરંતુ મહાવીરનું મનોહર મુખડું જોવાના સૌભાગ્યથી પણ તે વંચિત રહી ગયો હતો...
નામ હતું એનું મમ્મણ...
એક રાતની આ વાત છે...તે રાતે અંધારું ઘોર હતું. મૂશળધાર વરસાદ વરસી રહ્યો હતો. નગરીના કાંઠે વહેતી નદીમાં જોસબંધ પૂર વહી રહ્યું હતું. તેમાં લાકડાં તણાઈ આવતાં હતાં.
માહ માસની કડકડતી ઠંડીના એ દિવસો હતા. એમાં પેલો મમ્મણ કાળી અંધારી રીતે ધોતીનો કછોટો મારીને નદીનાં પૂરમાં વહી જતાં લાકડાંને ખેંચી લાવતો હતો...
શ્રેણિક-રાયના ધર્મશીલા રાણી ચેલણા, ઝરુખે બેઠાં બેઠાં આ દ્રશ્ય જોઈ ગયાં...કરુણાભીનું એમનું અંતર જોઇને દ્રવી ઊઠયું.
બીજે દિ' સવારે જ તેઓ ગયા શ્રેણિક પાસે. “સ્વામિન્ ! તમારા રાજ્યમાં આ તે કેવો અંધેર ? પ્રજા આવી હાલાકીમાં જીવે અને તમે એશોઆરામમાં જિંદગી વીતાવો ?”
શ્રેણિક બોલ્યા: “રાણી ! આમ આકળા ન થાઓ, માંડીને વાત કરો તો કાંઇક સમજાય.”
ચલ્લણા બોલ્યાં “રાજન્ ! કાલે રાતે કડકડતી ઠંડીમાં એક ચીંથરેહાલ ભિખારી ખુલ્લા ડિલે નદીનાં પૂરમાંથી લાકડાં પકડતો હતો...પેટનો ખાડો પૂરવા
૨૯૯]